
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી-માંડવી કચ્છ.
માંડવી,તા-16 ડિસેમ્બર : માન. મુળુભાઈ બેરા, મંત્રીશ્રી પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ દ્વારા રક્ષક વન ખાતે સોવેનીયર શોપ અને કેન્ટીનનું ઉદઘાટન કરવામાં આવેલ હતું. ભુજ – ખાવડા રોડ પર રૂદ્રમાતા ડેમના કિનારા પર, ભુજથી 11 કિલોમીટર દૂર આવેલા, રક્ષક વનનું નિર્માણ, વન વિભાગ દ્વારા વર્ષ 2018 માં કરવામાં આવેલ હતું. તેમજ રાજ્ય કક્ષાના વન મહોત્સવ થકી તેનું લોકાર્પણ કરવામાં આવેલ હતું.વર્ષ 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધ દરમ્યાન ભુજ એરપોર્ટના થયેલા નુકશાનની ઝડપી મરામત માટે માધાપરની વિરાંગનાઓ એ પોતાના જાનની પરવા કર્યા વગર, દિવસ – રાત મહેનત કરીને રનવે રીપેરીંગમાં અભૂતપૂર્વ યોગદાન આપીને પોતાની શૌર્યતા અને દેશભક્તિ દર્શાવી હતી. જે થીમ ઉપર રક્ષક વનનું નિર્માણ વન વિભાગ દ્વારા કરવામાં આવેલ. રુદ્રમાતા ડેમના સાનિધ્યમાં રક્ષક વન પર્યટકોમાં અનેરુ આકર્ષણ ધરાવે છે. રક્ષકવનના કુદરતી સોંદર્યને કચ્છ જિલ્લાના લોકો ઉપરાંત બહારથી આવતા અનેક પર્યટકો માણી રહ્યા છે. નવનિર્મિત સોવેનિયર શોપમાં કચ્છ જિલ્લાની ભાતિગળ સંસ્કૃતિના દર્શન કરાવતા ભરત કામ અને વિવિધ હેન્ડીક્રાફ્ટની આઈટમો ઉપલબ્ધ કરાવવામાં આવશે. કેન્ટીનમાં ગરમ નાસ્તાઓની સાથે ગુજરાત સ્ટેટ ફોરેસ્ટ ડેવલપમેન્ટ કોર્પોરેશનનું મધ અને અન્ય આયુર્વેદિક દવાઓ પણ ઉપલબ્ધ થાય તેવી વ્યવસ્થાઓ પણ કરવામાં આવી છે.આજના સમયમાં મનુષ્ય પોતાની જવાબદારીઓથી ઘેરાયેલો છે. વિવિધ જવાબદારીઓ પૂર્ણ કરવા દરેકે પોતાનું જીવન દોડધામ વાળુ બનાવી દીધેલ છે. ત્યારે શહેરનાં સિમેન્ટ કોંક્રીટનાં જંગલોની સાપેક્ષે રક્ષક વનમાં કુદરતી વાતાવરણમાં અનેરો શાંતિનો અનુભવ થાય છે. રુદ્રમાતાના કિનારે પાણીનો નયનરમ્ય નઝારો લોકોને આકર્ષિત કરી રહ્યો છે. આજ સુધીમાં રક્ષક વનમાં લગભગ 7.25 લાખથી વધુ પ્રવાસીઓએ મુલાકાત માણી છે. અને Google વેબસાઈટ પર કચ્છ જિલ્લાના આ પર્યટક સ્થળને ખૂબ જ સારા ફીડબેક મળી રહ્યા છે.શિયાળામાં કચ્છ જિલ્લામાં અનેક પ્રવાસીઓ આવી રહ્યા છે. ત્યારે વન વિભાગ દ્વારા ઉભી કરવામાં આવેલ આ વ્યવસ્થાથી પ્રવાસીઓની સગવડતાઓમાં વધારો થશે. સાથે સાથે સ્થાનિક લોકોની રોજગારીની તકોમાં પણ વધારો થશે. તેવો માન. મંત્રીશ્રીએ આશાવાદ વ્યક્ત કરેલ હતો. તેમજ વધુમાં વધુ લોકો રક્ષકવનનો લાભ મેળવે તેવી અપીલ પણ તેઓએ કરી હતી.આ પ્રસંગે કચ્છ વન વર્તુળના મુખ્ય વન સંરક્ષકશ્રી સંદીપકુમાર સાહેબ, કચ્છ પશ્ચિમ વન વિભાગના નાયબ વન સંરક્ષકશ્રી યુવરાજસિંહ ઝાલા, કચ્છ સામાજિક વનીકરણ વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી હરેશભાઈ મકવાણા, બન્ની વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી બી. એમ. પટેલ સાહેબ, કુનરીયા ગામના સરપંચ શ્રીમતિ રશ્મિબેન છાંગા, પૂર્વ સરપંચ શ્રી સુરેશભાઈ છાંગા તથા વાઘેશ્વરી સખી મંડળનાં મહિલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.





