
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લામાં કમોસમી વરસાદ પડતા જિલ્લાના જિલ્લાના ખેડૂતો પાયમાલ બન્યા છે.ત્યારે ડાંગનાં ધારાસભ્ય વિજયભાઈ પટેલે સહાય પેકેજ અંગે મુખ્યમંત્રીને રજુઆત કરી..
ગુજરાતમાં છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસાની અનિયમિત પેટર્ન જોવા મળી રહી છે, જેણે ખેડૂતોની કમર તોડી નાખી છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતનાં ડાંગર પકવતા ખેડૂતોને પાક લણણીના સમય પર જ કમોસમી વરસાદનો માર સહન કરવો પડ્યો છે.ડાંગ જિલ્લામાં કાપણી સમયે વરસેલા અણધાર્યા વરસાદથી ડાંગરના તૈયાર પાકને ભારે નુકસાન વેઠવાની પરિસ્થિતિ સર્જાઈ છે, જેના કારણે ખેડૂતોની વર્ષભરની મહેનત પાણીમાં ગઈ છે. ડાંગ જિલ્લો, જે પહાડોથી ઘેરાયેલો એક નાનકડો આદિવાસી વિસ્તાર છે, ત્યાંના લોકોની આજીવિકા સંપૂર્ણપણે પોતાના નાનકડા ખેતરોમાં થતી આવક પર અને ખેતી પર આધારિત છે. અહીં કોઈ મોટા ઉદ્યોગો ન હોવાથી, ખેતી જ તેમનો મુખ્ય ખોરાક અને આવકનો સ્ત્રોત છે.જોકે, છેલ્લા કેટલાક વર્ષોથી ચોમાસું અનિયમિત બનતાં, ખેડૂતોને મોડી વાવણી કે રોપણી કરવી પડે છે. આ વર્ષે પણ ડાંગર, વરાઈ અને નાગલી જેવા મહત્વના પાકો માંડ માંડ તૈયાર થયા છે, ત્યાં જ છેલ્લા ચાર દિવસથી કમોસમી વરસાદ તૂટી પડ્યો છે. તૈયાર પાકને જોઈને હરખાતા ગરીબ ખેડૂતોને માવઠાના કારણે ફરી એકવાર ભૂખે મરવાની દશા ઊભી થવાનો ભય સતાવી રહ્યો છે.કમોસમી વરસાદને કારણે ખેતરોમાં નુકસાનીનું ભયાનક દ્રશ્ય જોવા મળી રહ્યું છે.ખેતરોમાં ઉભેલો તૈયાર પાક જમીન પર ઢળી પડ્યો છે.જે ડાંગરની કાપણી કરીને પૂળા ખેતરોમાં સુકવવા માટે રાખવામાં આવ્યા હતા, તે સંપૂર્ણપણે પલળી ગયા છે અને હવે તેને ખેતરમાંથી બહાર કાઢવું પણ મુશ્કેલ બન્યું છે.સામાન્ય રીતે કાપણીના ત્રીજા-ચોથા દિવસે ડાંગરનો પાક ખેતરમાંથી લેવામાં આવે છે, પરંતુ સતત વરસાદને કારણે આ પ્રક્રિયા ખોરવાઈ ગઈ છે.આ ઉપરાંત, ડાંગરના જે દાણા છૂટા પાડીને સુકવવા માટે મૂકવામાં આવ્યા હતા, તે પણ અચાનક આવેલા વરસાદથી ભીંજાઈ જતાં તેની ગુણવત્તા બગડવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ છે.કમોસમી વરસાદે જે ખેતરો સંપૂર્ણ સુકાઈ ગયા હતા, ત્યાં હવે ભારે પાણી ભરાઈ જતાં જમીન ફરી ભીની થઈ ગઈ છે, જેના કારણે પાકને સડો થવાની શક્યતા વધી છે.ડાંગના આદિવાસી વિસ્તારના મોટાભાગના ગરીબ ખેડૂતોએ ખેતી માટે વ્યાજે રૂપિયા લીધા હતા.તેમની આશા હતી કે ડાંગરના સારા પાકથી તેઓ દેવું ચૂકવી શકશે. પરંતુ કમોસમી વરસાદમાં પાક પલળી જતાં, ડાંગી ખેડૂતોની મહેનત અને મૂડી બંને પર પાણી ફરી વળ્યું છે.ડાંગી ખેડૂતોને હાલમાં રોવાનો વારો આવ્યો હોવાનું જણાવી રહ્યા છે. જો તાત્કાલિક કોઈ સરકારી સહાય નહીં મળે તો, ગરીબ ખેડૂતો ભૂખમરાની પરિસ્થિતિમાં મુકાઈ શકે છે.ડાંગ જિલ્લાના ખેડૂતોની હાલત એકસમાન છે, ત્યારે સાપુતારાની તળેટી વિસ્તારમાં આવેલા ખેતરોમાં સૌથી વધુ નુકસાન થયું હોવાના અહેવાલો છે. ખેડૂતોને થયેલા નુકસાન સામે પૂરતી અને ઝડપી આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તે પણ જરૂરી બન્યું છે. કમોસમી વરસાદના કારણે ડાંગર, મગફળી,નાગલી, વરાઈ, સોયાબીન અને અન્ય ખરીફ પાકોને વ્યાપક નુકસાન થયું હોવાના અહેવાલો છે, જેના પગલે ખેડૂતોની આર્થિક કમર તૂટી ગઈ છે.ત્યારે આ પરિસ્થિતિને પગલે ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલે કમોસમી વરસાદથી થયેલ પાકના નુકશાન અંગે રાહત સહાયની ભલામણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કરી છે.





