BANASKANTHAGUJARATPALANPUR

બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે “ઓપરેશન શિલ્ડ” અંતર્ગત તાલીમનું આયોજન કરાયું: સરહદી ગામ જલોયા ખાતે નાગરિકોનું કરાયું સ્થળાંતર

1 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા

નડાબેટ ખાતે વાવ અને સુઈગામ તાલુકાના બહોળી સંખ્યામાં નાગરિકોએ સિવિલ ડિફેન્સની મેળવી તાલીમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી, નાગરિકો સુરક્ષિત સ્થળોએ પહોંચ્યા, આઠ જેટલા ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડાયા, કાટમાળને દૂર કરાતા સારવાર દરમિયાન ૨ વ્યક્તિ મૃત જાહેર કરાયા કેન્દ્રીય ગૃહ મંત્રાલયના નિર્દેશ અનુસાર બનાસકાંઠા જિલ્લામાં ભારત-પાકિસ્તાન બોર્ડર નડાબેટ ખાતે સિવિલ ડિફેન્સ અંતર્ગત “ઓપરેશન શિલ્ડ” તાલીમનું આયોજન કરાયું હતું તથા સરહદી સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાયું હતું. બનાસકાંઠા જિલ્લા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના નેતૃત્વમાં આયોજિત તાલીમમાં સરહદી વિસ્તારના બહોળી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. પોલીસ, મહેસૂલ, આરોગ્ય, વીજળી, ફાયર, નગરપાલિકા, એન.સી.સી, વોલીન્ટીયર્સ તથા હોમગાર્ડની ટીમો તાલીમમાં જોડાઈ હતી.જેમાં સૌપ્રથમ હવાઈ હુમલા અંતર્ગત સાયરન વગાડવામાં આવી હતી જેમાં નાગરિકો ઝડપથી સુરક્ષિત સ્થાન પર પહોંચ્યા હતા. આ હવાઈ હુમલામાં ૮ જેટલા લોકો ઘાયલ થતા તત્કાલિક એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ખસેડાયા હતા. હવાઈ હુમલા સામે ફાયરની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવા આવ્યો હતો તથા રાહત અને બચાવ માટે જી.સી.બી દ્વારા કાટમાળને દૂર કરાયો હતો જેમાં ૨ લોકોને કાટમાળથી બહાર કઢાયા હતા જે સારવાર દરમિયાન મૃત જાહેર કરાયા હતા. સુઈગામ તાલુકાના જલોયા ગામ ખાતે નાગરિકોને સ્થળાંતર કરવા માટેની તાલીમનું આયોજન કરાયું હતું જેમાં નાગરિકોને સ્થળાંતર સ્થળે ખસેડવામાં આવ્યા હતા.જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી અક્ષયરાજ મકવાણાએ જણાવ્યું હતું કે, વાવ અને સુઈગામ તાલુકાના કુલ ૧૨૨ ગામો માટે તકેદારીના ભાગરૂપે આયોજિત તાલીમમાં ખુબ જ ઓછા સમયમાં નાગરિકોની સુરક્ષા સુનિશ્ચિત કરી શકાય તથા રાહત અને બચાવની કામગીરી કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું. ઘાયલ નાગરિકોને ઝડપથી હોસ્પિટલ ખાતે પહોંચાડી શકાય તથા જરૂર પડે બ્લડની વ્યવસ્થા કરી શકાય તે મુજબનું આયોજન કરાયું હતું. આ સિવિલ ડિફેન્સ તાલીમ નાગરિકોની સુરક્ષાના ભાગરૂપે કરવામાં આવી છે. યુધ્ધ સહિત કોઈપણ કુદરતી ગંભીર આપત્તિ વ્યવસ્થાપન સમયે ઇજાગ્રસ્ત અને ફસાયેલા નાગરિકોને સુરક્ષિત સ્થળે ખસેડવા, પ્રાથમિક સારવાર ઉપલબ્ધ કરાવવી જેવી પ્રવૃત્તિઓ હાથ ધરાઈ હતી.

Back to top button
error: Content is protected !!