GUJARATKUTCHMANDAVI

શિક્ષક સંગઠનની રજૂઆત બાદ આખરે પ્રાથમિક શાળાઓના સમયમાં ફરી ફેરફાર કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ  :- રમેશ મહેશ્વરી .

માંડવી ,તા.02 એપ્રિલ  : દર વર્ષે ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી સમગ્ર રાજ્યમાં પ્રાથમિક શાળાઓનો સમય આર. ટી. ઇ. ના નિયમોને આધિન રહીને સવારનો કરવામાં આવે છે. જેમાં કામકાજના કલાકો ન ઘટે તેનું ધ્યાન રખાય છે. દરેક જિલ્લાઓના પ્રાથમિક શિક્ષણાધિકારી પોતાની સ્થાનિક પરિસ્થિતિને ધ્યાનમાં લઈ સમય અંગે નિર્ણય લેતા હોય છે. તાજેતરમાં કચ્છ જિલ્લામાં કાળઝાળ ગરમી ,હિટ વેવ અને પીવાના પાણીની તંગીને ધ્યાનમાં લઈ જિલ્લાની પ્રાથમિક શાળાઓનો સમય સવારનો કરવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેને ધ્યાનમાં લઈ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી ભૂપેન્દ્રસિંહ વાઘેલા દ્વારા એક પરિપત્ર પણ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં બિન પાળી વાળી સામાન્ય શાળાઓનો સમય સોમ થી શુક્રવાર સવારે ૭:૧૦ થી ૧૨:૪૦ જ્યારે શનિવારે ૭:૧૦ થી ૧૧:૧૦ નો સમય રાખવા સૂચના આપવામાં આવી છે. આ સાથે પાળી વાળી શાળાઓ માટે સોમ થી શુક્રવાર પ્રથમ પાળી સવારે ૭:૧૦ થી ૧૨:૪૦ જ્યારે બીજી પાળી બપોરે ૧૨:૪૦ થી સાંજે ૫:૩૦ રાખવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાથી પ્રાથમિક શિક્ષકોમાં ગણગણાટ શરૂ થયો હતો. સામાન્ય રીતે આ સમય ગાળા દરમિયાન શાળાઓનો સમય રિશેષ સહિત ૫ કલાકનો હોય છે. તેના બદલે અડધો કલાક સમય વધારી નખાયો હતો. બપોરે ૧૨: ૪૦ કલાકે શાળા છૂટે તો ખાસ કરીને મહિલા શિક્ષિકાઓ ક્યારે ઘેર પહોંચે અને ક્યારે રસોઈ બનાવે? એટલે સમયમાં ફેરફાર કરવા માંગ કરવામાં આવી હતી. સમયમાં ફેરફાર કરવાથી આર. ટી.ઇ. મુજબના કલાકો પણ જળવાઈ રહે છે તેવી દલીલ કરાઇ હતી. સામાન્ય રીતે દર વર્ષે કચ્છ જિલ્લાની પ્રાથમિક શાળાઓમાં ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી સામાન્ય શાળાઓનો સમય સોમ થી શુક્રવાર સવારના ૭:૩૦ થી બપોરે ૧૨: ૩૦ વાગ્યા સુધીનો હોય છે, જ્યારે શનિવારનો સમય સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ નો હોય છે. તો પાળી પદ્ધતિ વાળી શાળાઓનો સમય પ્રથમ પાળી ૭:૪૫ થી ૧૧:૩૦ જ્યારે બીજી પાળીનો સમય ૧૧:૩૦ થી ૩:૧૫ નો હોય છે. તો દર વર્ષની માફક આ વર્ષે પણ ૧ એપ્રિલ થી ૩૦ જૂન સુધી રાબેતા મૂજબનો સમય રાખવા કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજનું પ્રતિનિધિ મંડળ શનિવારે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરૂ મળી રજૂઆત કરી હતી. પણ જવાબદારો દ્વારા આર.ટી.આઇ.નું ગાણું ગવાયું હતું અને સમયમાં ફેરફાર કરવા અસમર્થતા દર્શાવી હતી. જોકે જિલ્લા ભરમાં શિક્ષકોમાં સમય અંગે અસંતોષ હતો. શિક્ષકોની રજૂઆતના પગલે આજે ફરી કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા, રાજ્ય સંઘના ઉપપ્રમુખ હરિસિંહ જાડેજા, મંત્રી વિલાસબા જાડેજા, શોભનાબેન વ્યાસ, ઉર્મિલાબેન ગોર, જેબુનીશાબેન રાયમા, સૂર્યાબેન પ્રજાપતિ સહિત ૨૦ થી ૨૫ બહેનોનું પ્રતિનિધિ મંડળ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીને રૂબરૂ મળી સમય અંગે વિવિધ જિલ્લાઓના પરિપત્રો, કચ્છ જિલ્લાના અગાઉના પરિપત્રો , આર.ટી. ઇ.ના કલાકો , બાળકો અને શિક્ષકોને પડતી મુશ્કેલીઓ ઉપરાંત સમય ઘટાડવાથી શિક્ષણકાર્યને થતી અસર વગેરે અંગે તર્ક બદ્ધ દલીલો કરી સમયમાં ફેરફાર કરવા ઉગ્ર રજૂઆત કરી હતી. આખરે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા માંગ સ્વીકારી આજે જ એક પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે. જેમાં સામાન્ય શાળાઓ માટે સોમ થી શુક્રવારનો સમય સવારે ૭:૦૦ થી ૧૨ જ્યારે શનિવારે સવારે ૭:૦૦ થી ૧૧ નો રાખવા સૂચના આપવામાં આવી છે. એ જ રીતે પાળી પદ્ધતિ વાળી શાળાઓમાં સોમ થી શુક્રવાર પ્રથમ પાળી સવારના ૭:૦૦ થી ૧૨:૦૦ જ્યારે બીજી પાળી બપોરે ૧૨:૦૦ થી ૫:૦૦ રખાઈ જ્યારે શનિવારે પ્રથમ પાળી ૭:૦૦ થી ૧૧:૦૦ જ્યારે બીજી પાળીનો સમય ૧૧:૦૦ થી ૩:૦૦ નો રાખવામાં આવ્યો છે. આ પત્રથી શિક્ષકોમાં રાહતની લાગણી વ્યાપી છે.

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!