૮૩ની ઉંમરે રમેશ કાનાડેનો નવો સૂર્યોદય : સિંગાપુરમાં વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપમાં જીત્યા બે સિલ્વર મેડલ
રિપોર્ટર
હિતેન્દ્ર ગોસાઈ
અમદાવાદ
અમદાવાદ : જીવનની સાંજમાં જયારે મોટાભાગના લોકો આરામ પસંદ કરે છે, ત્યારે ૮૩ વર્ષીય રમેશ કાનાડે પોતાની જુસ્સા અને જિદ્દના બળે એક નવો ઇતિહાસ રચ્યો છે. સિંગાપુરમાં આયોજિત વર્લ્ડ એક્વેટિક્સ માસ્ટર્સ ચેમ્પિયનશિપ ૨૦૨૫માં તેમણે સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગની ૧ મીટર અને ૩ મીટર બંને કેટેગરીમાં સિલ્વર મેડલ જીતીને ભારતનું ગૌરવ વધાર્યું છે.
આ સિદ્ધિ વિશેષ એ કારણે પણ મહત્વપૂર્ણ છે કે સમગ્ર ભારતમાંથી આ કેટેગરીમાં ભાગ લેનાર રમેશ કાનાડે એકમાત્ર પ્રતિભાગી હતા. એરફોર્સના નિવૃત્ત અધિકારી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંચાલિત સરદાર પટેલ સ્ટેડિયમ સ્નાનાગારના સભ્ય કાનાડે સતત મહેનત અને અનુશાસનથી આ સિદ્ધિ મેળવી છે. તેમણે અહીંના હેડ કોચ કિશનસિંહ ડાભી પાસેથી તાલીમ મેળવી હતી અને સ્નાનાગારના સ્ટાફનો પણ તેમને પૂરતો સહકાર મળ્યો હતો.
મેડલ જીત્યા બાદ પોતાના ભાવ વ્યક્ત કરતાં રમેશ કાનાડેએ જણાવ્યું હતું કે, “આ સ્પર્ધામાં ભાગ લેવાનો મારો મુખ્ય હેતુ વિશ્વ સ્તરે મારી પોઝિશન જાણી લેવાનો હતો. આ જ જિદ્દ મને મેડલ સુધી લઈ ગઈ. ફેડરેશન અને કોર્પોરેશનના સહયોગ વિના આ શક્ય બન્યું ન હોત.”
રમેશ કાનાડે યુવાનોને સંદેશ આપતા કહે છે, “મંઝિલ મેળવવા માટે મહેનત જ સૌથી મોટો હથિયાર છે. ઉંમર કે પરિસ્થિતિ કોઈ અવરોધ નથી. પ્રયત્ન ન છોડવો એ જ સફળતાની ચાવી છે. હું સ્નાનાગારમાં આવતા દરેક યુવાનને હંમેશા પ્રોત્સાહન આપતો રહું છું.”
ભૂતકાળની સિદ્ધિઓ
રમેશ કાનાડે વર્ષ ૨૦૧૭થી સ્પ્રિંગ બોર્ડ ડાઈવિંગમાં ભાગ લઈ રહ્યા છે. વર્ષ ૨૦૧૭માં બેંગલોરમાં સિલ્વર મેડલ, ૨૦૧૮માં વિશાખાપટ્ટનમમાં ગોલ્ડ મેડલ, ૨૦૧૯માં લખનૌમાં ગોલ્ડ મેડલ, જ્યારે ૨૦૨૪માં દોહા (કતાર)માં યોજાયેલી ચેમ્પિયનશિપમાં એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ જીત્યા હતા. આ રીતે અત્યાર સુધીમાં તેઓ કુલ બે ગોલ્ડ, ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવી ચૂક્યા છે.
અમદાવાદ બનશે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું કેન્દ્ર
ગુજરાત સરકાર ‘ખેલશે ગુજરાત, જીતશે ગુજરાત’ના મંત્ર સાથે રમતગમત ક્ષેત્રે મજબૂત નીતિઓ અમલમાં મૂકી રહી છે. આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, સાબરમતી રિવરફ્રન્ટ પર ઓલિમ્પિક-સ્ટાન્ડર્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને નારણપુરા ખાતે નવા ઓલિમ્પિક કક્ષાના સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જેવા પ્રોજેક્ટ્સથી અમદાવાદ ઝડપથી આંતરરાષ્ટ્રીય સ્તરે સ્પોર્ટ્સ ઈકોસિસ્ટમનું કેન્દ્ર બની રહ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે રમેશ કાનાડેની આ સિદ્ધિ માત્ર એક વ્યક્તિગત વિજય નથી, પરંતુ સમગ્ર ગુજરાતના ખેલપ્રેમીઓ માટે પ્રેરણાસ્ત્રોત છે. તેમની કથા સાબિત કરે છે કે સંકલ્પ, અનુશાસન અને મહેનત હોય તો ઉંમર માત્ર એક આંકડો છે.