MORBI:મોરબીમાં ૬૫ વર્ષીય વૃદ્ધએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું

MORBI:મોરબીમાં ૬૫ વર્ષીય વૃદ્ધએ ગળેફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું
મોરબી:શહેરના રવાપર રોડ પર આવેલી નર્સિંગ સોસાયટીમાં સ્થિત જમુના એપાર્ટમેન્ટમાં રહેતા એક ૬૫ વર્ષીય વૃદ્ધે અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાનો દુઃખદ બનાવ સામે આવ્યો છે.
મળતી માહિતી મુજબ, જમુના એપાર્ટમેન્ટમાં રહેતા અનિલભાઈ વેલજીભાઈ વિડજા (ઉં.વ. ૬૫) નામના વૃદ્ધે તા. ૧૬ ઓગસ્ટના રોજ સાંજના ૫:૦૦ થી રાત્રિના ૮:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન પોતાના ઘરના રૂમમાં કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ લીધો હતો.
ઘટનાની જાણ થતાં જ પરિવારજનો દ્વારા તેમને તુરંત જ મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જોકે, ત્યાં ફરજ પરના તબીબે પ્રાથમિક તપાસ બાદ તેમને મૃત જાહેર કર્યા હતા.આ બનાવ અંગે મોરબી સીટી એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવતા, પોલીસે અકસ્માતે મોત (અ.મોત) અંગેની નોંધ કરી છે. વૃદ્ધે કયા કારણોસર આ અંતિમ પગલું ભર્યું તે અંગે પોલીસે આગળની કાનૂની તપાસ હાથ ધરી છે.










