DAHODGUJARAT

દાહોદમાં SBI બેંકની બે શાખામાં કરોડોનું કૌભાંડ:લોન લેવા નકલી શિક્ષક અને ST ડ્રાઇવર બન્યા, રેલવેકર્મીઓએ પણ નકલી પગાર સ્લિપ બનાવી, 31 સામે FIR, 18ની ધરપકડ

તા.૨૪.૦૭.૨૦૨૫

વાત્સલ્યમ્ સમાચાર

અજય સાંસી દાહોદ

Dahod:દાહોદમાં SBI બેંકની બે શાખામાં કરોડોનું કૌભાંડ:લોન લેવા નકલી શિક્ષક અને ST ડ્રાઇવર બન્યા, રેલવેકર્મીઓએ પણ નકલી પગાર સ્લિપ બનાવી, 31 સામે FIR, 18ની ધરપકડ

દાહોદ શહેરની સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI)ની બે શાખાઓમાં ખોટા દસ્તાવેજો અને બનાવટી પગાર સ્લિપ્સના આધારે લોન મેળવી બેંક સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાતનો મામલો સામે આવ્યો છે.આ લોન કૌભાંડમાં કુલ 31 ઈસમો સામે દાહોદના એ અને બી ડિવિઝન પોલીસ મથકોમાં ફરિયાદ નોંધાઈ છે, જેમાંથી બંને શાખાના ત્યારના મેનેજર અને લોન એજન્ટો સહિત 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ડીવાયએસપીએ જણાવ્યું કે ગઇકાલે ઝડપાયેલા પાંચ આરોપીઓને કોર્ટમાં રજૂ કરાતા ચાર આરોપીઓને પાંચ દિવસના અને એક આરોપીના એક દિવસના રિમાન્ડ મળ્યા છે. જ્યારે આજે ઝડપેલા આરોપીઓને હજી કોર્ટમાં રજૂ કરાયા નથી.SBIની યાદગાર ચોકની શાખાનું કૌભાંડ:દાહોદ શહેરના યાદગાર ચોક ખાતે આવેલી SBI બેન્કની મુખ્ય શાખામાં 20 જૂન 2022થી 13 ફેબ્રુઆરી 2024 દરમિયાન તત્કાલીન બ્રાન્ચ મેનેજર ગુરમિતસિંહ પ્રેમસિંગ બેદીની મદદથી 19 ઈસમોએ ખોટા દસ્તાવેજો રજૂ કરી લોન મેળવી હોવાનું બહાર આવ્યું છે.આરોપીઓએ નકલી શિક્ષક, એસ.ટી ડ્રાઇવર બની બનાવટી પગાર સ્લિપ્સ તૈયાર કરી, રિટેલ લોન મેનેજમેન્ટ સિસ્ટમ (RLMS)માં નેટ સેલેરીને બદલે ગ્રોસ સેલેરીની ખોટી એન્ટ્રી કરી વધુ લોન મેળવી હતી. લોનધારકોના ખાતા નોન-પરફોર્મિંગ એસેટ (NPA) અથવા ઓવરડ્યુ હોવા છતાં, પૂર્વ મંજૂરી નિરીક્ષણ વિના લોન મંજૂર કરવામાં આવી હતી.આ લોન કૌભાંડમાં દાહોદના ઝરીખુર્દ, તણસીયા, રાબડાળ, ગુંદીખેડા, ગરબાડા, મહીસાગર જિલ્લા, મધ્યપ્રદેશના ધાધણીયા અને રાજસ્થાનના રંગપુર ગામના રહેવાસીઓ સામેલ છે. જેમા મહીસાગર જિલ્લાના જમનાના મુવાડા ગામના વિક્રમ મંગળ પટેલિયાએ પટાવાળા તરીકે નોકરી કરતા હોવા છતાં ક્લાર્ક તરીકે ખોટું સર્ટિફિકેટ રજૂ કર્યું હતું.ધાનપુરના નવાનગર ગામના સંજય રૂપા હઠીલાએ કેસ ક્રેડિટ લોન અને ડિજિટલ લોન (PMEGP) માટે ખોટા કોટેશન બિલો રજૂ કરી, સેન્ટીંગ સામગ્રીની ખરીદી ન કરતાં લોનની રકમનો દુરુપયોગ કર્યો હતો. આશિષ સીમલ બારીયા (જેસાવાડા)એ હોમ લોન અને સુરક્ષા લોન (રીન રક્ષા)નો ઉપયોગ ચાર માળનું મકાન બાંધવાને બદલે અધૂરું બાંધકામ કરી, રકમનો દુરુપયોગ કર્યો હતો. ગુરમિત બેદીએ આ લોનની રકમ કોન્ટ્રાક્ટરને બદલે આશિષના ખાતામાં ટ્રાન્સફર કરી, આવકના દસ્તાવેજો અને બાંધકામનું નિરીક્ષણ કર્યા વિના લોન મંજૂર કરી હતી

આ લોન કૌભાંડ અંગે હાલના બ્રાન્ચ મેનેજર દીપક ગુલાબરાવ પવારે દાહોદ એ ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતાં. પોલીસે IPC કલમ 420, 409, 465, 467, 468, 471, 120B અને 34 હેઠળ ગુનો નોંધી, તપાસ શરૂ કરી છે SBIની સ્ટેશન રોડ શાખાનું કૌભાંડ:દાહોદ શહેરના સ્ટેશન રોડ પર આવેલી SBI શાખામાં 1 સપ્ટેમ્બર 2021થી 20 જૂન 2024 દરમિયાન બ્રાન્ચ મેનેજર મનીષ વામનરાવ ગવલે અને 10 લોનધારકોએ ખોટા દસ્તાવેજોના આધારે લોન મેળવી હોવાનું જણાયું છે. આરોપીઓએ નોકરીનું સ્થળ ખોટું બતાવી, બનાવટી પગાર સ્લિપ્સ રજૂ કરી, અને બ્રાન્ચ મેનેજરે દસ્તાવેજોની ચકાસણી કર્યા વિના વધુ લોન મંજૂર કરી હતી. આ મામલે બેંકના અધિકારી નિતિન ગોપીરામ પુડીંગે દાહોદ બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી, જેના આધારે પોલીસે ગુનો નોંધી, કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે

આરોપીઓની ધરપકડ અને પોલીસ તપાસનો ધમધમાટ દાહોદ જિલ્લા નાયબ પોલીસ વડા જગદીશ ભંડારીના નેતૃત્વમાં તપાસ શરૂ થઈ છે. અત્યાર સુધીમાં બ્રાન્ચ મેનેજરો ગુરમિત સિંહ બેદી, મનીષ ગવલે, રાજેશ મછાર, ભરત પારગી, સુભાષ તાવીયાડ,સંજય ડામોર અને એજન્ટ પ્રેમ શેખ સાથે કુલ 18 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. બાકીના આરોપીઓની ધરપકડ માટે પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.બેંકિંગ વ્યવસ્થા પર ઉઠ્યા સવાલો આ લોન કૌભાંડે બેંકિંગ પ્રક્રિયામાં પારદર્શિતા અને નિયમોના પાલનની જરૂરિયાત ઉજાગર કરી છે. પોલીસ તપાસમાં વધુ ખુલાસા થવાની શક્યતા છે, જેની સ્થાનિકોમાં ચર્ચા ચાલી રહી છે.

Back to top button
error: Content is protected !!