GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજનું વિશાળ સંમેલન યોજાયું : શિક્ષણ પર ભાર મૂકવા આહવાન

MORBI:મોરબીમાં વરિયા પ્રજાપતિ સમાજનું વિશાળ સંમેલન યોજાયું : શિક્ષણ પર ભાર મૂકવા આહવાન

 

 

પ્રજાપતિ સમાજની શાંત અને વિશ્વાસુ સમાજ તરીકેની ઓળખને વધુ મજબૂત કરી દેશના વિકાસમાં મજબૂત ભાગીદારી માટે યુવાનોને આગળ વધવા હાકલ કરાઈ

જાણીતા વક્તા-લેખક જય વસાવડા, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ તેમજ મનસુખભાઇ પ્રજાપતિ (મિટ્ટીકુલ)એ યુવાનોને પ્રેરક વકતવ્ય આપ્યું

સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યમાં વરિયા પ્રજાપતિ સમાજના લોકો ઉપસ્થિત રહ્યા

મોરબી : મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સમાજના સર્વાંગી વિકાસ માટે જરૂરી શિક્ષણ બાબતે સમાજ અને યુવાનોમાં જાગૃતિ લાવવા પ્રથમવાર વરિયા પ્રજાપતિ યુવા સંમેલનનું આયોજન ગત તારીખ 10 નવેમ્બરને રવિવારના રોજ કરવામાં આવ્યું હતું. આ સંમેલનમાં શિક્ષણ પર ભાર મૂકવાની સાથે પ્રજાપતિ સમાજની શાંત અને વિશ્વાસુ સમાજ તરીકેની ઓળખને વધુ મજબૂત કરી દેશના વિકાસમાં મજબૂત ભાગીદારી માટે યુવાનોને આગળ વધવા હાકલ કરાઈ હતી.

મોરબીમાં વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ દ્વારા સામાકાંઠે જિલ્લા સેવા સદન પાછળ આવેલા રેમન્ડ પાર્ટી પ્લોટ ખાતે 10 નવેમ્બરને રવિવારના રોજ સાંજે 4 કલાકે સમાજના યુવાનોનું યુવા સંમેલન યોજાયું હતું. આ યુવા સંમેલનમાં જાણીતા મોટીવેશનલ સ્પીકર, લેખક અને યુવાનોના પ્રેરક એવા જય વસાવડાએ મુખ્ય વક્તા તરીકે વક્તવ્ય આપ્યું હતું. આ ઉપરાંત મીટ્ટી કૂલ વાંકાનેરના મનસુખભાઈ પ્રજાપતિએ પણ યુવાનોને પ્રેરણાદાયી વક્તવ્ય આપ્યું હતું. તેમજ મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ. પ્રજાપતિએ પણ ઉપસ્થિત રહીને યુવાનોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. વકતાઓ પ્રજાપતિ સમાજની રોટલા, ઓટલાની પરંપરા અને એક શાંત અને વિશ્વાસુ સમાજની પરંપરાગત ઓળખને યાદ કરી સમાજના સર્વાગી વિકાસ માટે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમજ આવનારા સમયમાં શિક્ષણના મહત્વ વિશે ભાર આપ્યો હતો. આ ઉપરાંત વકતાઓએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે સમાજની દરેક સમસ્યાનો ઉકેલ માત્ર શિક્ષણ છે. સમાજના વિકાસ માટે માત્ર ઈન્ફ્રાસ્ટ્રક્ચર નહિ પણ વૈચારિક ક્રાંતિ અને વિચારોનું વાવેતર જરૂરી હોવાનું તેમજ ધાર્મિક, સામાજિક પ્રસંગો સાથે શૈક્ષિણક હેતુ અને તેવા કાર્યો સાંકળવા પર ભાર મૂક્યો હતો. તેમજ કન્યા કેળવણી અત્યંત જરૂરી પણ સાથે કુમારો પણ ઉચ્ચ શિક્ષિત થાય તે પણ જરૂરી હોવાનું જણાવ્યું હતું.આજના સમયમાં જે ગ્રેજ્યુએટ નથી તે અભણ છે તેમજ માત્ર નોકરી મેળવવા નહિ પણ ઘરના ધંધા રોજગારમાં પણ આગળ વધવા ઉચ્ચ અભ્યાસ જરૂરી હોવાનું જણાવ્યું હતું. આ સાથે યુવાનોને ખાસ વ્યસન જેવા દુષણો અંગે જાગૃત કરાયા હતા. તેમજ સફળતાનો કોઈ શોર્ટ કટ ન હોવાનું જણાવી મોજ શોખ અને દેખા દેખીમાં વ્યાજ અને લોનના વિષચક્રમાં ફસાતા બચવા યુવાનોને સંદેશ આપવામાં આવ્યો હતો. તેમજ સમાજ કાર્યોમાં વડીલોની સાથે યુવાનોની ભાગીદારી વધે તેમજ આજના મોબાઈલના સમયમાં પુસ્તકોના વાંચન પર વકતાઓ દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો.

સમગ્ર કાર્યક્રમનું આયોજન કરનાર સંસ્થા અંગે કાર્યકારી પ્રમુખ ભાવેશભાઈ વામજા દ્વારા પરિચય આપતા જણાવ્યું હતું કે “વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ”ની સમાજના શિક્ષણપ્રેમી વડીલો અને આગેવાનો દ્વારા 1965માં શરૂઆત કરાઈ છે. જેનો મુખ્ય હેતુ સમાજનો શૈક્ષિણક વિકાસ કરવાની સાથે સમાજનો સર્વાંગી વિકાસ અને સમાજને યોગ્ય દિશામાં લઈ જવાનો છે. આ સંસ્થા સમગ્ર ગુજરાતમાં રહેતા વરિયા પ્રજાપતિ સમાજ માટે કામ કરે છે. આ સંસ્થાની મોરબીમાં આધુનિક છાત્રાલય આવેલી છે. હાલમાં એક વર્ષ પેહલા આ સંસ્થાનું સંચાલન સમાજના શિક્ષિત યુવાનોને સોંપવામાં આવ્યું છે. યુવા સંચાલક ટીમ દ્વારા સમાજમાં શિક્ષણની સાથે સમાજનો સર્વાંગી વિકાસ થાય તે માટે વિવિધ કાર્યો અને અભિયાનો ચાલવામાં આવી રહ્યા છે. જેમાં 1500 પુસ્તકો સાથેની આધુનિક લાયબ્રેરીની શરૂઆત, વિદ્યાર્થીઓ અને ધંધાદારીઓ માટે અંગ્રેજીના વર્ગો, વકતૃત્વ સ્પર્ધાનું આયોજન, રાખડી, રંગોળી, વાનગી સહિતની વિવિધ કૌશલ્ય સ્પર્ધાનું આયોજન, બાળકો માટે દર રવિવારે બાલ સભા, વિદ્યાર્થીઓને શૈક્ષિણક સહાય માટે વગર વ્યાજની લોન, સામાજિક કુરિવાજો બાબતે જાગૃતિ તેમજ સમાજના યુવાનો, મહિલાઓ વધુ સક્ષમ બને તેવા હેતુઓ સાથે પરેંટિંગ, માર્ગદર્શક માટે વિવિધ સેમીનારોનાં આયોજન તેમજ GPSC/UPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સમાજના યુવાનોને જરૂરી વાતવરણ અને સુવિધા પૂરી પાડવા મટે કામ કરતી હોવાનું જણાવ્યું હતું.

આ કાર્યક્રમમાં વરિયા પ્રજાપતિ સમાજ દ્વારા લેવાયેલી યુપીએસસી મોક ટેસ્ટના તેજસ્વી તારલાઓને પુરસ્કાર આપીને સન્માન પણ કરવામાં આવ્યું હતું. તેમજ વરિયા પ્રજાપતિ સમાજની ડિજિટલ બિઝનેસ ડિરેક્ટરી બનાવવાની કામગીરી પણ કરવામાં આવી હતી. જેમાં સ્થળ પર જ ડેટા એકત્ર કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં સમગ્ર સૌરાષ્ટ્રમાંથી વરિયા પ્રજાપતિ સમાજના ભાઈઓ-બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પૂર્ણ થયે સૌએ સાથે ભોજન લીધું હતું. સંમેલનમાં અંદાજે 3 હજારથી વધુ પ્રજાપતિ સમાજના લોકો કાર્યક્રમમાં સમયસર ઉપસ્થિત રેહવાની સાથે કાર્યક્રમ દરમિયાન શિસ્ત, એકતાના દર્શન કરાવ્યા હતા. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે વરિયા પ્રજાપતિ વિદ્યોતેજક મંડળ તેમજ વરિયા પ્રજાપતિ સમાજના વિવિધ સંગઠન અને સમિતિઓ દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી.

Back to top button
error: Content is protected !!