HALVAD:હળવદ મજૂરોને લઈ જવાની નજીવી બાબતે મંડપ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી





HALVAD:હળવદ મજૂરોને લઈ જવાની નજીવી બાબતે મંડપ સંચાલકને જાનથી મારી નાખવાની ધમકી

હળવદ: તાલુકાના નવા ઘનશ્યામગઢ ગામે મજૂરોને કામે લઈ જવા જેવી સામાન્ય બાબતમાં મનદુઃખ રાખી એક શખ્સે મંડપ સંચાલકને ધમકાવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. આ મામલે હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે.

મળતી માહિતી મુજબ, નવા ઘનશ્યામગઢ ગામે રહેતા અને ખેતીની સાથે મંડપ સર્વિસનો વ્યવસાય કરતા કાંતિલાલ હરખાભાઈ સુરાણી (ઉં.વ. ૫૪) એ પોલીસ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યા અનુસાર, તે જ ગામના રતીલાલ ઘોઘજીભાઈ કોળી નામના શખ્સે તેમની સાથે ઝઘડો કર્યો હતો.
આરોપી રતીલાલનું કહેવું હતું કે, કાંતિલાલ તેમની મંડપ સર્વિસના કામમાં આરોપીના સગા-સંબંધીઓને મજૂરીએ લઈ જતા નથી. આ બાબતનું મનદુઃખ રાખી આરોપીએ કાંતિલાલને ધમકી આપી હતી કે:”જો મારા સગાને મજૂરીએ નહીં લઈ જાઓ, તો તમને જાનથી મારી નાખીશ.”આટલું જ નહીં, આરોપીએ કાંતિલાલના અન્ય સાથીઓને પણ ડરાવી-ધમકાવી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનું ફરિયાદમાં ઉલ્લેખાયું છે.
આ બનાવ અંગે કાંતિલાલ સુરાણીએ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા, પોલીસે આરોપી રતીલાલ ઘોઘજીભાઈ કોળી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.



