મોરબીના કારખાનેદાર દ્વારા પોલીસને સાથે રાખી ફરિયાદ ના કરવા ધમકી !!!
ન્યાય અપાવવા વાળા જ ગુનેગાર ની ભૂમિકા માં ફરિયાદી ની ન્યાય માટે ઉંચ કક્ષાએ રજૂઆત
મોરબી શહેર જેમ જેમ ઔદ્યોગિક રીતે વિકસિત થતું જાય છે તેમ તેમ રોગોના ભરડામાં પણ સમાઈ રહ્યું છે. સિરામિક ઉદ્યોગના કારણે વાતાવરણને પ્રદૂષણને હિસાબે ઘણી બધી શ્વાસ ને લગતી બીમારીઓ મોરબીમાં વધી રહી છે ત્યારે છેલ્લા ઘણા સમયથી સિરામિક ઉદ્યોગ સાથે સંકળાયેલા મજૂરો સિલિકોસીસ નામના રોગથી પીડાઈ રહ્યા છે તેમાંથી ઘણા બધા મૃત્યુ પણ પામ્યા છે તેમ છતાં સરકાર અને જિલ્લા વહીવટ તંત્ર અને આરોગ્યતંત્ર મૌન સેવી રહ્યું છે. તાજેતરમાં સીરામીકના કારખાનામાં કામ કરતા એક મજૂરને સિલિકોસીસ થતા તેઓએ કારખાના સામે ફરિયાદ દાખલ કરી જરૂરી મદદ માટે માંગણી કરતા કારખાના ના માલિક તેમજ પોલીસ મળીને તેઓને ફરિયાદ કરવા અટકાવા ધમકી આપવામાં આવેલ છે જે અંગે ફરિયાદી દ્વારા ન્યાય માટે ઉચ્ચ અધિકારી અને સરકાર અરજ કરી છે. જેમાં અરજદારના પત્નીએ જણાવ્યું છે કે,
મારૂ નામ ચેતનાબેન છે અને મારા પતિ બાબુભાઈ જે હાલ સીલીકોસીસના દર્દી છે હું અને મારા પતિ છેલ્લા ૬ વર્ષથી કઝારીયા સીરામીક સીરામીક – જેતપર માં મજૂરી કામ કરીએ છીએ અને ત્યાં જ કારખાનામાં રહીએ છીએ.
છેલ્લે ૩ મહિના પહેલા મારા પતિ બાબુભાઈની તબિયત બગડતા એમાં સુધાર ન આવતા સીટી સ્કેન કરાવતા અને મોરબી સીવીલ ખાતે બતાવતા જાણવા મળ્યું કે એમને કામના કારણે થયેલ સીલીકોસીસ નામનો એક વ્યવસાયીક રોગ થયેલ છે. તેથી અમે કારખાનાવાળાને જાણ કરી મને આ તકલીફ થયેલ છે તો કારખાનાવાળાએ અમને ત્યારે કાઈ ન કીધું અને મારા પતિ બાબુભાઈ જે ભરાઈ કામ કરતાં તેના બદલે એમને ખાતું બદલી બીજું કામ આપ્યું જેમાં એમને ૧૫ હજાર રૂપિયા પગાર આપતા એન સાથે એવું કર્યું કે આજ સુધી બેંક ખાતામાં પગાર આપતા હતા પરંતુ બીમારીનું જાણ થતાં રોકડો પગાર આપવા લાગ્યા અને મને એવું લાગ્યું મારા પતિને આ બીમારી થઈ છે એટલે કારખાનાવાળા અમને કાઢી નાખવા માંગે છે જેથી અમારા સાથે ખરાબ વર્તન કરે છે પણ મજબૂરી છે એટલે કામ કરવું પડે અને સહનપર પણ કરતા.
મારી એક પુત્રી છે જે મંદબુદ્ધીની છે તેથી તેનું ધ્યાન રાખવું અને પરીવારની જવાબદારી પણ મારી જવાબદારી કહેવાય એટલે થોડા દિવસ માટે રજા રાખવી પડી જેની મેં અગાઉ જાણ કરેલ હતી છતાં તારીખ – ૧૭/૧૦/૨૦૨૪ ના રોજ સવારે જ્યારે હું કામ માટે ગઈ તો ચેકિંગ ખાતાના રમેશભાઈ જેને મને કીધું કે તમે રજા રાખી હવે અમારે તારી જરૂર નથી એટલે પછી હું મેનજેર શૈલેષભાઈ પાસે ગઈ કે મને કામે રાખવામાં આવે તેમણે પણ ના પાડી અને ભાવેશભાઈને મળવાનું કહ્યું એટલે હું ભાવેશભાઈને મળવા ગઈ તો એમણે એમ કીધું કે તમે રજા રાખી છે કાઈ થઈ શકે નહી અને મને જેમ ફાવે એમ બોલવા લાગ્યા કે તમે પૈસાના ભૂખ્યા છો અને જાતી વિરુદ્ધ પણ બોલ્યા એટલે મેં પણ સામે કીધું કે તમે આ ખોટું બોલી રહ્યા છો એમ કહીને હું ત્યાં થી નીકળી ગઈ પરંતુ મૂળમાં મારા પતીને આ સીલીકોસીસ નામની બીમારી થઈ અને કાયદા મુજબ વળતર આપવાનું થાય છે જે આપવા નથી માંગતા એટલે અમને કાઢી નાખવા માટે આવું કરતાં હોય એવું લાગે છે.
મેં મારા પતિને આ વાત કરી તો એમને ટેન્શન આવું ગયું અને ફેફસાંની તકલીફ હોવાથી શ્વાસ ચડવા લાગ્યો અને બોલી શકતા ન હતા એટલે હું મારી પુત્રી અને પતિને માંડ માંડ સાચવી મોરબી સીવીલ હોસ્પિટલ ઈમરજન્સીમાં આવીને પતિને દાખલ કર્યા અને સાથે અમે અમારી સાથે બનેલ ઘટના જણાવી એટલે હોસ્પિટલથી મને કીધું પોલીસ આવશે આ બાબતે નિવેદન લેવા માટે.
બપોરે પોલીસ તરીકે વિજયભાઈ આવ્યા અને નિવેદન લખ્યું બાદ વિજયભાઈ મને કીધું તમે નિચલા માળે ચાલો વાત કરવી છે કેસ બાબતે હું નીચે વિજયભાઈ જોડે ગઈ તો ત્યાં કઝારીયા સીરામીકના મેનેજર ભાવેશભાઈ અને કલ્પેશભાઈ માસ્ટર હતા મને ફરિયાદ ન કરવા બાબતે બોલવા લાગ્યા પરંતુ મેં કીધું ના હું ફરિયાદ પાછી નહીં લવ એટલે એમણે સેઠ અજયભાઈને બોલાવ્યા અને એમની સાથે પીએસઆઈ ડાંગર મેડમ આવ્યા બાદ અજયભાઈ અને પીએસઆઈ મેડમે મને ધમકાવી કે કેસ પાછો લઈ લીયો આગળ પીએસઆઈ મેડમ કીધું કે ફરીયાદ કરશો તો કરખાનામાંથી રૂમ ખાલી કરવો પડશે મેં કીધું હું નહીં ખાલી કરું તો મેડમ કીધું હું ત્યાં આવીને રાતે ને રાતે ખાલી કરાવીશ એટલે હું ડરી ગઈ કે હવે શું કરવું પુત્રી સાથે હતી તેને સાચવી કે પતિને સીલીકોસીસ છે એમને સાચવવા મને પણ ગભરામણ થવા લાગ્યું પછી પીએસઆઈ મારી સાથે નીચે હતા અને મને બોલતા હતા અને મને ચિંતા થતી અને ઉપરના માળે જઈને મારા પતિ પાસે જઈને વિજયભાઈ પોલીસએ મારા પતિને કીધું કે સમાધાન થઈ ગયું છે તમે સહી કરી દો અને મારા પતિ સીલીકોસીસના દર્દી છે અને માનસિક રીતે કમજોર છે તેથી તેનો ફાયદો લઈને સહી કરાવી લીધી ત્યારે કાગળ વાંચવા પણ ન આપ્યું કે ફોટો પણ ન પડાવા દીધો પછી બધા ત્યાં થી ચાલ્યા ગયા. ( સીવીલ હોસ્પિટલની ત્યાંના સીસીટીવી કેમેરામાં આ દરેક વ્યક્તિ જે આવ્યા તેના પુરાવા મળી રેહેશે )
હું ખૂબ ડરી ગઈ હતી એટલે અમે ત્યાં થી હોસ્પિટલથી રજા લઈને નીકળી ગયા પરંતુ જતાં રસ્તામાં જઈને વિચાર આવ્યો કે કારખાનાવાળા તો આગળ પણ આમ જ હેરાન કરશે અને અમુક પોલીસ અધીકારી પણ એની સાઈડ જઈને આજે ધમકી આપી આ અન્યાય સામે અમે નહીં બોલી તો બધા કામદારો સાથે આ લોકો પોલીસનો સહારો લઈને અન્યાય કરશે મને એ પણ દુખ થયું કે પોલીસએ પીડીતોની મદદ કરવી જઈએ એને બદલે તે લોકો કારખાનાવાળા બાજુ બોલતા હશે.
હું મારી પુત્રીને કારખાને મૂકીને આવી અને રાતે ૧૦ : ૩૦ વાગ્યે તાલુકા પોલીસ સ્ટેશનએ હું અને મારા પતિ કારખાનાવાળા અને અમારી સાથે પોલીસ દ્વારા થયેલ અન્યાય અંગે ફરીયાદ લખવા ગયા. તો પોલીસ સ્ટેશનથી કોઈ જવાબ ન આપવામાં આવ્યો અમે ત્યાં જ રહેવાનું નક્કી કર્યું જ્યાં સુધી ફરિયાદ અચાનક ત્યાં રાત્રે ૧ વાગ્યે આસપાસ મારા પતિની પાછી તબિયત બગડી તો ફરી એમને લઈને સીવીલ હોસ્પિટલ ઇમરજન્સીમાં લઈ ગઈ અને દાખલ કર્યા.
તારીખ – ૧૮/૧૦/૨૦૨૪ ના રોજ પણ ફરીયાદ (MLC – ૩૪૦૩/૨૪) જોવા છતાં હજી સુધી કોઈ ફરિયાદ લેવા ન આવ્યું એટલે હું મારા એક ભાઈ જોડે ૪ વાગ્યે તાલુકા પોલીસ સ્ટેશનએ ગઈ અને ત્યાં વિજયભાઈ આવ્યા અને એમને ચોખી ના પાડી કે હું ફરિયાદ નહીં લવ અને પીએસઆઈ મેડમ આવશે તે કઈક કરશે તે હાલ આરામમાં છે એવું વિજયભાઈ એ અમને કીધું.
હું સાહેબ આપને નમ્ર વિનંતી કરું છું કે મારી ફરિયાદ લેવામાં આવે અને મને ધમકાવનાર પીએસઆઈ અને જે પોલીસ અધીકારી છે જેને ફરિયાદ લેવાના બદલે અમને હેરાન કર્યા છે તેને વીરોધ પણ કાયદા મુજબ કાર્યવાહી કરે જેથી અમારી જોડે કરેલ અન્યાય તે બીજા લોકો જોડે ન કરે.
હું અનુસૂચિત જાતી માંથી આવું છું એટલે તે કાયદા મુજબ મળતી મદદ કરવામાં આવે મારી પાસે ન્યાય મેળવવા માટે કોઈ પૈસા નથી પરંતુ ભારતનું બંધારણ મુજબ આ દેશ ચાલે છે તેથી મારી ફરિયાદ દાખલ કરીને ન્યાય મળશે તેવી હું આશા રાખું છું.
હવે ખરેખર જોવાનું એ રહ્યું કે સરકાર તેમજ તંત્ર સિલિકોષિસના દર્દીઓ બાબતે કેટલા ગંભીર છે અને જો છે તો આ દર્દીઓને મદદરૂપ બને છે કે નહીં.