BHUJGUJARATKUTCH

૨૧ જૂનના રોજ સમગ્ર કચ્છ જિલ્લામાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.

જિલ્લાકક્ષાનો કાર્યક્રમ ભુજની આર.ડી.વરસાણી હાઈસ્કૂલ ખાતે યોજાશે.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

કચ્છ જિલ્લામાં જનભાગીદારીથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવા જિલ્લા કલેક્ટરશ્રીનું સૂચન

ભુજ,તા-૧૭ જૂન : દર વર્ષે ૨૧ જૂનના દિવસે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે ૧૧મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે કચ્છમાં જિલ્લાકક્ષાની તેમજ તાલુકાકક્ષાની ઉજવણીને લઈને જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલની અધ્યક્ષતામાં સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે અધિકારીશ્રીઓને માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી દરમિયાન જન ભાગીદારી ખૂબ જ જરૂરી છે. જિલ્લા કલેક્ટરશ્રી આનંદ પટેલે જિલ્લાકક્ષાના અને તાલુકાકક્ષાના કાર્યક્રમોની તૈયારી અંગે સંબંધિત પ્રાંત અધિકારીશ્રીઓ પાસેથી વિગતો મેળવીને જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ ઉપરાંત, બેઠક વ્યવસ્થા, યોગા કોચ અને પ્રોટોકોલ મુજબ જ યોગ દિવસની ઉજવણી કરવામાં આવે તેમ સૂચન જિલ્લા કલેક્ટરશ્રીએ કર્યું હતું. ભુજના પ્રાંત અધિકારીશ્રી ડૉ. અનીલ જાદવે કચ્છના જિલ્લાકક્ષાના કાર્યક્રમની ઉજવણી અંગેની તૈયારી વિશે કલેક્ટરશ્રીને અવગત કરાવ્યા હતા.

કચ્છ જિલ્લાકક્ષાનો કાર્યક્રમ આર.ડી.વરસાણી હાઈસ્કૂલ, ભુજ ખાતે યોજવામાં આવશે. જ્યારે નખત્રાણામાં ટી.ડી.વેલાણી હાઈસ્કૂલ, માંડવીમાં ચુનીલાલ વેલજી ઉદ્યાન, અંજારમાં આહિર બોર્ડિંગ ગ્રાઉન્ડ, અબડાસામાં ખરવાડા ગ્રાઉન્ડ છાડુરા, લખપતમાં પી.એમ.લીંબાણી સ્કૂલ દયાપર, ગાંધીધામમાં રમત-ગમત સંકુલ, મુન્દ્રામાં અદાણી પબ્લિક સ્કૂલ, ભચાઉમાં પટેલ બોર્ડિંગ અને રાપરમાં સ્વામીનારાયણ ગુરૂકુલ ખાતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાશે.

રાજ્ય સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ‘યોગા ફોર વન અર્થ, વન હેલ્થ’ અને ‘સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત’ થીમને ધ્યાન રાખીને યોગના શારીરિક, માનસિક અને સામાજિક ફાયદાઓ અવગત કરાવતા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. આંતરરાષ્ટ્રીય યોગ નિમિત્તે સવારના ૬.૦૦ કલાકથી લઈને ૭.૪૫ કલાક સુધીના કાર્યક્રમમાં મહાનુભાવોના ઉદ્બોધન સાથે યોગ શિક્ષક દ્વ્રારા કોમન યોગ પ્રોટોકોલ અભ્યાસ કરાવાશે.

આ બેઠક દરમિયાન પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષકશ્રી વિકાસ સુંડા, નિવાસી અધિક કલેક્ટરશ્રી ડી.પી.ચૌહાણ, નોડલ અધિકારીશ્રી, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી દેવાંશી ગઢવી, જિલ્લા શિક્ષણાધિકારીશ્રી સંજય પરમાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી સી.આર.પ્રજાપતિ સહિત તમામ પ્રાંત અધિકારીશ્રીઓ, જિલ્લા યોગ સંયોજક અને યોગ બોર્ડના પ્રતિનિધિશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!