MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે હથિયાર પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા પડશે

MORBI:મોરબી જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અન્વયે હથિયાર પરવાનેદારોએ ૧૫મી એપ્રિલ સુધીમાં હથિયારો જમા કરાવવા પડશે
ચૂંટણી પ્રક્રિયા મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજાય તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ
ગુજરાત રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા જાહેર કરવામાં આવેલી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની સામાન્ય અને પેટા ચૂંટણીઓ-૨૦૨૬ અન્વયે મોરબી જિલ્લામાં આદર્શ આચારસંહિતા અમલી છે. આગામી તા. ૨૬/૦૪/૨૦૨૬ના રોજ યોજાનાર મતદાન અને તા. ૨૮/૦૪/૨૦૨૬ના રોજ થનાર મતગણતરી પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં સંપન્ન થાય તેમજ કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે હેતુથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે.બી. ઝવેરી (IAS) દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે.
જિલ્લા રિકનીંગ કમિટીની બેઠકમાં લેવાયેલ નિર્ણય મુજબ, મોરબી જિલ્લાના જે આત્મરક્ષણ કે પાકરક્ષણના પરવાનેદારોને વ્યક્તિગત રીતે નોટિસ આપવામાં આવી છે, તે તમામ પરવાનેદારોએ પોતાના હથિયારો તા. ૧૫/૦૪/૨૦૨૬ સુધીમાં સંબંધિત પોલીસ સ્ટેશનમાં જમા કરાવી તેની પહોંચ મેળવી લેવાની રહેશે. આ હુકમ અન્ય રાજ્યમાંથી લાયસન્સ મેળવી મોરબીમાં રહેતા પરવાનેદારોને પણ સમાન રીતે લાગુ પડશે.
આ જાહેરનામામાં કેટલીક શ્રેણીના વ્યક્તિઓ અને સંસ્થાઓને હથિયાર જમા કરાવવામાંથી મુક્તિ આપવામાં આવી છે, જેમાં ફરજ પરના પોલીસ કર્મચારીઓ, તમામ મેજિસ્ટ્રેટશ્રીઓ, કસ્ટમ, ફોરેસ્ટ, ઇન્કમટેક્સ, સેન્ટ્રલ એક્સાઈઝ, પોર્ટ, રેલવે અને સંરક્ષણ દળોના અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, સરકારી કે અર્ધસરકારી સંસ્થાઓ જેવી કે બેંકો અને કોર્પોરેશનના નામે ધરાવતા હથિયારો તેમજ માન્યતા પ્રાપ્ત સિક્યુરિટી એજન્સીના ગનમેન કે જેઓ બેંકો, એ.ટી.એમ. અથવા કરન્સી ચેસ્ટની હેરફેર સાથે જોડાયેલા છે તેમને મુક્તિ અપાઈ છે (તેમણે ફોટો ઓળખપત્ર સાથે રાખવું અનિવાર્ય રહેશે). નેશનલ રાઈફલ એસોસિએશનના સભ્ય હોય તેવા રમતવીરોને પણ સ્પર્ધાના હેતુ માટે આ હુકમમાંથી મુક્તિ આપવામાં આવી છે. ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થયા પછી એટલે કે તા. ૩૦/૦૪/૨૦૨૬ પછી ૭ દિવસમાં પોલીસ સ્ટેશન દ્વારા આ હથિયારો પરત સોંપવાની કાર્યવાહી કરવામાં આવશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ સજાને પાત્ર થશે.










