BHARUCHBHARUCH CITY / TALUKO
20 વર્ષથી ફરાર આરોપી ઝડપાયો:ચીટિંગના ગુનામાં સંડોવાયેલા આરોપીને ભરૂચ SOGએ નાગપુરમાંથી ઝડપી લીધો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચ SOG ટીમે 20 વર્ષથી ફરાર ચીટિંગના કેસમાં સંડોવાયેલા આરોપીને મહારાષ્ટ્રના નાગપુરમાંથી ઝડપી પાડ્યો છે. આ આરોપી ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાયેલા ગુનામાં વોન્ટેડ હતો. SOGના એ.એ.ચૌધરી અને એ.એચ.છૈયાના માર્ગદર્શન હેઠળની ટીમ વોન્ટેડ આરોપીઓ સામે કાર્યવાહી માટે પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન ટીમને બાતમી મળી હતી કે, આરોપી નાગપુર વિસ્તારમાં જોવા મળ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે નાગપુરમાં વોચ ગોઠવી હતી. પોલીસે નાગપુરના કલાર્ક ટાઉન સ્થિત જયક્રાંતિ એપાર્ટમેન્ટ પાસે રહેતા ગીરીશ રાધેશ્યામ સહાની નામના આરોપીને ઝડપી પાડ્યો હતો. પોલીસે આરોપીની કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી છે. વધુ પૂછપરછ અને તપાસ માટે આરોપીને રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.



