
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી -બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ,તા-૨૧ જાન્યુઆરી : “૩૫° માં રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આજ રોજ શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટમાં આરટીઓ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા એક વિશેષ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સેમિનારનો મુખ્ય હેતુ માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાવવાનો અને યુવાઓને સલામત ટ્રાફિકની જરૂરિયાત અંગે સમજાવવા નો હતો.આ કાર્યક્રમ આરટીઓ ઈન્સ્પેક્ટર શ્રી અંકિત આર. પટેલના માર્ગદર્શન હેઠળ યોજાયો. સેમિનારમાં સંસ્થાના ૨૫૦ કરતાં વધુ વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો અને માર્ગ સલામતી સંબંધિત તમામ મહત્વપૂર્ણ માહિતી મેળવી. શ્રી અંકિત પટેલે ટ્રાફિકના મહત્વ, હેલમેટ પહેરવાની જરૂરિયાત, સીટ બેલ્ટના ઉપયોગના ફાયદા અને રશ ડ્રાઈવિંગના જોખમ અંગે વિસ્તૃત માહિતી આપી. સાથે જ ભુજ પોલીસ તરફથી પણ માર્ગ સલામતીના પ્રોત્સાહન માટે કયા ઉપાય અપનાવવામાં આવ્યા છે તે અંગે માહિતી આપવામાં આવી. આ પ્રકારના કાર્યક્રમોથી માર્ગ સલામતી અંગે જાગૃતિ ફેલાય છે અને યુવાઓને જવાબદાર ડ્રાઈવર બનવા માટે પ્રેરણા મળે છે. આ આયોજનના માધ્યમથી આરટીઓ ભુજ અને શ્રી સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટે માર્ગ સલામતીમાં વિદ્યાર્થીનીઓમાં જાગૃતિ આવે તે પ્રયત્ન કરેલ છે.





