MORBI:મોરબી જૂના મોબાઈલના પૈસા પરત માગવા બાબતે બોલાચાલી, યુવક પર પથ્થર વડે જીવલેણ હુમલો

MORBI:મોરબી જૂના મોબાઈલના પૈસા પરત માગવા બાબતે બોલાચાલી, યુવક પર પથ્થર વડે જીવલેણ હુમલો
મોરબીના ઇન્દિરાનગર વિસ્તારમાં જૂના મોબાઈલ ફોનના નાણાં પરત આપવા બાબતે થયેલી બોલાચાલીમાં એક શખ્સે યુવક પર પથ્થર વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી હોવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
મળતી વિગતો અનુસાર, ઇન્દિરાનગરમાં ખોડિયાર મા ના મંદિરની પાછળ રહેતા અને મજૂરી કામ કરતા દેવજીભાઈ બેચરભાઈ ઉપસરીયા (ઉં.વ. ૩૬) ના પુત્ર ક્રીષ્નાને આરોપી ભાવેશ ઉપસરીયા (રહે. ઇન્દિરાનગર, મોરબી) સાથે જૂના મોબાઈલના નાણાં પરત કરવા બાબતે બોલાચાલી અને ઝગડો થયો હતો.આ બાબતે જ્યારે દેવજીભાઈ આરોપી ભાવેશને સમજાવવા ગયા, ત્યારે ઉશ્કેરાયેલા ભાવેશે તેમને ભૂંડી ગાળો આપી હતી અને છૂટા પથ્થરના ઘા માર્યા હતા. આ પથ્થરમારામાં દેવજીભાઈને નાકના ભાગે તેમજ ડાબા પગના થાપાના ભાગે ફ્રેક્ચર જેવી ગંભીર ઈજાઓ પહોંચી હતી. હુમલાખોરે જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.ઘટના સંદર્ભે દેવજીભાઈની ફરિયાદના આધારે મોરબી સિટી બી ડિવિઝન પોલીસે આરોપી ભાવેશ ઉપસરીયા વિરુદ્ધ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









