MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રૂ. ૧૬૬૬ લાખથી વધુના ૧૮૪ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું
MORBI:મોરબીમાં વિકાસ સપ્તાહ અંતર્ગત રૂ. ૧૬૬૬ લાખથી વધુના ૧૮૪ વિકાસ કામોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરાયું
સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે
-જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘી
વિકાસ સપ્તાહ અંતર્ગત મોરબીમાં પટેલ સમાજ વાડી સનાળા ખાતે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીના અધ્યક્ષસ્થાને વિકાસ કાર્યોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત માટેનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં રૂ.૯૦૨.૨૦ લાખના ૮૯ કામોનું ખાતમુહૂર્ત તથા રૂ.૭૬૪.૫૦ લાખના ૯૫ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી હંસાબેન પારેઘીએ જણાવ્યું હતું કે, સરકારે યુવા, ગરીબ, મહિલા અને ખેડૂતોના ઉત્થાન પર ભાર મૂકી અનેકવિધ યોજનાઓ અમલમાં મૂકી છે. યુવાઓને રોજગારી પૂરી પાડવા તથા તેમના કૌશલ્ય સર્જન માટે, મહિલાઓની સુરક્ષા અને તેમને પગભર બનાવી તેમના આર્થિક ઉત્થાન માટે, ખેડૂતો માટે કિસાન સન્માન નિધિ તથા અનેક સાધન સહાય જેવી યોજનાઓ થકી તેમની આવક બમણી કરવા તેમજ ગરીબ અને વંચિતોને અનેક જન સુખાકારીની યોજનાઓનો લાભ આપી તમને મુખ્ય પ્રવાહ સાથે જોડવામાં સરકાર સફળ બની છે. અધુરુ ભણતર છોડી દેતા બાળકો અને ખાસ કરીને દીકરીઓને શિક્ષિત કરવામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રેવશોત્સવે મહત્વની ભૂમિકા ભજવી છે.
આ પ્રસંગે સાંસદશ્રી વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે, આજે આરોગ્ય, શિક્ષણ, રોજગારી, વીજળી તેમજ ખેતી ક્ષેત્રના વિકાસ સાથે ગામડાઓ ધબકતા થયા છે. તમામ ક્ષેત્રે માળખાકીય સુધારાઓ સાથે વિકાસની ગતિને વેગ મળ્યો છે અને છેલ્લા અઢી દાયકામાં ગુજરાત રાજ્ય તથા ૧૧ વર્ષમાં દેશની કાયાપલટ થઈ છે. આયુષ્માન કાર્ડની યોજના થકી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી પરિણામો મળ્યા છે તેવું તેમણે વધુમાં ઉમેર્યું હતું.
રાજ્યસભાના સાંસદશ્રી કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું હતું કે, આજે વિકાસની વિભાવના બદલાઈ છે, શિક્ષણ, આરોગ્ય તથા શહેરી વિકાસ ક્ષેત્રે આદર્શ રોડ મેપ થકી અનેક વિકાસ પ્રકલ્પો નિર્માણ પામ્યા છે અને પામી રહ્યા છે. સરકાર દ્વારા જીએસટીના સ્લેબના ઘટાડો કરવામાં આવ્યો છે જેના લાભ આજે નાના ખેડૂતથી લઈને મોટા ઉદ્યોગપતિઓને મળી રહ્યાં છે. વધુમાં તેમણે સૌને સ્વદેશી વસ્તુ અપનાવીને દેશને આત્મનિર્ભર બનાવવામાં સહભાગી બનવા અપીલ કરી હતી.
આ પ્રસંગે ધારાસભ્યશ્રી કાંતિભાઈ અમૃતિયા, દુર્લભજીભાઈ દેથરીયા અને પ્રકાશભાઈ વરમોરાએ પ્રસંગિક ઉદબોધન આપ્યું હતું.
આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજનાઓના લાભોનું વિતરણ કરવામાં આવ્યું હતું તથા સર્વે ઉપસ્થિતોએ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયેલા રાજ્યકક્ષાના કાર્યક્રમનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.
વિકાસ સપ્તાહની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના રૂ.૩૯.૪૦ લાખના ૧૮ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૮૫.૪૦ લાખના ૩૯ કામોનું લોકાર્પણ, મોરબી મહાનગરપાલિકાના રૂ.૪૯૮.૫૦ લાખના ૧૯ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૦ લાખના ૩ કામોનું લોકાર્પણ, આરોગ્ય વિભાગના રૂ.૧૪૩ લાખના ૪ કામોનું લોકાર્પણ, તાલુકા પંચાયતોના રૂ.૧૬૪.૮૦ લાખના ૪૭ કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૧૪૬.૬૦ લાખના ૪૪ કામોનું લોકાર્પણ, માર્ગ અને મકાન વિભાગ(પંચાયત)ના રૂ.૧૧૦ લાખના બે કામોનું ખાતમુહૂર્ત અને રૂ.૬૦ લાખના ૧ કામનું લોકાર્પણ તેમજ શિક્ષણ વિભાગના રૂ.૧૩૧ લાખના કામનું ૨ લોકાર્પણ તથા અન્ય કામ મળી કુલ ૧૧૬૬.૭૦ લાખના ૧૮૪ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત/લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કામોમાં શાળાઓ, રોડ રસ્તાઓ, પેવર બ્લોક, ભૂગર્ભ ગટરના કામ, કમ્પાઉન્ડ વોલના કામ, સ્મશાનના કામ, કોઝવે, પ્રોટેક્શન વોલ, વાળા બનાવવાનું કામ, વેટરનરી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્ર, સેગ્રીગેશન શેડ, સામૂહિક કમ્પોસ્ટ પીટ સહિતના વિકાસ કામોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રસંગે પૂર્વ મંત્રીશ્રી બ્રિજેશભાઈ મેરજા, જિલ્લા કલેક્ટરશ્રી કે.બી. ઝવેરી, મોરબી મહાનગર પાલિકાના કમિશ્નરશ્રી સ્વપ્નિલ ખરે, ઈનચાર્જ જિલ્લા વિકાસ અધિકારીશ્રી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકશ્રી નવલદાન ગઢવી, મોરબી ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેનશ્રી જયંતીભાઈ પટેલ સહિત પદાધિકારીશ્રી/અધિકારીશ્રીઓ તથા નાગરિકો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.