વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
*જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને ત્રીદિવસીય ઉજવણી અંગે પ્રેસ કોન્ફરન્સ યોજાઇ*
*તા.૨૯મીએ ફિટ ઈન્ડિયા પ્રતિજ્ઞા, ૩૦મીએ પોલીસ વિભાગ દ્વારા વિવિધ સ્પર્ધાઓ તથા ૩૧મીએ જિલ્લા તાલુકા સ્તરે વિવિધ વિષયોને લઇ સાયકલોથોન યોજાશે*
નવસારી, તા.૨૧: હોકીના જાદુગર તરીકે પ્રસિદ્ધ મેજર ધ્યાનચંદજીના જન્મદિવસ નિમિત્તે દર વર્ષે તા.૨૯મી ઓગસ્ટના દિને ‘નેશનલ સ્પોર્ટસ ડે’ની ઉજવણી સહિત રમતગમત પ્રત્યે જાગૃતિ, ફિટનેસ અને યુવાનોમાં ખેલ સંસ્કૃતિનો વિકાસ થાય તે હેતુથી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.
ભારત સરકારના ખેલ મંત્રાલયના માર્ગદર્શન હેઠળ તથા નવસારી જિલ્લા રમત વિકાસ અધિકારી કચેરીના સંકલનથી નવસારી જિલ્લામાં આગામી તા.૨૯ ઓગસ્ટથી તા.૩૧ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન “નેશનલ સ્પોર્ટસ ડે – ૨૦૨૫” ની ભવ્ય ઉજવણીનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ અન્વયે આજરોજ કલેકટર કચેરી ખાતે જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પલતા, પોલીસ અધિક્ષકશ્રી સુશિલ અગ્રવાલ અને મ્યુનિસિપલ કમિશનરશ્રી દેવ ચૌધરી સહિત ઉચ્ચ અધિકારીશ્રીઓ અને વરિષ્ઠ પત્રકારશ્રીઓની ઉપસ્થિતીમાં પ્રેસ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ બ્રીફ આપતા જણાવ્યું હતું કે, આ ત્રણ દિવસીય આ કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં તા.૨૯ ઓગસ્ટે જિલ્લાની તમામ શાળાઓમાં સવારની પ્રાર્થના સભામાં મેજર ધ્યાનચંદજીને શ્રદ્ધાંજલિ, “ફિટ ઈન્ડિયા પ્લેજ” તથા ટીમ સ્પોર્ટસ અને પરંપરાગત રમતોનું આયોજન કરાશે. વિદ્યાર્થીઓ અને જનસમુદાયમાં લોકરમત સંસ્કૃતિ જળવાઈ રહે તે માટે રસ્સાખેંચ, લીંબુ ચમચી, કોથળા દોડ, ટેબલ ટેનિશ, હોકી અને ફૂટબોલ જેવી સ્પર્ધાઓ પણ યોજાશે. તા.૩૦ ઓગસ્ટે જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરી દ્વારા ફિટનેસ, હેલ્થ, રમતગમતને લગતા કાર્યક્રમો, શાળા કોલેજમાં ફિટનેશ ટોક, સ્થાનિક રમતોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
તા.૩૧ ઓગસ્ટે નવસારી મહાનગરપાલિકાના સંકલનથી જિલ્લા તાલુકા સ્તરે વિવિધ વિષયોને લઇ સાયકલોથોન/સાયકલ રેલી યોજાશે. જેમાં મેદસ્વિતા મુક્ત નવસારી, મેદસ્વિતા મુક્ત ગુજરાત, સેવ એનર્જી, પર્યાવરણ સંરક્ષણ અને રમતગમત પ્રત્યે જનજાગૃતિના સંદેશા સાથે સાયકલોથોન યોજાશે. જેમાં શાળાઓ, કોલેજો, સ્પોર્ટસ ક્લબ, NGO, યોગ બોર્ડ, જિલ્લા અધિકારીઓ, કર્મચારીઓ તથા નાગરિકોની સક્રિય ભાગીદારી રહેશે. વધુમા કલેક્ટરશ્રીએ ઉમેર્યું કે, આ ત્રિદિવસીય કાર્યક્રમથી રમતવીરોને પ્રોત્સાહન મળશે, નવયુવાનોમાં ખેલ પ્રત્યે રસ જાગશે તેમજ આગામી ખેલ મહાકુંભ માટે વધુ ખેલાડીઓ આગળ આવશે તેવા પ્રયાસોથી નવસારી જિલ્લા તંત્ર દ્વારા ભવ્ય આયોજન હાથ ધરાયું છે. આ તમામ કાર્યક્રમો અને સ્પર્ધાઓમાં બહોળી સંખ્યામાં ભાગ લેવા જિલ્લા કલેક્ટરશ્રી સહિત નવસારી જિલ્લા તંત્ર દ્વારા જાહેર અનુરોધ કરાયો છે.