MORBI:મોરબી સામાકાંઠે લારીમાં આઈસ બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર




MORBI:મોરબી સામાકાંઠે લારીમાં આઈસ બોક્સમાં છુપાવેલો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી ફરાર

મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમે બાતમીના આધારે સામાકાંઠા વિસ્તારમાં દરોડો પાડીને એક લારીમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે. જો કે, પોલીસ રેડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતા તેને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી માહિતી મુજબ, મોરબી સિટી બી ડિવિઝન પોલીસની ટીમ જ્યારે વિસ્તારમાં પેટ્રોલીંગ કરી રહી હતી, ત્યારે તેમને ચોક્કસ બાતમી મળી હતી કે મોરબીના સામાકાંઠે આવેલા રામકૃષ્ણનગરમાં રહેતો નવઘણભાઈ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા નામનો શખ્સ પોતાના ઘરની બહાર રાખેલી લારીમાં વિદેશી દારૂનો જથ્થો છુપાવીને તેનું વેચાણ કરે છે.
આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક રામકૃષ્ણનગરમાં આરોપીના ઘર પાસે દરોડો પાડ્યો હતો. રેડ દરમિયાન આરોપીના બંધ મકાનની બહાર એક લાકડાની લારી પડી હતી. પોલીસે લારીની તપાસ કરતા તેના પર ઢાંકેલો લાલ રંગનો પ્લાસ્ટિકનો આઈસ બોક્સ મળી આવ્યો હતો. આ આઈસ બોક્સને ખોલીને જોતા તેમાંથી પ્લાસ્ટિકના થેલામાં છુપાવેલા વિદેશી દારૂના ચપલા (ક્વાર્ટર) નંગ-૩૫ મળી આવ્યા હતા.પોલીસે ઘટનાસ્થળેથી રૂપિયા ૪,૯૩૫ ની કિંમતનો વિદેશી દારૂનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. દરોડા દરમિયાન આરોપી નવઘણભાઈ ઉર્ફે ભોલો મનુભાઈ ડુંગરા હાજર મળી આવ્યો ન હતો. આ મામલે સિટી બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધીને તેને ઝડપી પાડવા માટે આગળની કાયદેસરની કાર્યવાહી અને શોધખોળ શરૂ કરી છે.


