
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – માંડવી કચ્છ.
માંડવી,તા-૨૨ ઓગસ્ટ : કેન્દ્ર-રાજ્ય સરકારના સહકારથી કટાવકામને ગૃહઉદ્યોગમાં પરિવર્તન કરીને કચ્છની ૩૫૦થી વધુ કારીગર બહેનો સારી કમાણી મેળવી રહ્યી છે.
કચ્છમાં હોડકો, ગોંરેવાલી, લુણા સહિતના ગામો કટાવકામના કેન્દ્રસ્થાન.
કટાવવર્કની કારીગર બહેનો જેને ગામડાથી બહાર પગ નહોતો મૂક્યો તે આંતરરાષ્ટ્રીય પ્રવાસ ખેડતી થઇ ગઇ.
એક સમયે કટાવ કામનો એક નમુનો વેચવો પણ મુશ્કેલ હતો તે કારીગરોને રાજ્ય સરકારની ઓથ મળતા અમેરિકા, મલેશિયા, લંડનથી માંડીને ભારતમાં મોટાભાગના તમામ રાજ્યોમાં માલનું વેચાણ કરે છે.
કચ્છ લોકવરણની નારીઓનાની આંગળીના ટેરવે ધબકતી હસ્તકલાથી કલા, સંસ્કાર અને સંસ્કૃતિની સમૃદ્ધિ સદાય ધબકતી રહી છે. કચ્છના કલાવારસા થકી કચ્છનો ઇતિહાસ થતા વર્તમાન ગૌરવશાળી છે. કચ્છની કલાપરંપરામાં ભીંતોને શોભાવતાં આલેખ-ચિતર, ભરતકામ, મોતીભરત અને કટાબ કે કટાવ-કામને કચ્છની વિશ્વને ભેટ ગણી શકાય. કટાવ કામની આ કલાને દેશ-વિદેશમાં ઉજાગર કરવા કેન્દ્ર તથા રાજ્ય સરકારના પ્રોત્સાહનથી એક નવી ઉંચાઇ સાથે માર્કેટીંગ પ્લેટફોર્મ મળતા જે મહિલાઓ ક્યારેય તેના ગામનું પાદર નહોતું ઓળંગ્યું તે વિમાનની સફર કરીને વિદેશમાં કચ્છની કલાના કામણ પાથરતી થઇ છે. જે દર્શાવે છે કે, રાજ્ય સરકારની પ્રોત્સાહન તથા મહિલા સશક્તિકરણની સંકલ્પના કચ્છના સરહદી ગામડા સુધી પહોંચી છે.
‘કટાવ’ એટલે સફેદ અથવા રંગીન વસ્ત્ર પર અન્ય રંગના વસ્ત્રનાં ફૂલ, પાન, પશુ, પંખી, માનવીય કે ભૌતિક આકૃતિઓ કોતરેલા ટુકડા કલાત્મક રીતે ગોઠવીને ટાંકવા તે.
વચગાળાનાં વર્ષોમાં સાવ આથમી ગયેલો કટાવકામનો કલાકસબ આજે પુનઃ જીવિત થઈ રહ્યો છે. કચ્છમાં હોડકો, ગોરેવાંલી, લુણા સહિતના સરહદી ગામો કટાવ કામગીરીના નમૂનાના કેન્દ્ર બન્યા છે. અનેક પરિવાર કટાવ કામને ગૃહઉદ્યોગ તરીકે વિકસાવીને રાષ્ટ્રીય મોટી કંપનીઓ સાથે મળીને સારી કમાણી કરી રહ્યા છે. હાલ, હોડકો કટાવકામનું કેન્દ્ર બન્યું છે. અહીં બનેલા કટાવ કામના નમૂના દેશ-પરેદેશના શો-રૂમમાં ખૂબ ઊંચા ભાવે વેંચાય છે. રાજ્યસરકારની કારીગરોને પ્રોત્સાહન આપવાની નીતીના કારણે કટાવકામના કારીગરો સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા સાથે દેશ-વિદેશમાં યોજાતા કલા-પ્રદર્શનમાં ભાગ લઇને નામના મેળવી છે. એક સમયે અહીંની સ્ત્રીઓ ઘરના ઉંબરા નહોતી ઓળંગી શકતી તેઓ આજે વિદેશમાં સફર ખેડીને ભારતની સંસ્કૃતિ અને કલાને પ્રદર્શિત કરીને ભારતનું નામ રોશન કરી રહી છે.
આ અંગે હોડકોના કટાવવર્કના ૫૧ વર્ષીય કારીગર મેરુભાઇ ગોરડીયા જણાવે છે કે, અમારા બાપદાદાના સમયથી આ કલાકારીગરી પરિવાર જાણે છે. વર્ષો પૂર્વે ઘરની સજાવટ અને ઘરના રોજિંદા ઉપયોગ જેમ કે, ગોદળા, ધડકી, ઓશિકા, તોરણ વગેરે બનાવવામાં આવતા આ કલાનો ઉપયોગ માત્ર પરિવાર પૂરતો હતો. વર્ષો પૂર્વે આવા કટાવકામવાળા ઘાઘરા, સાડલા ને ચોરસામાં કલાકસબ ભર્યો હોવાથી મોટા રાજરજવાડાંને શ્રીમંત ઘરની નારીઓમાં કસબી કટાવવાળાં કાપડાં અને ઓઢણાં પહેરવાનો રિવાજ હતો. જૂના વખતમાં લાલ કાવડ ઉપર ગાય, હનુમાન, ચાંદ-સૂરજ કાંગરાં તથા ફૂલવેલના આકારો કાપીને ચોંટાડેલા જોવા મળતા. આ કટાવ વર્કમાં હાથીની સવારી, રૂપાંદેના વિવાહ, બાવન જાતના ઘોડા, મોર, પોપટ, સિંહ, ગાય, ફુલવેલ, કલ્પવૃક્ષ, બાજઠ અલંકારો, ભૌમિતિક આકારો, ચોરસ, પતંગાકાર, પૂતળીઓના આકાર-પ્રકારો જોવા મળતા.ગ્રામજીવનમાં વસવાયા, ઉજળિયાત અને કાંટિયાવરણમાં દીકરીના કરિયાવર અને ઘરની શોભા માટે “કટાવ”ની કામગીરી શરૂ થઈ હતી. ‘કટાવકામ’ને દરજી અને મોચીની ધંધાકીય વિશેષતા ગણી શકાય. તેમ છતાં ક્યાંક ક્યાંક ઉજળિયાત સ્ત્રીઓ સોની, મહાજન, જૈન, વૈષ્ણવ વાણિયા, લોહાણા, ભાટિયા, બ્રાહ્મણ વગેરેની મહિલાઓ નવરાશની વેળાએ તો ક્યારેક વ્યાપાર અર્થે પણ કટાવકામ કરતી હતી. તેમાં ચાકળા, ઉલેચ, તોરણ, ચંદણી, ગાદલીઓ વિશેષ બનતાં.
ભુજમાં આવેલા ‘ભારતીય સંસ્કૃતિ દર્શન’ કચ્છ મ્યુઝિયમમાં આવા કેટલાક નમૂના સચવાયા છે. સમય સાથે ઘર સુધી સિમિત આ કલા વિસરાઇ ગઇ હતી.
પરંતુ સરકારે મૃતપ્રાય કલાને જીવંત કરવા કારીગરોનો સામેથી સંપર્ક કરીને તેઓને પ્રોત્સાહન આપવા વિવિધ યોજનાઓ અમલી કરી. જેના પરીણામે અમે કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા યોજાતા મેળા-પ્રદર્શનીમાં ભાગ લેતા થયા. ત્યારથી બહારની દુનિયા સાથે અમારો સંપર્ક થયો અને કટાવકામને દેશ-વિેદેશમાં ઓળખ મળી. ખાસ કરીને ભૂકંપ બાદ કટાવકામનો નવો અધ્યાય શરૂ થયો એમ કહી શકાય, ધરતીકંપ બાદ અમે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહનથી કટાવકામને નાનકડા બિઝનેશમાં ફેરવીને દેશ-વિદેશમાં તેનું કમર્શીયલ વેચાણ શરૂ કર્યું. આજ, અમારો માલ અમેરિકા, મલેશિયા, લંડનથી માંડીને ભારતમાં મોટાભાગના તમામ રાજ્યોમાં નિકાસ થાય છે. પહેલા જ્યારે એક પીસ વેચવો અમારા માટે મુશ્કેલ હતો, હાલ અમે ડિમાન્ડને પહોંચી વળવા અન્ય ૩૫૦ જેટલી બહેનોને જોબવર્ક આપીને માલ તૈયાર કરાવીએ છીએ. હાલ, કચ્છમાં કટાવવર્ક સાથે મારવાડા સમાજ, મુસ્લિમ તેમજ ક્ષત્રિય સમાજની બહેનો સંકળાયેલી છે.
તેઓ ઉમેરે છે કે, તેમના ભાઇ રામજીભાઇ અમેરીકામાં યોજાયેલા પ્રદર્શન ભાગ લઇ આવ્યા છે, તેઓ મલેશિયા પણ જઇ આવ્યા છે. તે જ રીતે તેમના પરિવારની બહેનો પણ મલેશિયા, જર્મની સહિતના અન્ય દેશોનો પ્રવાસ ખેડી ચુકી છે. તેઓ કહે છે કે, કેન્દ્ર અને રાજ્ય સરકારે આ કલા જાણનાર કારીગરોની કિસ્મત ચમકાવી છે. હાલ, અમારો માલ રાજ્ય સરકાર દ્વારા ગરવી ગુર્જરીના માધ્યમથી ખરીદવામાં આવે છે. ઉપરાંત ખાનગી બ્રાન્ડ ફેબ ઇન્ડીયા સહિત ઇન્ટરનેશનલ અન્ય કંપનીઓ અમારા ગ્રાહકો છે. ઉપરાંત કલકત્તા, મુંબઇ, ચેન્નઇ સહિતના અનેક રાજ્યોના મોલમાં કચ્છનું કટાવકામ શોભે છે.
હાલના સમયમાં ઓનલાઇન બિઝનેશનો જમાનો છે ત્યારે અમારી નવી પેઢી શિક્ષિત હોવાથી તેઓ ઓનલાઇન બિઝનેસ કરે છે. આમ, દેશ-વિદેશમાં કચ્છના કટાવ કામના નમૂના જઇ રહ્યા છે. તેઓ આંનદ સાથે જણાવે છે કે, અમારા પરિવારની અનેક કારીગર બહેનો જે આખી જીંદગી હોડકોથી બહાર પગ નહોતો મુક્યો તે હવે પ્રદર્શનમાં ભાગ લેવા વિદેશના પ્રવાસ કરતી થઇ છે.
મેરુભાઇના પરિવારમાં તેમની પત્ની કરમાબાઇ, તેમના ભાઇ રામજીભાઇ સહિતના રાષ્ટ્રીય એવોર્ડ તથા અન્ય એવોર્ડથી સન્માનિત થઇ ચુક્યા છે.
રાજ્ય સરકારના આર્થિક મદદ ઉપરાંત વેચાણ પ્લેટફોર્મના કારણે કારીગરો સદ્ધર થવા સાથે નવી પેઢી પુન: આ વંશપરંપરાગત કામને શીખીને તેને આધુનિક ટચ આપવા સક્ષમ બની છે. દેશ-વિદેશમાં લોકો સાથેના આદાનપ્રદાન ના કારણે ગ્રામ્ય સ્તરે શિક્ષણ પ્રત્યે પણ જાગૃતિ આવી છે. આમ, આર્થિક બદલાવ સાથે લોકોનું જીવનસ્તર સુધર્યું છે જે દર્શાવે છે કે, સરહદ સુધી વિકાસના મીઠા ફળ લોકો ચાખીને તેનો સ્વાદ માણી રહ્યા છે. વર્તમાન સમયમાં લોકોની ડિમાન્ડ અને ટેસ્ટ મુજબ કટાવકામના કારીગરો કટાવકામની જૂની પરંપરિત ભાતો ને ચાદરો, સાડલા, ડ્રેસ, પડદા, થેલા, બટવા, ઓશિકાં, તકિયા, ચાકળા પર નવા સ્વરૂપે મૂકીને લોકપ્રિયતા ઊભી કરી છે. એમના ઉત્તમ નમૂનાઓ પરદેશમાં નિકાસ થઇ રહ્યા છે. તેમજ કટાવકામના દેશભરમાં પ્રદર્શનો યોજાતાં રહે છે.
આ અંગે હેન્ડીક્રાક્ટ પ્રમોશન અધિકારીશ્રી આશુતોષકુમાર જણાવે છે કે, હોડકો સહિતના ગામમાં પેચવર્ક કે જેને કટાવકામ પણ કહેવામાં આવે છે તે કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રોત્સાહન થકી ફરી સારી રીતે વિકસ્યું છે. કેન્દ્ર સરકાર તરફથી કારીગરોને આર્ટીશીયન કાર્ડ આપવામાં આવ્યા છે. જેની મદદથી તેઓ દેશ-વિદેશમાં યોજાતા એક્ઝિબિશેનમાં ભાગ લઇ શકે છે. જેમાં તમામ આર્થિક સહયોગ સરકાર આપતી હોય છે. રણોત્સવ જેવા આયોજનમાં મહિનાઓ સુધી આ કારીગરોને સ્ટોલ ફાળવવામાં આવતા હોય છે. જેમાં તેમને જમવા, આવવા-જવાનના ભાડાથી લઇને રહેવા સહિતનો ખર્ચ સરકાર દ્વારા ચુકવવામાં આવે છે. આમ, તેઓને વેચાણ માટે પ્લેટફોર્મ આપવા સાથે સરકાર તેને અન્ય સહયોગ પણ કરે છે. ઉપરાંત, તાલીમ, ટૂલકીટ સહિતની અન્ય મદદ આપવામાં આવતી હોય છે.
આ જ રીતે રાજ્ય સરકારના સહયોગની વાત કરીએ તો, રાજ્યના હાથશાળ અને હસ્તકલાના કુટિર ઉદ્યોગના કારીગરોને ઘંધાના વિકાસ માટે કાચોમાલ ખરીદવા નાણાકીય મૂડીની જરૂરીયાત તથા વર્તમાન સમયમાં કુટિર ઉદ્યોગના કારીગરોને બજારમાં ટકી રહેવા રાજ્ય સરકાર મદદ કરી રહી છે. ગુજરાત સરકારશ્રીના કુટિર અને ગ્રામોદ્યોગ હસ્તકના ઇન્ડેક્ષ –સીમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં આર્ટીઝન તરીકે નોંધાયેલા કારીગરોને કાર્યકારી મૂડી માટે સરળતાથી ઓછા વ્યાજે જરૂરીયાત મુજબના નાણા મળે તે માટે દત્તોપંત ઠૈગડી સહાય યોજના હેઠળ સહાય કરવામાં આવે છે. ઉપરાંત કારીગર કાર્ડના આધારે રાજ્ય સરકાર વિવિધ પ્રદર્શનીમાં તેઓને વેચાણ પ્લેટફોર્મ પુરૂ પાડે છે. તેમજ માલ વેચાણ માટે સેતુનું કામ પણ કરે છે.





















