GUJARATKUTCHMANDAVI

માધાપર તાલીમ કેન્દ્ર ખાતે મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કરાઈ.

મહિલાઓને સરકારશ્રીની કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરાયો.

વાત્સલ્યમ્ સમાચાર.

રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.

ભુજ, તા-૦૮ ઓગસ્ટ : નારી વંદના ઉત્સવની ઉજવણીના ભાગરૂપે તા.૬/૮/૨૦૨૪ના રોજ મહિલા કર્મયોગી દિવસની ઉજવણી કચ્છ જિલ્લાના તમામ તાલુકામાં કરવામાં આવી. ભુજ તાલુકામાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી અને મહિલા અને બાળ અધિકારીના સહયોગથી તાલુકા હેલ્થ કચેરી ભુજના સંયુક્ત ઉપક્રમે તાલુકા હેલ્થ ઓફીસર ડૉ. કેશવકુમારના અધ્યક્ષસ્થાને જિલ્લા તાલીમ કેન્દ્ર માધાપર ખાતે નારી કર્મયોગી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ડૉ. કેશવકુમાર દ્વારા પીસી પીએનડીટી એક્ટ વિશે તેમજ એમટીપી એક્ટ વિશે માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરીના મિશન ડિસ્ટ્રીકટ કોર્ડિનેટર ફોરમબેન વ્યાસે મહિલાઓ સંબંધિત યોજના વિશેની સમજણ આપી હતી. જેમાં બેટી બચાવો બેટી પઢાઓ – દીકરીઓને શિક્ષણનું પ્રોત્સાહન મળે, સ્ત્રીભૃણ હત્યા અટકે, બાળ લગ્ન બંધ થાય અને દીકરીના જન્મને આવકાર તેમજ વ્હાલી દીકરી યોજના- દીકરીના જન્મના એક વર્ષની અંદર અરજી કરે તો ત્રણ હપ્તામાં ૧ લાખ ૧૦ હજારની સહાય મળે વગેરે માહિતી આપવામાં આવી હતી. મહિલા સ્વાવલંબન યોજના અંતર્ગત આર્થિક ઉપાર્જન અર્થે બહેનોને ગૃહ ઉદ્યોગ ચલાવવા માટે સરકાર દ્વારા સબસિડી સાથેની લોન મળવાપાત્ર છે. સખી વન સ્ટોપ સેન્ટરના માધ્યમથી ઘરેલું હિંસાથી પિડીત મહિલાઓને પાંચ પ્રકારની મદદ મળી શકે છે જેમાં તબીબી, પોલીસ, કાઉન્સિલિંગ, વકીલની, આશ્રય, પોલીસ સ્ટેશન બેઝ સપોર્ટ સેન્ટર વગેરેનો સમાવેશ થાય છે.એડવોકેટ શ્રીમતિ માલશ્રીબેન ગઢવીએ જાતીય સતામણીની કાયદાકીય માહિતી આપી હતી. દહેજ પ્રતિબંધક અધિકારીશ્રી ભરતભાઈ મકવાણાએ ઘરેલું હિંસા અને દહેજ વિશેની માહિતી આપી હતી. બહ્માકુમારી વિદ્યાલય ભુજના બિનાબેને માનસિક સ્વાસ્થ્ય વિશેની સમજણ સાથે ધ્યાન સહિતના ઉપચારો અંગે જરૂરી માર્ગદર્શન પુરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં ૧૮૧ અભયમ્ સંસ્થાઓમાંથી આવેલી બહેનો સોલંકી ઉજાલા, સુથાર અંજલી હાજર રહ્યા હતા. જેમાં સોલંકી ઉજાલા દ્વારા મહિલાઓને ઉદભવતા પ્રશ્નો અંગે કેવી રીતે ૧૮૧ હેલ્પલાઈન વિશેની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.આ કાર્યક્રમમાં ઈન્ચાર્જ જિલ્લા આઈ.ઈ.સી અધિકારીશ્રી વિનોદભાઈ ઠક્કર, તાલુકા હેલ્થ વિઝીટરશ્રી ગંગાબેન વિંઝોડા, તાલુકા સુપરવાઈઝરશ્રી આશિત શાહ, શ્રી કિંચન પટેલ હાજર રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંચાલન કલ્પનાબેન મહેતા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ભુજ કચ્છની યાદીમાં જણાવાયું છે.

Back to top button
error: Content is protected !!