Halvad:હળવદના દીઘડીયા પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, બે ઈજાગ્રસ્ત




Halvad:હળવદના દીઘડીયા પાસે બે બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત: એકનું મોત, બે ઈજાગ્રસ્ત

હળવદ: તાલુકાના દીઘડીયા-ભલગામડા રોડ પર ગત તા. ૧૫ માર્ચના રોજ બે મોટરસાયકલ વચ્ચે સર્જાયેલા જોરદાર અકસ્માતમાં એક આધેડનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે વ્યક્તિઓ ઘાયલ થતા ચકચાર મચી ગઈ છે. આ મામલે પોલીસે બેદરકારીપૂર્વક બાઈક ચલાવનાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

મળતી વિગત મુજબ, દીઘડીયા ગામે રહેતા ૬૦ વર્ષીય બાબુભાઈ નથુભાઈ કાંજીયા અને તેમના નાનાભાઈ ખોડાભાઈ કાંજીયા પોતાના બાઈક (નં. GJ-06-CQ-9249) પર સવાર થઈને દીઘડીયા-ભલગામડા રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરઝડપે અને બેદરકારીપૂર્વક આવી રહેલા અન્ય એક બાઈક (નં. GJ-03-FH-9460) ના ચાલકે તેમને જોરદાર ટક્કર મારી હતી.
સારવાર દરમિયાન તોડ્યો દમ આ અકસ્માત એટલો ભયાનક હતો કે બંને બાઈક પર સવાર ત્રણેય વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને તાત્કાલિક હળવદની સરકારી હોસ્પિટલ અને ત્યારબાદ વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન ખોડાભાઈ કાંજીયાનું ગંભીર ઈજાઓ હોવાને કારણે મોત નીપજ્યું હતું, જ્યારે બાબુભાઈને માથા અને હાથના ભાગે ઈજાઓ પહોંચી છે.બનાવ અંગે બાબુભાઈ કાંજીયાએ હળવદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આરોપી બાઈક ચાલક વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા (BNS) અને મોટર વાહન અધિનિયમની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


