શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગમાં અકસ્માત નિવારણ માટે પી.આઈ.પટેલની ટીમે માટી નાખી ખાડાઓ પુરી માનવતા મહેકાવી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં સાપુતારા-શામગહાન રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર સાપુતારા પોલીસની સરાહનીય કામગીરી,જોકે NHAIનાં અધિકારીઓ નિંદ્રાધીન હોય તેવી પ્રતીતિ થતા પ્રશ્નાર્થ..
ડાંગ જિલ્લાનાં સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં અલગ અલગ બ્લેક સ્પોટ પોઈન્ટ ખાતે વારંવાર અકસ્માત સર્જાય છે.પરંતુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ આ માર્ગમાં કામગીરી કરવાની જગ્યાએ ઘોર નીંદર માણી રહ્યુ છે.સાપુતારાથી શામગહાનને જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગનાં માલેગામ નજીક મેઈન યુ ટર્ન (બ્લેક સ્પોટ) પર સતત વધી રહેલા જીવલેણ અકસ્માતોને અટકાવવા માટે ડાંગ જિલ્લા પોલીસ વડા યશપાલ જગાણીયા તેમજ નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલ દ્વારા મહત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યુ છે.સાપુતારા પોલીસ મથકનાં પી.આઈ.આર.એસ.પટેલની ટીમે સાપુતારા-માલેગામ ઘાટમાર્ગનાં વળાંકો પર માટીકામ કરી રોડ પહોળા કરવાની કામગીરી હાથ ધરી છે,જેથી અકસ્માતોનું જોખમ ઘટાડી શકાય.આ સ્થળે સાપુતારા પોલીસની ટીમ દ્વારા કરવામાં આવેલી કામગીરી ખૂબ જ સરાહનીય છે.સાપુતારા પોલીસકર્મીઓ 24 કલાક ખડેપગે રહીને સતત પેટ્રોલિંગ કરી રહ્યા છે.જેથી વાહનચાલકોને સલામત રીતે પસાર થવામાં મદદ મળી રહે.જો કે, બીજી તરફ રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NHAI) ના અધિકારીઓ આ બાબતે નિષ્ક્રિય જણાઈ રહ્યા છે. આ સ્થળે સતત અકસ્માતો થતા હોવા છતાં, NHAI ના અધિકારીઓ કે કર્મચારીઓ દ્વારા તેને રોકવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે નારાજગી જોવા મળી રહી છે.ત્યારે વાહનચાલકો તથા સ્થાનિક લોકોની માંગ છે કે NHAI ના અધિકારીઓ તાત્કાલિક આ સ્થળની મુલાકાત લે અને અહીં અકસ્માતો અટકાવવા માટે યોગ્ય પગલાં લે. તેઓએ આ રોડ પર જરૂરી સાઈન બોર્ડ અને સ્પીડ બ્રેકર લગાવવાની પણ માંગ કરી છે.જેથી વાહનચાલકોને ચેતવણી મળી શકે અને અકસ્માતોનું જોખમ ઘટાડી શકાય.વધુમાં સાપુતારા પોલીસ દ્વારા તમામ વાહનચાલકોને અપીલ કરવામાં આવી છે કે તેઓ આ રોડ પર સાવધાનીપૂર્વક વાહન ચલાવે અને ટ્રાફિકના નિયમોનું પાલન કરે.ત્યારે અહિં સાપુતારા પોલીસની ટીમ દ્વારા વાહન ચાલકોનાં તથા સ્થાનિક લોકોના હિતમાં કામગીરી કરવામાં આવતા લોકોએ તેમની કામગીરીને બિરદાવી હતી.સાપુતારા પોલીસની ટીમે લોકહિતમાં કામ કરી વાહનચાલકોની સુરક્ષાની ચિંતા કરતા વાહનચાલકોએ ખરા અર્થમાં પોલીસની કામગીરીનો આભાર વ્યક્ત કર્યો હતો..




