MORBI:મોરબી નજીક જૂની અદાવતમાં વેપારી પર છરી બતાવી ₹૨૪,૦૦૦ની લૂંટ: ચાર શખ્સો સામે ગુનો નોંધાયો




MORBI:મોરબી નજીક જૂની અદાવતમાં વેપારી પર છરી બતાવી ₹૨૪,૦૦૦ની લૂંટ: ચાર શખ્સો સામે ગુનો નોંધાયો

મોરબીના સાપર ગામની સીમમાં આવેલ પાવડીયારી કેનાલ નજીકના માર્કેટમાં જૂની અદાવતનો ખાર રાખીને ચાર શખ્સોએ એક વેપારી પર હુમલો કરી રોકડ રકમની લૂંટ ચલાવ્યાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવવામાં આવી છે.

બનાવની મળતી વિગતો મુજબ, પાવડીયારી માર્કેટના શોપિંગ સેન્ટરમાં રહીને મજૂરી કામ કરતા ફરીદ યાસીનભાઈ મેર નામના યુવકે પોલીસ ફરિયાદ નોંધાવી છે. જેમાં આરોપી તરીકે ઇકો (રહે. ખીરઈ, તા. માળિયા મિયાણા) તેમજ શીકલો, મુખી અને કારો નામના ચાર શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ફરિયાદમાં જણાવ્યા અનુસાર, ફરિયાદીના શેઠ ઇકબાલભાઈના ભાઈ તૈયબભાઇએ થોડા દિવસો પહેલા આરોપી ઇકા વિરુદ્ધ માળિયા પોલીસ સ્ટેશનમાં મારામારીની ફરિયાદ નોંધાવી હતી. આ બાબતનો રોષ રાખીને ચારેય આરોપીઓ સમાન ઈરાદો પાર પાડવા માટે નંબર વગરની કાળા કલરની સ્કોર્પિયો કાર લઈને આવ્યા હતા.
આરોપીઓએ આવીને ફરિયાદી તથા તેમના સાથી ઇકબાલભાઈને ભૂંડી ગાળો આપી, ઢીકાપાટુનો મૂઢ માર માર્યો હતો અને છરી બતાવી ધમકાવ્યા હતા. ત્યારબાદ ફરિયાદીના ખીસ્સામાં રહેલ મુરઘીના થડાના બે દિવસના હિસાબના રૂ. ૨૪,૦૦૦/- ની રોકડ રકમ બળજબરીથી કાઢી લઈ લૂંટ ચલાવી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી ફરાર થઈ ગયા હતા.
આ બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે ફરિયાદીની ફરિયાદના આધારે ચારેય આરોપીઓ વિરુદ્ધ લૂંટ અને ધમકી સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.



