ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં સોમવારના રોજ ઇદ-એ- મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના પશ્ચિમ વિસ્તારોમાં સોમવારના રોજ ઇદ-એ- મિલાદની ભવ્ય ઉજવણી કરાઈ હતી.જેમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના ભાઈઓએ જોડાઈ શાંતિપૂર્ણ માહોલમાં જુલુસ કાઢવામાં આવ્યું છે.જેમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ઈસ્લામી માસની 12 મી રબી ઉલ અવ્વલના દિવસે મુહમ્મદ પયગમ્બર સાહેબના જન્મ દિવસની ઉજવણી મુસ્લિમ સમાજના લોકો દ્વારા કરવામાં આવે છે.જેના ભાગરૂપે ભરૂચ જિલ્લામાં આવેલા વિવિધ શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ઈદ એ મિલાદના તહેવારની ધામધૂમથી ઉજવણી કરાઈ હતી.ઇદે મિલાદના દિવસે મોટા મોટા જુલુસ પણ નીકળતા હોય છે.ભરૂચ શહેરના મુસ્લિમ વિસ્તારો,ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા શેરી,મહોલ્લા, સોસાયટીઓ,મસ્જિદો,દરગાહો રંગબેરંગી તોરણો અને લાઈટિંગથી સજાવવામાં આવ્યા છે.ગામોમાં નિયાઝ સહિત ધાર્મિક કાર્યક્રમોના પણ આયોજનો કરાયા છે.
ભરૂચ શહેરના બાયપાસ વિસ્તારમાં મોટી સંખ્યામાં મુસ્લિમ સમાજના નાના મોટા લોકોએ એકત્ર થઈ મુસ્લિમ આગેવાન અબ્દુલ કામઠી અને ઝુલુસ કમીટીના માર્ગદર્શન હેઠળ ઇદે મિલાદનું જુલુસ નીકળ્યું હતું.જેમાં મુસ્લિમ બિરાદરોએ દરેક લોકોને ઇદે મિલાદની મુબારકબાદી પાઠવી હતી.જોકે જુલુસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. આ રીતે જિલ્લામાં અનેક સ્થળોએ ઇદે મિલાદના ઝુલુસ નીકળ્યા હતા.