MALIYA (Miyana):માળિયા (મી.)ના બગસરા ગામે શ્મશાનની જમીનમાં મીઠાના ગેરકાયદે ઢગલા: તંત્રની મીલીભગતની શંકાથી ગ્રામજનોમાં રોષ







MALIYA (Miyana):માળિયા (મી.)ના બગસરા ગામે શ્મશાનની જમીનમાં મીઠાના ગેરકાયદે ઢગલા: તંત્રની મીલીભગતની શંકાથી ગ્રામજનોમાં રોષ


માળિયા મિયાણા તાલુકાના બગસરા ગામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જ્યાં સ્થાનિક શ્મશાનની પવિત્ર જમીન પર એક મીઠાના ઉદ્યોગપતિ દ્વારા ગેરકાયદેસર રીતે મીઠાના મોટા ઢગલા ખડકી દેવામાં આવ્યા હોવાનો આક્ષેપ ઉઠ્યો છે. આ વિસ્તારમાં ઓવરલોડ અને તાલપત્રી વગર દોડતા ટ્રકો તેમજ ડમ્ફરો દ્વારા રાત-દિવસ મીઠું ઠાલવવામાં આવી રહ્યું છે, જેનાથી ગ્રામજનો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.

પર્યાવરણ અને ગામના તળાવ પર મોટું સંકટ :સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર, શ્મશાનની જમીનમાં મીઠું ઠાલવવાને કારણે ત્યાં આવેલા લીલાછમ વૃક્ષોને ભારે નુકસાન થવાની ભીતિ છે. વધુમાં, જમીનમાં ખારાશ વધી જવાની પૂરેપૂરી સંભાવના સેવાઈ રહી છે. સૌથી મોટી ચિંતાની વાત એ છે કે આ જગ્યાની બિલકુલ નજીક ગામનું મુખ્ય તળાવ આવેલું છે. ચોમાસું નજીક આવી રહ્યું હોવાથી, જો વરસાદ પડશે તો આ મીઠાનો આખો ઢગલો ઓગળીને તળાવના પાણીમાં ભળી જશે. જેના કારણે ગામના પીવાના અને વપરાશના પાણીનો એકમાત્ર સ્ત્રોત પણ ખારોપાટ બની જશે.
ઉદ્યોગપતિની જોહુકમી: “ટ્રક મારા નથી” કહીને હાથ ઊંચા કર્યા :જ્યારે ગામના જાગૃત નાગરિકો દ્વારા આ બાબતે સંબંધિત મીઠાના ઉદ્યોગપતિનો સંપર્ક કરવામાં આવ્યો, ત્યારે તેમણે પોતાની જવાબદારીમાંથી છટકતા એવું બેજવાબદાર નિવેદન આપ્યું હતું કે, “આ ટ્રકો મારા નથી.” ઉદ્યોગપતિના આવા જવાબથી ગ્રામજનો મૂંઝવણમાં મુકાયા છે કે જો આ ટ્રકો તેમના નથી, તો પછી શ્મશાનની જમીન પર આટલો મોટો મીઠાનો જથ્થો કોના ઈશારે અને શા માટે ઠાલવવામાં આવી રહ્યો છે?
ગ્રામજનોનો સવાલ: “જો ઉદ્યોગપતિ આ ટ્રકો પોતાના ન હોવાનો દાવો કરતા હોય, તો તંત્ર તપાસ કેમ નથી કરતું કે આ અજાણ્યા ટ્રકો કોના છે અને સરકારી/ગામની જમીન પર ગેરકાયદે કબ્જો કરનારા ભૂમાફિયાઓ કોણ છે?”
અનેક રજૂઆતો છતાં તંત્ર ઘોર નિદ્રામાં, મીલીભગતની આશંકા : આ ગંભીર મુદ્દે બગસરા ગ્રામ પંચાયત તેમજ ગામના જાગૃત નાગરિકો દ્વારા અગાઉ પણ વહીવટી તંત્રને લેખિત અને મૌખિકમાં અનેક રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં, આજ દિન સુધી જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. તંત્રની આ નિષ્ક્રિયતાને કારણે ગામલોકોમાં એવો ગણગણાટ શરૂ થયો છે કે, સરકારી બાબુઓ અને મીઠાના ઉદ્યોગપતિ વચ્ચે કોઈ મોટી મીલીભગત ચાલી રહી છે, જેના કારણે પર્યાવરણ અને ગામના હિતને નુકસાન પહોંચાડનારાઓ સામે આંખ આડા કાન કરવામાં આવી રહ્યા છે.

સ્થાનિક સ્તરે કોઈ સુનાવણી ન થતાં હવે બગસરાના ગ્રામજનો આ મામલાને ઉચ્ચ કક્ષાએ લઈ જવા મજબૂર બન્યા છે. ગ્રામજનોની માગ છે કે:જિલ્લા કલેક્ટર અને પ્રાંત અધિકારીશ્રી આ મામલે તાત્કાલિક દખલગીરી કરે.શ્મશાનની જમીન પરથી મીઠાનો ગેરકાયદેસર જથ્થો સત્વરે હટાવવામાં આવે.નિયમોનું ઉલ્લંઘન કરીને દોડતા ઓવરલોડ ડમ્ફરોના માલિકો અને જવાબદાર ઉદ્યોગપતિ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે.જો ચોમાસા પહેલા આ ઢગલો હટાવવામાં આવે છે કે નહીં તે હવે જોવાનું રહ્યું


