
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – અંજાર કચ્છ.
અંજાર,તા-૨૯જૂન : પ્રાકૃતિક ખેતીથી મારા સમગ્ર જીવનનો દ્રષ્ટિકોણ બદલાઇ ગયો છે. ૨૦૧૭ પહેલા રાસાયણિક ખેતી કરતો ત્યારે જોઇએ તેટલી આવક તો થતી ન હતી પરંતુ સાથે જ મનમાં ઝેરી દવા અને ખાતરના વપરાશના કારણે થતા ઉત્પાદનથી હંમેશા એક બોજ રહેતો હતો. પરંતુ જયારથી પ્રાકૃતિક ખેતી અપનાવી છે ત્યારથી જીવનને નવું લક્ષ્ય મળ્યું છે સાથે જ આવક સાથે લોકોને સ્વાસ્થ્યપ્રદ ઉત્પાદનો આપવાનો સંતોષ મળી રહ્યો છે તેવું પ્રાકૃતિક ખેતી કરતા અંજાર તાલુકાના ચંદિયાના મોહનલાલ સોરઠીયાએ જણાવ્યું હતું. પ્રાકૃતિક ખેતી વિશે પોતાના સફરની વાત કરતા તેઓ ઉમેર્યું હતું કે, હું છેલ્લા ૨૦૧૭ના વર્ષથી પ્રાકૃતિક કૃષિ કરું છું. મારે બે દેશી ગાયો છે. આત્મા યોજના દ્વારા મળેલા ડ્રમની મદદથી હું જીવામૃત, નિમાસ્ત્ર, બ્રહ્માસ્ત્ર અને ઘનજીવામૃત બનાવુ છું. હું આચ્છાદન અને મિક્સ પાકો પણ કરુ છું. ખેતીવાડી તથા આત્માના અધિકારીશ્રીઓની મદદથી હું પ્રાકૃતિક કૃષિ અપનાવતો થયો છું. આત્મા યોજના દ્વારા અંજાર તાલુકામાં યોજાતી તાલીમમાં પણ હાજર રહીને માર્ગદર્શન મેળવું છું. તેઓ જણાવે છે કે, અગાઉ હું એક એકરમાં રાસાયણિક ખેતીથી સરગવાની ખેતી કરતો હતો ત્યારે ખર્ચ ૧ લાખ થતો હતો કુલ આવક ૧.૫૦ લાખમાં ચોખ્ખો નફો માત્ર રૂ.૫૦ હજાર હતો. જયારથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરી છે ત્યારથી ખર્ચ ૫૦ ટકા ઘટી ગયો છે અને નફો બમણો થઇ ગયો છે. હવે ખર્ચ માત્ર રૂ.૫૦,૦૦૦ થાય છે સામે આવક ૧.૫૦ લાખની છે આમ, ચોખ્ખો નફો ૧ લાખ મળી રહ્યો છે. આમ મારી આવક વધવા સાથે પ્રાકૃતિક ખેતી થકી મારી જમીન સુધરી છે, ગુણવક્તા યુક્ત પ્રાકૃતિક પેદાશના સારા ભાવ મળે છે. જીવામૃતનો ઉપયોગ કરવાથી જમીનમાં સુક્ષ્મજીવો અને પોષકતત્વોનું પ્રમાણ વધ્યું છે. જમીનની ફળદ્રુપતામાં વધારો થવાથી ઉત્પાદનમાં વધારો થયો છે. ખેતરમાં રહેલા સૂકા પાંદડાં, ડાળીઓ વગેરેનું આચ્છાદાન કરવાથી જમીનની ભેજ ધારણ શક્તિમાં વધારો થયો છે. વધુમાં નીંદણનું નિયંત્રણ થઈ જાય છે. જમીન અળસિયાના લીધે ભરભરી બની છે અને તેમાં વરસાદનું પાણી જમીનમાં ઉતરી જાય છે. પ્રાકૃતિક ખેતીમાં લાંબા સમય બાદ રોગ જીવાત આવતા નથી. હાઔલ સરગવા સાથે પ્રાકૃતિક ખેતીમાં કેરી અને લીબું પાકનું વાવેતર કરતા મોહનભાઇએ કચ્છના ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વળવા આહવાન કર્યું છે.






