MORBI મોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા માટે કલાકો સુધી લાંબી લાઈનો: સામાજિક કાર્યકરોએ બીજું કાઉન્ટર શરૂ કરવા કરી માંગ







MORBI મોરબી મહાનગરપાલિકામાં જન્મ-મરણના દાખલા માટે કલાકો સુધી લાંબી લાઈનો: સામાજિક કાર્યકરોએ બીજું કાઉન્ટર શરૂ કરવા કરી માંગ


ભૂખ્યા-તરસ્યા બાળકો લાઈનમાં સુઈ જવા મજબૂર: મોરબી તંત્રને સામાજિક કાર્યકરોની કડક રજૂઆત મેયર મુલાકાત લઈ ગયા છતાં સમસ્યા જસની તસ: મોરબી પાલિકામાં દાખલા માટે જનતાના કલાકો બગડ્યા
મોરબી મહાનગરપાલિકાની નવી ઓફિસ ખાતે જન્મ અને મરણના દાખલા કઢાવવા આવતા અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ ગંભીર સમસ્યા અંગે મોરબીના જાગૃત સામાજિક કાર્યકરો દ્વારા જિલ્લા કલેક્ટર, મ્યુનિસિપલ કમિશનર અને મેયરશ્રીને લેખિત રજૂઆત કરીને તાત્કાલિક ધોરણે બીજું કાઉન્ટર શરૂ કરવા માંગ કરવામાં આવી છે.
સામાજિક કાર્યકરો રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, દેવેશ મેરૂભાઈ રાણેવાડીયા અને ગીરીશભાઈ છબીલભાઈ કોટેચા સહિતના અગ્રણીઓએ રજૂઆતમાં જણાવ્યું છે કે, મોરબીના આજુબાજુના ગ્રામ્ય વિસ્તારો તેમજ બહારગામથી દરરોજ 200 થી 300 જેટલા લોકો દાખલા કઢાવવા માટે અહીં આવે છે. માત્ર એક જ કાઉન્ટર કાર્યરત હોવાના કારણે લોકોને કલાકો સુધી લાંબી લાઈનોમાં ઉભા રહેવું પડે છે.

બહારગામથી આવતા અનેક પરિવારો સાથે નાના બાળકો પણ હોય છે. અસહ્ય ગરમીના કારણે અને કલાકો સુધી લાઈનમાં ઉભા રહેવાને લીધે ભૂખ્યા-તરસ્યા માસૂમ બાળકો લાઈનમાં જ સુઈ જવા મજબૂર બને છે. વહીવટી તંત્રની આ ધીમી કામગીરીના કારણે જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
અરજીમાં ઉલ્લેખ કરાયો છે કે, અગાઉ મોરબીના મેયરશ્રીએ પણ આ સ્થળની રૂબરૂ મુલાકાત લીધી હતી અને તેઓ પણ આ વિકટ સમસ્યા અને ટ્રાફિકની સ્થિતિથી સારી રીતે વાકેફ છે. આમ છતાં, હજુ સુધી વહીવટી સ્તરે કોઈ નક્કર પગલાં લેવાયા નથી.
સામાજિક કાર્યકરો અને જનતાની મુખ્ય માંગણીઓ:નવી ઓફિસ ખાતે તાત્કાલિક ધોરણે બીજું વધારાનું કાઉન્ટર શરૂ કરવામાં આવે દાખલા મેળવવાની પ્રક્રિયા ઝડપી બનાવીને રોજની લાંબી લાઈનો અને ટ્રાફિકની સમસ્યા હલ કરવામાં આવે.બહારગામથી આવતા અરજદારો માટે પીવાના પાણી અને બેસવાની યોગ્ય વ્યવસ્થા ઉભી કરાય.
સામાજિક કાર્યકરો અને આમ જનતાએ વહીવટી તંત્રને ચીમકીભર્યા સૂરમાં વિનંતી કરી છે કે, પ્રજાના હિતને ધ્યાને રાખીને કલેક્ટર અને કમિશનર સાહેબ આ બાબતે તાત્કાલિક હુકમ કરે અને નવું કાઉન્ટર વહેલી તકે ધમધમતું કરવામાં આવે.છે કે નહીં તે હવે જોવાનું રહ્યું..



