*બોડેલીમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિવસે ભાજપ દ્વારા પુષ્પાંજલિ કાર્યક્રમ

બોડેલીના અલીપુરા ચાર રસ્તા પર દેશના મહાન મહાપુરુષ અને ભારતીય બંધારણના શિલ્પકાર ડૉ. બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ, ‘મહાપરિનિર્વાણ દિવસ’ નિમિતે આજે ભાજપ દ્વારા સ્મરણ અને પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો.6 ડિસેમ્બર 1956ના રોજ ડૉ. આંબેડકરનું અવસાન થયું હતું. દલિત સમાજના હક્ક, શિક્ષણનો પ્રસાર અને સમાજમાં સમાનતા માટે તેમણે જીવનભર લડત આપી હતી. તેમનો દ્રઢ વિચાર, સામાજિક સમરસતા અને લોકશાહી મૂલ્યો આજે પણ દેશ માટે પ્રેરણાસ્ત્રોત છે.કાર્યક્રમમાં પૂર્વ સંગઠન મંત્રી મણિલાલ પરમાર, છોટાઉદેપુર જિલ્લા ભાજપ પ્રભારી રમેશ ઉકાણી, જિલ્લા પ્રમુખ, ધારાસભ્ય અભેસિંહભાઇ તડવી સહિત હોદ્દેદારો, ભાજપ કાર્યકર્તાઓ અને સ્થાનિક લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપી હતી. સૌએ ડૉ. આંબેડકરની પ્રતિમા પાસે માળા ચઢાવી અને પુષ્પાંજલિ અર્પણ કરી શ્રદ્ધાંજલિ વ્યક્ત કરી હતી.કાર્યક્રમ દરમિયાન આગેવાનો દ્વારા ડૉ. આંબેડકરના વિચારો, આદર્શો અને દેશના લોકતંત્ર તેમજ બંધારણ પ્રત્યે આપેલા ઐતિહાસિક યોગદાનને યાદ કરવામાં આવ્યું હતું.સ્થળ પર શ્રદ્ધાંજલિ આપવા આવેલા નાગરિકોમાં ભાવનાત્મક માહોલ જોવા મળ્યો હતો અને સમગ્ર કાર્યક્રમ ગૌરવ, રાષ્ટ્રીય ગૌરવ અને આદરની ભાવનાઓ સાથે પૂર્ણ થયો હતો.
રિપોર્ટર તોસીફ ખત્રી





