MORBI:મોરબી પાડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર ધારીયા વડે જીવલેણ હુમલો




MORBI:મોરબી પાડોશીના ઝઘડામાં સમાધાન કરાવવા ગયેલા યુવક પર ધારીયા વડે જીવલેણ હુમલો

મોરબી: શહેરના નવલખી રોડ પર એક યુવકને પાડોશી દંપતી વચ્ચે ચાલતા ઝઘડામાં મધ્યસ્થી બનવું ભારે પડ્યું છે. ઝઘડો શાંત કરાવવા ગયેલા ૩૭ વર્ષીય યુવક પર ત્રણ શખ્સોએ ધારીયા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી ગઈ છે. આ મામલે મોરબી સીટી બિ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે.

મળતી માહિતી મુજબ, નવલખી રોડ પર ગાયત્રી આશ્રમ પાછળ રહેતા અને છકડો ચલાવી ગુજરાન ચલાવતા દીપકભાઈ સુરેશભાઈ આંત્રેસા (ઉ.વ.૩૭) ના પાડોશમાં રહેતા વિક્રમભાઈ ડાભી અને તેમની પત્ની વચ્ચે ઉગ્ર ઝઘડો થઈ રહ્યો હતો. ઝઘડો વધતા વિક્રમભાઈની દીકરીએ દીપકભાઈને મદદ માટે બોલાવ્યા હતા. દીપકભાઈએ વચ્ચે પડીને સમાધાન કરાવવાનો પ્રયાસ કર્યો હતો.
ત્યારબાદ વિક્રમભાઈ ઝઘડો કરી ઘર છોડીને રાજકોટ બાયપાસ ધુતારી વિસ્તારમાં આવેલી જગદીશભાઈ જીવાભાઈ સરવૈયાની વાડી તરફ ભાગ્યા હતા. દીપકભાઈ માનવતાના ધોરણે તેમને પરત તેડવા માટે વાડીએ પહોંચ્યા હતા.વાડીએ પહોંચતા જ મામલો વધુ બિચક્યો હતો. ત્યાં હાજર આરોપી જગદીશભાઈ સરવૈયા, તેમનો દીકરો દક્ષ અને જગદીશભાઈના ભાઈ છનાભાઈ એ દીપકભાઈ સાથે બોલાચાલી કરી હુમલો કર્યો હતો.આરોપી દક્ષે પોતાની પાસે રહેલા ધારીયા વડે દીપકભાઈના માથામાં ગંભીર ઈજા પહોંચાડી હતી.છનાભાઈએ દીપકભાઈના ડાબા હાથના કાંડા પર ધારીયાનો ઘા ઝીંક્યો હતો.હુમલો કર્યા બાદ આરોપીઓએ ધમકી આપી હતી કે, “હવે પછી જો અમારી વાડી બાજુ આવીશ તો તને જાનથી મારી નાખીશું.”ઈજાગ્રસ્ત દીપકભાઈએ આ ત્રણેય શખ્સો વિરુદ્ધ મોરબી સીટી બિ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે આંત્રેસાની ફરિયાદના આધારે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા માટે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.




