MORBI:મોરબી દિવાળીના પર્વએ સ્વરોજગારી અને સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ
MORBI:મોરબી દિવાળીના પર્વએ સ્વરોજગારી અને સ્વદેશી વસ્તુઓની ખરીદીને પ્રોત્સાહન આપવા સ્વદેશી મેળો બન્યો સબળ માધ્યમ
વોકલ ફોર લોકલ તથા દરેક હાથને કામ દરેક કામનું સન્માન એવી નેમ સાથે સ્થાનિક કારીગરો માટે રોજગારીનું કેન્દ્ર એટલે સ્વદેશી મેળો
વિકાસ સપ્તાહ અંતર્ગત સ્વદેશી વસ્તુઓનું વેચાણ વધે, સ્થાનિક કારીગરોને રોજગારી મળી રહે તેમજ હસ્તકલા અને ઘર બનાવટની વસ્તુઓને વિશાળ બજાર મળી રહે તે માટે સ્વદેશી મેળા યોજવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત મોરબીમાં મહાનગરપાલિકા દ્વારા આગામી ૧૮ ઓક્ટોબર સુધી સ્વદેશી મેળાનું આયોજન એલ.ઈ.કોલેજ ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે કરવામાં આવ્યું છે. સ્વરોજગારી અને સ્વદેશી વસ્તુઓના વેચાણ તથા ખરીદીને પ્રોત્સાહન પૂરું પાડવા આ સ્વદેશી મેળા સબળ માધ્યમ સાબિત થઈ રહ્યા છે.
મોરબીના પ્રાગટ્ય સખી મંડળના સખીશ્રી હેતલબેન ચાવડા જણાવે છે કે, મોરબી મહાનગરપાલિકા અને સરકાર દ્વારા આયોજિત આ મેળો અમારા જેવી બહેનોને રોજગારી પૂરી પાડે છે. અહીં અમે અમારા હાથ બનાવટની વસ્તુઓ વેચી પગભર થઈએ છીએ.
વાત્સલ્ય સખી મંડળના સખીશ્રી જ્યોતિબેન ચાવડા જણાવે છે કે, સ્વદેશી વસ્તુઓના વેચાણ માટે આયોજિત આ મેળામાં મને વિનામૂલ્યે સ્ટોલ મળ્યો છે. જેનાથી અમને અમારી ઘરે બનાવેલી વસ્તુના વેચાણ માટે એક સારું પ્લેટફોર્મ મળ્યું .
શક્તિ સખી મંડળના સખીશ્રી સોનલબેન સગર જણાવે છે કે, સરકાર દ્વારા આયોજિત આ સ્વદેશી મેળામાં અમને રોજગારીની સારી તક મળી છે. સરકાર દ્વારા અનેકવાર આવા મેળાઓ યોજવામાં આવે છે જેના થકી અમારા જેવા નાના વેપારીઓને સ્વરોજગારી મળી રહે છે.
અર્પિત આરાધ્યા સખી મંડળના સખી જણાવે છે કે, સખી મંડળમાં જોડાઈ આજે અમે વિવિધ ફરસાણ બનાવી રોજગારી મેળવીએ છીએ. સખી મંડળ અને આ પ્રકારના મેળાઓ થકી આજે અમે આત્માનિર્ભર બની અમારા પગ ઉપર ઉભા થયા છીએ.
મારુતિ મિશન મંગલ સખી મંડળના સખીશ્રી હેતલબેન વ્યાસ જણાવે છે કે, અમે આત્માનિર્ભર બનવા સરકાર અને મહાનગરપાલિકા દ્વારા આયોજિત મેળામાં ભાગ લીધો છે. અમે ઘરે જાતે સાબુ, શેમ્પૂ વગેરે જેવી કોસ્મેટિક્સની વસ્તુઓ આયુર્વેદિક પદ્ધતિથી ઘરે જાતે બનાવીએ છીએ અને તેનું વેચાણ કરીએ છીએ. આ આડઅસર વિનાની આયુર્વેદિક વસ્તુઓ વાપરવાથી ખૂબ સારો ફાયદો થાય છે. અમે આત્મનિર્ભર બની સ્વરોજગારી મેળવી શકીએ તે માટે અમને વિનામૂલ્યે સ્ટોલ આપવામાં આવ્યો છે.
સ્થાનિક કળાઓ અને ખાસ કરીને હાથશાળની વસ્તુઓ બનાવતા કારીગરોને તેમની કલા – કારીગરીની વસ્તુઓ માટે બજારની સાથે સારો ભાવ મળી રહે અને તેમની આ કલાની કદર થાય તે માટે સરકાર દ્વારા વોકલ ફોર લોકલ પહેલ કરી છે. ઉપરાંત દરેક હાથને કામ અને કામનું સન્માન એવી નેમ સાથે વિકાસ સપ્તાહ અંતર્ગત રાજ્યમાં અનેક જગ્યાએ સ્વદેશી મેળાઓનું આયોજન કરવામાં આવ્યું છે. સ્થાનિક કારીગરોને તેમની વસ્તુઓ દૂર ક્યાંય વેચવા ન જવી પડે તે માટે સ્વરોજગારી પુરી પાડવા આ સ્વદેશી મેળા મહત્વનું કેન્દ્ર બની રહ્યા છે.