MORBI: મોરબી ધગધગતા માર્ગો પર માસૂમ ચરણોને મળ્યું સુરક્ષા કવચ: ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા પગરખાં વિતરણનો સેવાયજ્ઞ





MORBI: મોરબી ધગધગતા માર્ગો પર માસૂમ ચરણોને મળ્યું સુરક્ષા કવચ: ‘મેંગોપીપલ પરિવાર’ દ્વારા પગરખાં વિતરણનો સેવાયજ્ઞ


મોરબી: હાલ ઉનાળો તેના પરાકાષ્ઠાએ છે. આકાશમાંથી અગનગોળા વરસી રહ્યા છે અને ડામરના રસ્તાઓ ધગધગતી ભઠ્ઠી જેવા બન્યા છે. આવા કપરા સમયમાં સંપન્ન લોકો માટે પણ ઘરની બહાર નીકળવું મુશ્કેલ છે, ત્યારે ઝૂંપડપટ્ટીમાં રહેતા અને ઉઘાડા પગે ફરતા નિર્દોષ બાળકોની વેદના હરવા માટે ‘મેંગોપીપલ પરિવાર’ આગળ આવ્યું છે. સંસ્થા દ્વારા હાલ ગરીબ બાળકોને પગરખાં પહેરાવી કાળઝાળ ગરમીથી બચાવવાનું પ્રશંસનીય અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.
માત્ર વિતરણ નહીં, વાલી જેવી મમતા
સંસ્થાના સંચાલકો મનીષભાઈ રાઠોડ અને રૂપલબેન રાઠોડ દ્વારા રાજકોટ, જામનગર, વાંકાનેર અને મોરબીની વિવિધ વસાહતોમાં જઈને પગરખાંનું વિતરણ કરવામાં આવ્યું હતું. નોંધનીય બાબત એ છે કે, આ દંપતીએ માત્ર પગરખાં આપીને સંતોષ ન માનતા, પોતે જાતે દરેક બાળકની પાસે બેસીને, તેમના પગની સાઈઝ મુજબ પગરખાં પહેરાવી એક વાલી જેવો સ્નેહ આપ્યો હતો. પગરખાંનું સુરક્ષા કવચ મળતા જ બાળકોના ચહેરા પર નિર્દોષ સ્મિત રેલાયું હતું.
મેંગોપીપલ પરિવાર છેલ્લા ૧૩ વર્ષથી સમાજના વંચિત વર્ગો માટે કાર્યરત છે. સંસ્થાની મુખ્ય પ્રવૃત્તિઓમાં:
શિક્ષણ: સ્લમ વિસ્તારના બાળકો માટે ‘જ્ઞાન સાથે ગમ્મત’ અને પૌષ્ટિક નાસ્તો.

પ્રોજેક્ટ મુસ્કાન: છેલ્લા ૮ વર્ષથી જરૂરિયાતમંદ બહેન-દીકરીઓને દર મહિને નિઃશુલ્ક સેનેટરી પેડ્સનું વિતરણ.
આરોગ્ય અને સ્વાભિમાન: મહિલાઓના સ્વાસ્થ્ય અને સ્વચ્છતા માટે જાગૃતિ અભિયાન.
“પગરખાં તો માત્ર નિમિત્ત છે, સાચો હેતુ તો એ કોમળ ચરણોની છાની વેદના હરવાનો છે!” – મેંગોપીપલ પરિવાર
સંસ્થાએ સમાજના શ્રેષ્ઠીઓને અપીલ કરી છે કે આ સેવાયજ્ઞમાં જોડાઈને કોઈ પણ બાળક અભાવમાં ન જીવે તે માટે સહભાગી બને. વિશેષમાં, આ સંસ્થામાં અપાતું દાન આવકવેરાની કલમ 80G હેઠળ કરમુક્ત છે. વધુ માહિતી કે સહયોગ માટે મનીષ રાઠોડ (મો. 9276007786) નો સંપર્ક કરી શકાય છે.




