ઘરકંકાસમાં પતિએ લગાવી મોતની છલાંગ CCTV:એપાર્ટમેન્ટના સાતમા માળેથી કૂદી આપઘાત કર્યો, પત્ની આઘાતમાં; અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશમાં દુ:ખદ ઘટના


સમીર પટેલ, ભરૂચ
અંકલેશ્વરમાં કૌટુંબિક કલેશે એક વ્યક્તિનો જીવ લીધો છે. જૂના નેશનલ હાઇવે-8 પર સ્થિત સાંઈ ગોલ્ડન રેસિડેન્સીના રહેવાસી અસલમ હસન શેખે આપઘાત કર્યો છે.
ગઈકાલે મોડીરાત્રે લગભગ 2 વાગ્યે અસલમ અને તેની પત્ની વચ્ચે ઝઘડો થયો હતો. ફ્લેટ નંબર 712માં રહેતાં દંપતીની તકરાર દરમિયાન અસલમે અચાનક સાતમા માળની ગેલરીમાંથી છલાંગ લગાવી દીધી હતી. ગંભીર ઈજાઓને કારણે તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું.
આ દુ:ખદ ઘટના બાદ પત્ની ગ્રાઉન્ડ ફ્લોર પર દોડી આવી હતી. પતિનો મૃતદેહ જોઈને તે આઘાતમાં સરી પડી હતી. તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.
ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે, જેમાં અસલમને છલાંગ લગાવતો હોવાનું સ્પષ્ટ રીતે જોઈ શકાય છે. અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી છે. પતિ-પત્ની વચ્ચે કય કારણોસર વિવાદ થયો હતો એ અંગે પોલીસ તપાસ કરી રહી છે.



