MORBI:મોરબી એલ.સી.બી.ની કાર્યવાહી : રંગપરથી ૧૨૦ લિટર દેશીદારૂ અને શહેરમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા







MORBI:મોરબી એલ.સી.બી.ની કાર્યવાહી : રંગપરથી ૧૨૦ લિટર દેશીદારૂ અને શહેરમાંથી ઇંગ્લિશ દારૂ સાથે બે શખ્સ ઝડપાયા



મોરબી, તા. 17 મે: મોરબી જિલ્લામાં પ્રોહિબિશન વિરોધી કામગીરીને વધુ અસરકારક બનાવવા માટે મોરબી એલ.સી.બી. (લોકલ ક્રાઈમ બ્રાન્ચ) દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં સફળ રેડ કરી કુલ બે પ્રોહિબિશનના ગુનાઓ શોધી કાઢવામાં આવ્યા છે. આ કાર્યવાહીમાં દેશીદારૂ અને ઇંગ્લિશ દારૂ સહિતનો મુદ્દામાલ કબ્જે કરી બે આરોપીઓને કાયદાના ઘેરામાં લાવવામાં આવ્યા છે.મળતી માહિતી મુજબ, નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ અને મોરબી પોલીસ અધિક્ષકના માર્ગદર્શન હેઠળ મોરબી એલ.સી.બી. ટીમને જિલ્લામાં દારૂ અને જુગાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પર કડક નિયંત્રણ લાવવા સૂચનાઓ આપવામાં આવી હતી. જેના અનુસંધાને ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર આર.સી. ગોહિલના માર્ગદર્શન હેઠળ PSI વી.જી. માલાણી અને એલ.સી.બી./પેરોલ ફર્લો સ્કવોડની ટીમ સક્રિય બની હતી.ખાનગી બાતમીના આધારે મોરબી તાલુકાના રંગપર ગામની સીમમાં રેબન કારખાનાની સામે હરિપ્રકાશ કોમ્પ્લેક્ષમાં આવેલી એક દુકાનમાં દરોડો પાડતા ત્યાંથી ૧૨૦ લિટર દેશીદારૂ, અંદાજિત કિંમત રૂ. 24,000 નો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. આ મામલે આરોપી અનવરભાઈ હાજીભાઈ માલાણી, રહે. કાંતિનગર, માળીયા ફાટક પાસે, મોરબી વિરુદ્ધ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.આ ઉપરાંત, મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે રોડ પર સિરામિક સિટી એલ-01 પાર્કિંગ વિસ્તારમાં કાર્યવાહી દરમિયાન બ્લેન્ડર પ્રાઇડ રિઝર્વ કલેકશન વ્હીસ્કીની 750 મી.લી.ની 8 બોટલો, કિંમત રૂ. 8,880 સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો હતો. આરોપી હિરેન સેતલકુમાર યાદવ (દરજી) સામે મોરબી સીટી બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અધિનિયમ હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી એલ.સી.બી. ટીમ દ્વારા એક જ દિવસે અલગ-અલગ સ્થળોએ સફળ કામગીરી કરતા જિલ્લામાં ગેરકાયદેસર દારૂના વેપાર કરતા તત્વોમાં ફફડાટ ફેલાયો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. પોલીસે આગામી દિવસોમાં પણ આવી કાર્યવાહી વધુ કડક બનાવવાના સંકેતો આપ્યા છે.



