
વાત્સલ્યમ્ સમાચાર.
રિપોર્ટ :- રમેશ મહેશ્વરી – બિમલભાઈ માંકડ -ભુજ કચ્છ.
ભુજ તા. ૨ સપ્ટેમ્બર : ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ અને લાયન્સ હોસ્પિટલ ભુજ દ્વારા આગામી પાંચમી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે વધુ એક મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કિડની ડાયાલિસિસ દર્દીઓના લાભાર્થે આ બ્લડ ડોનેશન કેમ્પ લાયન્સ હોસ્પિટલ, રાવલવાડી લોકેશન સાઇટ ભુજ ખાતે ગુરૂવારે યોજાશે. સવારે ૮: ૩૦ થી ૧ વાગ્યા દરમ્યાન ચાલનારા આ કેમ્પમાં અત્યાર સુધી ભુજ તાલુકાના 200થી વધુ શિક્ષકોએ બ્લડ ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. તેવું તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજના પ્રમુખ ઘનશ્યામસિંહ જાડેજા અને મહામંત્રી મેહુલ જોષી દ્વારા જણાવાયું છે. ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા અગાઉ પણ ૮ વખત બ્લડ ડોનેશન કેમ્પ નું આયોજન થઈ ચૂક્યું છે. સમગ્ર શિક્ષણ જગત માટેના આ ગૌરવશાળી દિવસે ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરીને આ શિક્ષક દિનને ગૌરવવંતો બનાવવાનો સંકલ્પ કરાયો છે. સમાજનો ઘડવૈયો શિક્ષક પોતાના જ્ઞાન દ્વારા બીજાના જીવનમાં રોશની પ્રગટાવે છે ત્યારે આ જ્ઞાનદાતા રક્તદાન કરીને બીજાના જીવનનો જીવનદાતા બનશે. સમાજના સેવા યજ્ઞમાં શિક્ષકો પણ રક્તદાનરૂપી પોતાની આહુતિ આપશે. શિક્ષક દિનના દિવસે વધારે માં વધારે શિક્ષકોને તેમજ લોકોને પણ સ્વેચ્છીક રક્ત દાન કરવા આહવાન ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજ દ્વારા અનુરોધ કરાયો છે. આ રક્તદાન કેમ્પમાં ચેરમેન લાયન ભરત મહેતા, ડાયરેક્ટર લાયન અભય શાહ, પ્રોજેક્ટ કો.ઓર્ડીનેટર લાયન શૈલેન્દ્ર રાવલ, લાયન્સ ક્લબ ઓફ ભુજના પ્રેસિડેન્ટ અજીતિસંહ રાઠોડ તેમજ હોસ્પીટલ એડમીન વ્યોમાબેન મહેતા સહિતનાઓ હાજર રહી એલ.એન.એમ. લાયન્સ હોસ્પીટલ, ભુજ ખાતે રક્તદાન માટેની વ્યવસ્થા પૂરી પાડશે. અત્રે ઉલ્લેખનીય છે કે એલ.એન.એમ. લાયન્સ હોસ્પિટલ માં દર્દીઓ માટે મફત ડાયાલિસિસની સુવિધા પૂરી પાડવામાં આવે છે. આ રક્તદાન કેમ્પમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેન વિરમ ગઢવી દ્વારા વધારેમાં વધારે શિક્ષકોને રક્તદાન કરવા માટેની અપીલ કરવામાં આવી છે.જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ભુપન્દ્રસિંહ વાઘેલા, તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી હસુમતીબેન પરમાર,જિલ્લા શિક્ષક સમાજના પ્રમુખ નયનસિંહ જાડેજા વગેરેનો માર્ગદર્શન સાથે સહકાર મળી રહ્યો છે. દર વખતની જેમ રક્ત દાતા શિક્ષકોને ઓન ડ્યુટી લીવ આપવા ખાતરી અપાઈ છે. સમગ્ર આયોજનને સફળ બનાવવા શિક્ષક સંગઠનના હરિસિંહ જાડેજા , રશ્મિ પંડ્યા, ધર્મેન્દ્રસિંહ જાડેજા, કાંતિભાઈ સુથાર, ગણેશ કોલી, વિલાસબા જાડેજા સહિત ભુજ તાલુકા પ્રાથમિક શિક્ષક સમાજની ટીમ જહેમત ઉઠાવી રહી છે.


