MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી
MORBI:મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી
મોરબી મહાનગરપાલિકા દ્વારા શહેરમાં ગેરકાયદે બાંધકામો પર કડક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. દર બુધવારે દબાણો હટાવવા અને હવે દર શુક્રવારે ગેરકાયદે બાંધકામો તોડવા વિશેષ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જેમાં લખધીરવાસ ચોકથી આ ડ્રાઈવનો પ્રારંભ થયો છે, જેમાં માર્જિન છોડ્યા વગર કરેલ કોમ્પ્લેક્ષના બાંધકામનો ભાગ તોડી પાડવામાં આવ્યો છે, આ સાથે કુલ ૬૩ બિનઅધિકૃત બાંધકામોને નોટિસો આપવામાં આવી છે, અને હવે હર શુક્રવારે આવા બાંધકામો તોડવાની કાર્યવાહી હાથ ધરાશે તેમ મનપાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.
મોરબી શહેરમાં ગેરકાયદે બાંધકામો ઉપર મહાનગરપાલિકા દ્વારા કડક પગલાં ભરવામાં આવ્યા છે. દર બુધવારે દબાણો હટાવવાની ઝુંબેશ બાદ, હવે દર શુક્રવારે ગેરકાયદેસરના બાંધકામો સામે કાર્યવાહી કરવાનો નિર્ણય લેવાયો છે, જેમાં ડીમોલિશનની શરૂ થયેલી ઝુંબેશ હેઠળ લખધીરવાસ ચોકમાં માર્જિન છોડ્યા વગર બિલ્ડિંગ ઉભું કર્યું હતું તેટલો ભાગ મહાનગરપાલિકા દ્વારા તોડી પાડવામાં આવ્યો છે. અગાઉ ૬૩ ગેરકાયદે બાંધકામોને નોટિસ અપાઈ હતી, જેમાં આજથી ડીમોલિશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે, બપોર બાદ મહાનગરપાલિકા દ્વારા આલાપ રોડ પર બે માળના બિનઅધિકૃત બંગલાનું ડીમોલિશન શરૂ કરવામાં આવ્યું હતું. આ બાંધકામ માટે અગાઉ નગરપાલિકા દ્વારા નોટિસ આપવામાં આવી હતી, પરંતુ બાંધકામ ચાલુ રહેતા હવે તેને તોડવામાં આવ્યું છે. મહાનગરપાલિકાની ટીમ અવની પાર્ક સોસાયટી વિસ્તારમાં પહોંચતા ત્યાં ખેતરની જમીન ઉપર ઉભું કરવામાં આવતુ કોમ્પ્લેક્ષ કે જેનું હાલ બાંધકામ ચાલુ હોય તેને પણ તોડી પાડવામાં આવ્યું છે, શરૂઆતમાં આ કોમ્પલેક્ષને તોડી પાડવા માટે વિરોધ ઉભો થયો હતો જેમાં કોમ્પ્લેક્સ તોડવા જઈ રહ્યા હતા ત્યારે મહિલાઓ પિલર પાસે ઉભી રહી ન હટવાની જીદ પકડી હતી. બીજીબાજુ જમીન માલીક દ્વારા જરૂરી મંજૂરીઓ હોવાનો દાવો કરી રહ્યા હતા, અને સ્થળ ઉપર પણ માલીક દ્વારા તમામ દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા, જ્યારે મહાનગરપાલિકા કહે છે કે આ જમીન ખેતી માટેની છે અને બાંધકામ ગેરકાયદેસર છે. આ કેસમાં વધુ તપાસ ચાલી રહી છે. ત્યારે વિવાદને જોતા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને સમજાવટ બાદ બાંધકામના બાકીના પિલર તોડી નાખવામાં આવ્યા હતા.