Rajkot: ભારે વરસાદમાં સ્થળાંતરિત લોકો માટે ફૂડ પેકેટસ – નિવાસની વ્યવસ્થા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જિલ્લા કલેકટરશ્રીની બેઠક

તા.૨૮/૮/૨૦૨૪
વાત્સલ્યમ્ સમાચાર
રાજકોટમાં આગોતરા એક લાખ ફૂડપેકેટસ તૈયાર રાખવાનું આયોજન; નિવાસ માટે પણ સમાજસેવી સંસ્થાઓની પૂરતી તૈયારીઓ
Rajkot: રાજકોટ જિલ્લામાં વરસી રહેલા ભારે વરસાદ તથા આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહીને પગલે જિલ્લા કલેકટર શ્રી પ્રભવ જોશીના માર્ગદર્શનમાં જિલ્લાનું ડિઝાસ્ટર મેનેજમેન્ટ તંત્ર ખડે પગે કામ કરી રહ્યું છે. સ્થળાંતરિત લોકોને સમયસર ફૂડ પેકેટ પહોંચાડી શકાય તેમજ તેમના માટે નિવાસની વ્યવસ્થા કરી શકાય તે માટે કલેક્ટરશ્રીએ આજે રાજકોટની વિવિધ સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ. સાથે બેઠક યોજી હતી. એમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટની આગોતરી તૈયારી રાખવાનું આયોજન કરાયું હતું.
જિલ્લા કલેકટરશ્રી પ્રભવ જોશીએ રાજકોટની સામાજિક સંસ્થાઓ, એન.જી.ઓ.ના અગ્રણીઓને રાજકોટ જિલ્લામાં વરસાદની સ્થિતિ તેમજ વહીવટી તંત્રની કામગીરીથી વાકેફ કર્યા હતા. આ સાથે આગામી દિવસોમાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે, જો મોટી સંખ્યામાં લોકોને સ્થળાંતરિત કરવા પડે તો તેમના માટે નિવાસ તેમજ ભોજનની વ્યવસ્થા કરવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. જેમાં વિવિધ સંસ્થાઓએ પોતાના તરફથી ફૂડ પેકેટસ તેમજ સ્થળાંતરિત લોકોના નિવાસ માટે તૈયાર હોવાની ખાતરી આપી હતી. આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી વચ્ચે સમાજસેવી સંસ્થાઓએ વહીવટી તંત્રની સાથે ખડેપગે રહીને સેવાકીય કામગીરી કરવાની તૈયારી દર્શાવી હતી.
જિલ્લા કલેક્ટરશ્રીએ સંસ્થાઓ પાસેથી ફૂડ પેકેટ્સ અને નિવાસની તેમની તૈયારી અને ક્ષમતાઓ જાણી હતી. આ સાથે પશુ-પક્ષીઓ માટે યોગ્ય વ્યવસ્થા કરવા તેમજ સેવાકીય કાર્ય કરતા સ્વયંસેવકોની પણ આપદા વચ્ચે પૂરતી દરકાર લેવાય તેની તકેદારી રાખવા સંસ્થાઓને જણાવ્યું હતું. આ બેઠકમાં આશરે એક લાખ જેટલા ફૂડ પેકેટ્સ આગોતરા તૈયાર રાખવા તેમજ બચાવકાર્ય માટેની કીટ સાથે સ્વયંસેવકોને તૈયાર રહેવા જણાવાયું હતું. આ તકે નિવાસી અધિક કલેક્ટર શ્રી ચેતન ગાંધીએ સામાજિક સંસ્થાઓના અગ્રણીઓને વિવિધ મુદ્દે માર્ગદર્શન આપ્યું હતું.
આ બેઠકમાં બોલબાલા ટ્રસ્ટ- રાજકોટ, લાયન્સ ક્લબ રાજકોટ, શ્રી રામકૃષ્ણ આશ્રમ, શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ-ઢેબર રોડ, શ્રી પુજીત રૂપાણી મેમોરિયલ ટ્રસ્ટ, બ્રહ્માકુમારીઝ, પ્રોજેક્ટ લાઇફ રાજકોટ, સરગમ ક્લબ, આર્ટ ઓફ લિવિંગ, શ્રી શ્રી એકેડમી, રોટરી મીડટાઉન, બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થા, સ્વાતંત્ર સેનાની પરિવાર સંસ્થાઓના અગ્રણીશ્રીઓ, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીશ્રીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.



