ફળીયા કે અગાસીમાં ઉગાડો પ્રાકૃતિક શાકભાજી

*ધ્રોલ તાલુકાના લતીપર ગામે ઓર્ગેનીક કિચન ગાર્ડન ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો*
*‘’એક પેડ માં કે નામ’’ અભિયાન અન્વયે વૃક્ષારોપણ કરવામાં આવ્યું*
*જામનગર (નયના દવે)
ગુજકોસ્ટ, ગાંધીનગર પ્રેરિત અને શ્રી એમ.ડી.મહેતા એજ્યુકેશન ટ્રસ્ટ, ધ્રોલ સંચાલિત શ્રી એમ.ડી.મહેતા જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર , ધ્રોલ દ્વારા ઓર્ગેનીક કિચન ગાર્ડન ટ્રેનિંગ કાર્યક્રમ યોજાયો હતો. પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન મળે, ગામડાની ગૃહિણીઓ પોતાના શાકભાજી પોતાના જ ફળીયા કે અગાસી પર પ્રાકૃતિક પધ્ધતિથી ઉગાડતા થાય, શાકભાજીના ઉછેર દ્વારા બજારમાં પોતે શાકભાજી વેચીને આત્મનિર્ભર બને, દેશી ખાતર બનાવતા અને તેનો મહત્તમ ઉપયોગ કરતા થાય તે ઉદેશથી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
લતીપર ગામની 50 જેટલી બહેનોને લોકવિજ્ઞાન કેન્દ્ર ધ્રોલના ડો. સંજય પંડયા દ્વારા શાકભાજીને ઘર આંગણે ઉગાડવાની બોટલ પ્લાન્ટની રીત, નકામા ટાયરમાં પ્લાન્ટની રીત, એક જ બોટલમાંથી ત્રણથી વધુ છોડને ઓછા પાણીથી ઉગાડવાની રીત, બોટલ ડ્રિપ ઇરીગેશન રીત, દેશી કોકપીટ ખાતર બનાવવાની રીતનું પ્રાયોગિક નિદર્શન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના બીજા સેશનમાં દરેક બહેનોને પોતાના ઘરે કિચન ગાર્ડન તૈયાર કરે તે હેતુથી સ્થાનિક મળતા શાકભાજીના નાના રોપા અને બીજનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના અંતે ઉપસ્થિત સર્વે દ્વારા ‘’એક પેડ માં કે નામ’’ અભિયાનને અનુલક્ષીને વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. લોકવિજ્ઞાન કેન્દ્ર દ્વારા આ ચોમાસાની ઋતુમાં સમગ્ર જામનગર જિલ્લા માટે આ અભિયાન નિઃશુલ્ક કાર્યરત કરવામાં આવ્યું છે. આ અભિયાનમાં ભાગ લેવા માટે ગામના સરપંચશ્રી, મહિલા મંડળ કે કોઈપણ નાગરિક સંસ્થાનો સંપર્ક સાધી શકશે. તેમ સંસ્થાના ચેરમેન શ્રી ધર્મેશભાઈ મહેતા અને સેક્રેટરી શ્રી સુધાબેન ખંઢેરીયાની યાદીમાં જણાવવામાંં આવ્યુંં હોવાનું જામનગર જીલ્લા માહિતી કચેરીના જલકૃતિ મહેતાએ જણાવ્યુ છે
*000000*





