પાવાગઢ ડુંગર પર જતી યાત્રાળુ ભરેલી ખાનગી ઈકો કાર તળેટીથી ડુંગર પર જવાના ચોથા વળાંક પર પલટી ખાતા સર્જાયો અક્સ્માત, સદનસીબે કોઈ જાનહાનિ નહિ

રિપોર્ટર. કાદિર દાઢી.હાલોલ
તા.૧૭.૬.૨૦૨૫
સુપ્રસિદ્ધ યાત્રાધામ તેમજ શક્તિપીઠ પાવાગઢ ખાતે મંગળવારના રોજ ડુંગર પર જતી યાત્રાળુ પરિવાર થી ભરેલી ખાનગી કાર તળેટીથી ડુંગર પર જવાના લગભગ ચોથા વળાંક પર પલટી ખાઈ ગઈ હતી.જોકે કારમાં સવાર યાત્રાળુઓનો અદભુત બચાવ થવા પામ્યો હતો.આજે વાદળ છાયા તેમજ વરસાદી વાતાવરણ વચ્ચે વહેલી સવારથી પાવાગઢ ખાતે યાત્રાળુઓનો આવવાનો સિલસિલો યથાવત હતો તે દરમિયાન બપોરના સમયે એક ખાનગી ઈકો કાર લઈને આવેલ પરિવાર તળેટીથી ડુંગર પર માચી ખાતે જઈ રહ્યા હતા તે દરમિયાન ડુંગર પર ચડતા અંદાજિત ચોથા વળાંક ખાતે ચાલકનો સ્ટેરીંગ પરથી કાબુ જતા કાર ડિવાઇડરમાં અથડાઈ હતી અને કાર પલટી ખાઈ ગઈ હતી જોકે કારમાં સવાર યાત્રાળુ પરિવાર માંથી એક પણ વ્યક્તિને કોઈપણ પ્રકારની ઈજા થયેલ ન હોવાનું જાણવા મળ્યુ છે.જ્યારે બનાવવાની જાણ થતા પાવાગઢ પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. તેમજ અન્ય સ્થાનિક વાહન ચાલકો પણ બચાવ કામગીરીમાં જોતરાયા હતા.જોકે યાત્રીકોનો અદભુત બચાવ થતાં યાત્રિકો માતાજીની કૃપા સમજી અન્ય વાહનમાં ડુંગર પર જઇ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવી ધન્યતા અનુભવી હતી.







