MORBI:પારિજાત એવોર્ડ અને આદર્શ શિક્ષક અભિવાદન મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા શિક્ષકો!
MORBI:પારિજાત એવોર્ડ અને આદર્શ શિક્ષક અભિવાદન મેળવી મોરબી જિલ્લાનું ગૌરવ વધારતા શિક્ષકો!
(શ્રીકાંત પટેલ દ્વારા મોરબી)
ગુજરાતની પ્રાથમિક શાળાઓમાં ઉત્તમ કાર્ય કરતા રાજ્યના ૫૧ પ્રાથમિક શિક્ષકોને પારિજાત પરિવાર દ્વારા સન્માનિત કરવાનો કાર્યક્રમ પર્યાવરણ મંદિર- વસ્ત્રાલ અમદાવાદ ખાતે યોજાઈ ગયો. સૌ પ્રથમ તમામ સન્માનિત શિક્ષકોના ઢોલ નગારા સાથે વાજતે ગાજતે સામૈયા કરી કાર્યક્રમ સ્થળે લઈ જવામાં આવ્યા હતા. ત્યારબાદ ૫૧ આદર્શ શિક્ષકોને પંચામૃત સમાન સન્માન પત્ર, શાલ, પેન, પુસ્તક અને મીઠાઇ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. ત્યારબાદ સમગ્ર ગુજરાતમાંથી શિક્ષણમાં વિશેષ, ઇનોવેટીવ અને સામાજીક ક્ષેત્રે કાર્ય કરતા ત્રણ શિક્ષકોને પારિજાત એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
જેમાં મોરબી જિલ્લાની નાનીવાવડી કુમાર પ્રાથમિક શાળાના અશોકકુમાર મહાદેવભાઈ કાંજીયા તથા મેઘપર ઝાલા પ્રાથમિક શાળાના હેતલબેન કાંતિલાલ સોલંકીને આદર્શ શિક્ષક અભિવાદન સન્માન અર્પણ કરવામાં આવ્યું હતું. તેમજ શાળા સમય સિવાયની કામગીરી અને સામાજીક ક્ષેત્રે કરેલા કાર્યો બદલ ગુજરાતના ત્રણ શિક્ષકોને પારિજાત એવોર્ડ આપવામાં આવ્યા હતાં! જે એવોર્ડ પણ અશોકકુમાર કાંજીયાને મળ્યો હતો. આમ તેમને એક સાથે બે એવોર્ડથી તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમનું આયોજન પારિજાત પરિવાર ફાઉન્ડર માણેકલાલ પટેલ, પી.સી.પટેલ, કિરણબેન શર્મા દ્વારા કરવામાં આવ્યુ હતું. જેમાં અતિથી વિશેષ પૂ. સંતશ્રી બાલકરામ બાપુ- રમણધામ અમદાવાદ, ડૉ. મહિમનસિંહ ગોહિલ- ઉપનિષદ ભાષ્યકાર એ ખાસ હાજરી આપી હતી.