
અરવલ્લી
અહેવાલ :હિતેન્દ્ર પટેલ
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ યાત્રામાં જોડાઈ સંસ્કૃતના ગૌરવમય ઉત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી
*संस्कृत सप्ताहस्य त्रिदिवसीय कार्यक्रमस्य आयोजनम्*
(સંસ્કૃત સપ્તાહના ત્રિ-દિવસીય કાર્યક્રમનું આયોજન)
*અરવલ્લી જિલ્લા કલેક્ટર પ્રશસ્તિ પારીકનાના માર્ગદર્શન અને અધ્યક્ષસ્થાને આયોજન સમિતિની બેઠક મળી*
*‘સંસ્કૃત ભાષા દેવભાષા છે, જેનું જ્ઞાન વિદ્યાર્થીઓ સહિત સૌએ મેળવવું જોઈએ. આપણે સંસ્કૃતનો રોજિંદા જીવનમાં ઉપયોગ કરી, ભારતની પ્રાચીન સંસ્કૃતિનું ગૌરવ વધારવું જોઈએ.’-જિલ્લા કલેક્ટર
અરવલ્લી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કલેક્ટર ના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સપ્તાહના ત્રિ-દિવસીય આયોજન સંદર્ભે આયોજન સમિતિની બેઠક મળી હતી.બેઠકમાં આગામી તા. ૬થી ૮ ઓગસ્ટ-૨૦૨૫ દરમિયાન યોજાનાર સંસ્કૃત ગૌરવ યાત્રા અને અન્ય કાર્યક્રમોની રૂપરેખા નક્કી કરવામાં આવી. આ યાત્રામાં શાળા-મહાવિદ્યાલયોના વિદ્યાર્થીઓ સંસ્કૃત ટેબ્લો, વેશભૂષા, રાસ-ગરબા, ગીતો તથા વેદમંત્રોચ્ચાર દ્વારા સંસ્કૃત ભાષાના ગૌરવને ઉજાગર કરશે. ટેબ્લોમાં સંસ્કૃતનું વૈજ્ઞાનિક મહત્વ, ભાષાની ઉત્પત્તિ, પ્રાચીન ભારતની ધરોહર અને સંસ્કૃત ગુરુકુળના વિદ્યાર્થીઓ વેદ જ્ઞાન મંત્રોચ્ચાર સાથે સંસ્કૃત સાહિત્ય જેવી વિષયવસ્તુ રજૂ કરશે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ યાત્રામાં જોડાઈ સંસ્કૃતના ગૌરવમય ઉત્સવને સફળ બનાવવા અપીલ કરવામાં આવી છે.
1 સંસ્કૃત સપ્તાહ ઉત્સવ યોજના: રાજ્યભરમાં ઉત્સાહપૂર્વક સંસ્કૃત સપ્તાહ અને રક્ષાબંધનનો દિવસ સંસ્કૃત દિવસ તરીકે ઉજવવાની પહેલ.
2 સંસ્કૃત સંવર્ધન સહાયતા યોજના: વિવિધ સંસ્કૃત કાર્યક્રમો માટે સંસ્થાઓ, સંશોધકો અને શિક્ષકોને સંસ્કૃતના પ્રચાર માટે નાણાકીય સહાય.
3 સંસ્કૃત પ્રોત્સાહન યોજના: માધ્યમિક કક્ષાએ સંસ્કૃત માટે વિદ્યાર્થી, શિક્ષક અને શાળાઓને પ્રોત્સાહન.
4 શ્રીમદ્ ભગવદ્ ગીતા યોજના: શ્રીમદ્ ભગવદ્ ગીતા ગ્રંથથી આબાલ-વૃદ્ધ સૌ જીવન જીવવાની સાચી દિશા પર ચિંતન કરે અને ગીતા કંઠસ્થ કરવા પ્રોત્સાહન.
5 શતમ સુભાષિત કંઠપાઠ યોજના: નૈતિક મૂલ્યોના સિંચન માટે ૧૦૦થી વધુ સુભાષિતો કંઠસ્થ કરવા આબાલ-વૃદ્ધ સૌને પ્રોત્સાહન.સંસ્કૃત સપ્તાહ અંતર્ગત ધોરણ ૬ થી ૧૨ના વિદ્યાર્થીઓ માટે શ્લોક ગાન, સ્તોત્ર ગાન અને વક્તૃત્વ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે.તા. ૦૬/૦૮/૨૦૨૫: સંસ્કૃત ગૌરવ યાત્રા
તા. ૦૭/૦૮/૨૦૨૫: સંસ્કૃત સંભાષણ દિવસની ઉજવણી તા. ૦૮/૦૮/૨૦૨૫: સંસ્કૃત સાહિત્ય દિવસ – પ્રદર્શની સ્વરૂપે ઉજવણી કરવામાં આવશે તેનું આયોજન કરવામાં આવ્યું છે.અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને આ કાર્યક્રમોમાં સક્રિય સહભાગી બનવા અનુરોધ કરવામાં આવે છે. તમામ શાળાઓને દેવભાષા સંસ્કૃતના સંવર્ધન માટે સહભાગી થવા અને સૌ સાથે મળીને કાર્ય કરવા કલેક્ટરશ્રીએ અપીલ કરી છે.બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી,જિલ્લા શિક્ષણ અધિકારી,તેમજ અરવલ્લી જિલ્લાના સંસ્કૃત ભાષાના પ્રોફેસર અને શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.




