બાકી રૂપિયા મુદ્દે તકરાર: ગ્રાહકનો હોટલ સંચાલક પર કુહાડીથી હુમલો
સમીર પટેલ, ભરૂચ
ભરૂચના એપીએમસી માર્કેટ પાસે આવેલી એક નોનવેજની દુકાને આવેલાં ગ્રાહક પાસે અગાઉના બાકી રૂપિયા માગ્યાં હતાં. જેના પગલે ગ્રાહકે ઉશ્કેરાઇ સંચાલક પર કુહાડીથી હૂમલો કરી ગંભીર ઇજાઓ પહોંચાડતાં તેમને હોસ્પિટલમાં ખસેડાયાં હતાં. ભરૂચ શીફા રોડ પર આવેલાં અલશા એપાર્ટમેન્ટ ખાતે રહેતાં શાબીરખાન અબ્દુલ્લાખાન પઠાણ એપીએમસી પાસે અબ્દુલ્લા સીક પરાઠા નામની નોનવેજની રેસ્ટોરન્ટ ચલાવે છે. ગઇકાલે તે તેના રેસ્ટોરન્ટના કાઉન્ટર પર હતો. તેવેળાં કંથારિયાના દલાલ સ્ટ્રીટ ખાતે રેતાં મોહંમદ અનવર પરસોત્તમ પટેલ તેની રીક્ષા લઇને તેની રેસ્ટોરન્ટમાં આવ્યો હતો. અને તેણે એક લેગપીસ પાર્સલનો ઓર્ડર આપ્યો હતો. દરમિયાનમાં તેનો ઓર્ડર પાર્સલ થતાં તેણે તેના પૈસા આપતાં શાબીરે તેને જણાવ્યું હતું કે, તેના આગળના 440 રૂપિયા હજી બાી છે. તે રૂપિયા પણ આપી દે. જોકે, અનવરે બાદમાં આપવાનું કહેતા શાબીરે તેની પાસે રૂપિયાની માગણી કરતાં અનવરે ઉશ્કેરાઇ જઇ તેની રીક્ષા પાસે જઇ ત્યાંથી અપશબ્દો ઉચ્ચારતો હોઇ તેને અપશબ્દો બોલવાની ના પાડતાં તેણે રીક્ષામાંથી કુહાડી કાઢી તેના પર હુમલો કરી દીધો હતો. આસપાસના લોકો આવી જતાં તે કુહાડી લઇને ત્યાંથી ભાગી ગયો હતો. ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર માટે ભરૂચની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બનાવ સંદર્ભે ભરૂચ બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.