MORBI:ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦% ભરાતા ૨ દરવાજા ૩ ફૂટ ખોલાયા: મોરબી અને માળિયા(મીં) તાલુકાના ૧૦ ગામોને સાવચેત રહેવા અનુરોધ

MORBI:ઘોડાધ્રોઈ ડેમ ૧૦૦% ભરાતા ૨ દરવાજા ૩ ફૂટ ખોલાયા: મોરબી અને માળિયા(મીં) તાલુકાના ૧૦ ગામોને સાવચેત રહેવા અનુરોધ
ડેમમાંથી ૭૧૮૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે
મોરબી તાલુકાના જીકીયાળી ગામ પાસે આવેલ ઘોડાધ્રોઈ સિંચાઇ યોજનામાં સતત પાણીની આવકના પગલે ડેમ રૂલ લેવલ મુજબ ૧૦૦% ભરાઈ ગયો છે. જળાશયમાં પાણીની નવી આવક ચાલુ હોવાથી વધારાના પાણીને નદીમાં છોડવા માટે તંત્ર દ્વારા ડેમના ૨ દરવાજા ૩ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ડેમમાં ૭૧૮૨ ક્યુસેક પાણીની આવક છે અને સામે એટલું જ ૭૧૮૨ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.
ડેમમાંથી પાણીનો નિકાસ શરૂ કરાતા સાવચેતીના પગલારૂપે સિંચાઈ વિભાગ અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘોડાધ્રોઈ ડેમના નીચાણવાસમાં આવતા મોરબી તાલુકાના જીકીયાળી, ચકમપર, જીવાપર, જસમતગઢ, શાપર, જેતપર(મચ્છુ) અને રાપર તેમજ માળિયા(મીં) તાલુકાના સુલતાનપુર, માણાબા અને ચીખલી સહિત કુલ ૧૦ ગામોના નાગરિકોને એલર્ટ કરવામાં આવ્યા છે.
જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નીચાણવાળા તેમજ નદીકાંઠાના વિસ્તારોમાં રહેતા ગ્રામજનોને નદીના પટમાં અવરજવર કે સાહસ ન કરવા, માલ-ઢોરને સલામત સ્થળે ખસેડી લેવા અને તંત્રની સુરક્ષા સૂચનાઓનું ચુસ્તપણે પાલન કરી સહયોગ આપવા ખાસ અનુરોધ કરવામાં આવ્યો છે.







