MORBI:મોરબીના લીલાપર-ઘુનડા રોડ પર યુવક પર થયેલા ખૂની હુમલાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ઘરપકડ

MORBI:મોરબીના લીલાપર-ઘુનડા રોડ પર યુવક પર થયેલા ખૂની હુમલાનો ભેદ ઉકેલાયો, બે આરોપીની ઘરપકડ
મોરબી: મોરબી તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગણતરીના દિવસો પહેલા એક યુવક પર થયેલા ખૂની હુમલાનો ભેદ ઉકેલવામાં મોરબી લોકલ ક્રાઇમ બ્રાન્ચ (LCB) ને મોટી સફળતા મળી છે. ઓવરટેક કરવા જેવી સામાન્ય બાબતે થયેલી બોલાચાલીનો ખાર રાખી યુવકને છરીના ઘા ઝીંકનાર બે આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યા છે.
લીલાપર ગામના રહેવાસી અનિલભાઈ ધનજીભાઈ રાઠોડ, જેઓ રવાપર-ઘુનડા રોડ પર આવેલ શિવમ પાર્ટી પ્લોટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરે છે, તેઓ રાત્રિના સમયે પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન લીલાપર-ઘુનડા રોડ પર ગાયત્રી સ્ટોન ભરડીયા પાસે એક નંબર વગરના સ્પ્લેન્ડર મોટરસાયકલ પર આવેલા ત્રણ શખ્સોએ તેમને આંતર્યા હતા.આરોપીઓએ અનિલભાઈને પેટ, છાતી અને વાંસાના ભાગે છરીના જીવલેણ ઘા ઝીંકી ગંભીર ઈજાઓ પહોંચાડી હતી અને ફરાર થઈ ગયા હતા. આ અંગે મોરબી તાલુકા પોલીસ મથકમાં અજાણ્યા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.મોરબી LCB અને પેરોલ ફર્લો સ્કવોડની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે શનાળા જવાના ત્રણ રસ્તા પાસે નંબર પ્લેટ વગરના શંકાસ્પદ મોટરસાયકલ સાથે બે યુવકો મળી આવ્યા હતા. તેમની તલાશી લેતા તેમની પાસેથી છરી મળી આવી હતી. સઘન પૂછપરછ દરમિયાન બંનેએ કબૂલાત કરી હતી કે, ફરિયાદીએ મોટરસાયકલ ઓવરટેક કરવા બાબતે તેમને ટોક્યા હતા, જેનો બદલો લેવા માટે તેમણે આ હુમલો કર્યો હતો.ઝડપાયેલા આરોપીઓ બાલો દીપકભાઇ પરમાર (રહે. મોરબી)વનરાજ ઉર્ફે અનુ કાળુભાઇ વાધેલા ( રહે. મોરબી) પોલીસે કબજે કરેલ મુદ્દામાલ એક નંબર પ્લેટ વગરનું જૂનું સ્પ્લેન્ડર મોટરસાયકલ (કિં. રૂ. 15,000) હુમલામાં વપરાયેલ છરી (કિં. રૂ. 50) બે નંગ મોબાઈલ ફોન (કિં. રૂ. 10,000) કુલ કિંમત: રૂ. 25,050 હાલમાં મોરબી LCB એ બંને આરોપીઓને આગળની કાયદેસરની કાર્યવાહી માટે મોરબી તાલુકા પોલીસને સોંપ્યા છે.









