MORBI:યુવાનોને તાલીમબધ્ધ કરી પગભર કરવા મોરબીમાં નાબાર્ડે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૧.૫૬ લાખની સહાય કરી
MORBI:યુવાનોને તાલીમબધ્ધ કરી પગભર કરવા મોરબીમાં નાબાર્ડે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૧.૫૬ લાખની સહાય કરી
મોરબીના શ્રી દિવ્યા વાઘેલા નાબાર્ડની તાલીમ થકી રોજગારી મેળવી પરિવારને આર્થિક રીતે સહયોગી બનવાની સાથે પોતાનો અભ્યાસ ફરી શરૂ કરી શક્યા
ગ્રામ્ય વિસ્તારના યુવાઓને કૌશલ્ય વિકાસ માટે તાલીમ/રોજગારી પૂરી પાડી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે નાબાર્ડ
નાબાર્ડ – નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલોપમેન્ટ દ્વારા ગ્રામીણ અને કૃષિ ક્ષેત્રના વિકાસ માટે કામગીરી કરે છે. મોરબી જિલ્લામાં નાબાર્ડ દ્વારા સ્કીલ એન્ડ એન્ટરપ્રિન્યોરશીપ ડેવલપમેન્ટ (SEDI) ગ્રામ્ય વિસ્તારના યુવાઓના ભવિષ્ય નિર્માણ માટે વર્ષ ૨૦૨૩-૨૪ માં ૧૧.૫૬ લાખની સહાય કરી છે જેના થકી યુવાનો તાલીમબધ્ધ થઈ રોજગારીની તક મેળવી શક્યા છે.
નાબાર્ડના સહયોગથી મુશ્કેલીઓને તકમાં ફેરવી પગભર બનેલા મોરબીના શ્રી દિવ્યા વાઘેલા જણાવે છે કે, નાબાર્ડની તાલીમ બાદ અત્યારે હું સારી એવી નોકરી મેળવી ૧૪ હજાર પગાર મેળવી રહી છું. મારા પિતા ટેક્સી ડ્રાઇવર છે અને દર મહિને આશરે ૧૫ હજાર કમાઈ છે તેમાંથી જ અમારા ૬ સભ્યોના પરિવારનું ભરણપોષણ ચાલતું. જેથી મેં પરિવારને આર્થિક રીતે મદદરૂપ થવા માટે એપ્રિલ ૨૦૨૪ માં મે SEDI માંથી જનરલ ડ્યુટી આસિસ્ટન્ટની તાલીમ મેળવી મોરબીમાં માસુમ ગાયનેકોલોજી એન્ડ ચાઈલ્ડ કેર હોસ્પિટલમાં ૦૨ મહિના ઇન્ટર્નશિપ કરી અને ત્યાં જ નોકરી મેળવી. હાલ મને દર મહિને ૧૪ હજાર પગાર આપવામાં આવે છે. આજે હું મારા પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થઈ રહી છું અને મારા નાના ભાઈ બહેનના શિક્ષણમાં સહયોગી બની શકું છું. ઉપરાંત અધૂરા મુકેલા ભણતરને ફરી શરૂ કરી અત્યારે બી.એ.ના બીજા વર્ષમાં અભ્યાસ કરી રહી છું.
નાબાર્ડ ગ્રામ્ય વિસ્તારના અનેક યુવાઓને કૌશલ્ય વિકાસમાં મદદરૂપ બની યુવાનોને તાલીમની સાથે રોજગારીનું સાધન પૂરું પાડી તેમના આત્મવિશ્વાસમાં વધારો કરે છે. નાબાર્ડ ના સાથ અને સહયોગ થકી અનેક યુવાઓ પોતાના સપનાઓ સાકાર કરી આગળ વધી રહ્યા છે.