MORBI:મોરબી જીલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું

MORBI:મોરબી જીલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું
મોરબી: સ્થાનિક સ્વરાજ્યની આગામી ચૂંટણીઓ પૂર્વે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જીલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. નવા સીમાંકન મુજબ જીલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકો યથાવત રાખવામાં આવી છે, જેમાં ૭ બિનઅનામત સામાન્ય અને ૮ સામાન્ય સ્ત્રી માટે અનામત રાખવામાં આવી છે, જ્યારે અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિવાસી તથા સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે અલગ-અલગ કેટેગરીમાં બેઠકો અનામત જાહેર કરાઈ છે. મહાનગરપાલિકા અને નગરપાલિકા બનવાના કારણે કેટલીક બેઠકો રદ કરી નવી બેઠકો ઉમેરવામાં આવી છે.
મોરબી જીલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ ટૂંક સમયમાં યોજાવાની શક્યતા વચ્ચે રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મોરબી જીલ્લા પંચાયતનું નવું સીમાંકન જાહેર કરવામાં આવ્યું છે. આ નવા સીમાંકનમાં મોરબી જીલ્લા પંચાયતની કુલ ૨૪ બેઠકો યથાવત રાખવામાં આવી છે. અનામત વ્યવસ્થામાં અનુસૂચિત જાતિ માટે સ્ત્રીમાં ૧ અને સામાન્યમાં ૧ બેઠક, અનુસૂચિત આદિવાસી જાતિ માટે સામાન્યમાં ૧ બેઠક જાહેર કરવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ માટે સ્ત્રીમાં ૩ અને સામાન્યમાં ૩ બેઠકો રાખવામાં આવી છે. તે ઉપરાંત સામાન્ય સ્ત્રી માટે ૮ બેઠકો અને બિન અનામત સામાન્ય કેટેગરીમાં ૭ બેઠકો જાહેર કરાઈ છે. સામાન્ય સ્ત્રી કેટેગરીમાં મોરબીની આમરણ, વાંકાનેરની ચંદ્રપુર, તિથવા અને રાતીદેવળી, હળવદની માથક અને સાપકડા, ટંકારાની નેકનામ તેમજ માળિયાની સરવડ બેઠકનો સમાવેશ થયો છે. બિન અનામત સામાન્ય કેટેગરીમાં મોરબીની બગથળા, હળવદની ચરાડવા અને ટીકર (રણ), વાંકાનેરની મહીકા અને રાજાવડલા, માળિયાની મોટા દહીંસરા તથા ટંકારાની ઓટાળા બેઠક જાહેર કરાઈ છે.
સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સ્ત્રી) માટે વાંકાનેરની ઢુંવા, હળવદની ઘનશ્યામપુર અને મોરબીની ઘુંટુ બેઠક જાહેર કરવામાં આવી છે. અનુસૂચિત આદિવાસી જાતિ માટે મોરબીની જાંબુડિયા બેઠક અનામત રાખવામાં આવી છે. સામાજિક અને શૈક્ષણિક પછાત વર્ગ (સામાન્ય) માટે મોરબીની જેતપર અને લક્ષ્મીનગર તેમજ માળિયાની ખાખરેચી બેઠક જાહેર કરાઈ છે. અનુસૂચિત જાતિ (સ્ત્રી) માટે ટંકારાની લજાઈ અને અનુસૂચિત જાતિ (સામાન્ય) માટે મોરબીની મકનસર બેઠક જાહેર કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે મોરબી તાલુકાની રવાપર, ત્રાજપર, શક્ત શનાળા અને મહેન્દ્રનગર બેઠકો મહાનગરપાલિકામાં ભળી જતાં રદ કરવામાં આવી છે, જેના સ્થાને લક્ષ્મીનગર, જાંબુડિયા અને મકનસર નવી બેઠકો અસ્તિત્વમાં આવી છે. માળિયા (મિયાણા) તાલુકામાં સરવડ નવી બેઠક ઉમેરવામાં આવી છે. જ્યારે ટંકારા નગરપાલિકા બની જતા ટંકારા બેઠક રદ કરી તેના બદલે નેકનામ નવી બેઠક જાહેર કરવામાં આવી છે. નવા સીમાંકનથી આગામી જીલ્લા પંચાયતની ચૂંટણીમાં રાજકીય ચિત્ર બદલાશે તેવું મનાઈ રહ્યું છે અને વિવિધ રાજકીય પક્ષો દ્વારા નવા સીમાંકનને ધ્યાનમાં રાખીને તૈયારી શરૂ કરવામાં આવી છે.






