GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર તંત્રની લોલમલોલ કામગીરી: ખાડા પૂરવાના નામે ‘થૂંકના સાંધા’ જેવા મરામતથી વાહનચાલકો પર અકસ્માતનો તોળાતો ખતરો

 

MORBI:મોરબી-રાજકોટ હાઈવે પર તંત્રની લોલમલોલ કામગીરી: ખાડા પૂરવાના નામે ‘થૂંકના સાંધા’ જેવા મરામતથી વાહનચાલકો પર અકસ્માતનો તોળાતો ખતરો

ઉદ્યોગનગરી મોરબીમાં આયોજનના અભાવે પ્રજા પરેશાન | ‘વાત્સલ્યમ્ સમાચાર’ના અહેવાલ બાદ જાગેલા તંત્રની કામગીરી ‘થૂંકના સાંધા’ જેવી સાબિત થઈ

ચોમાસાની ઋતુ દરમિયાન એક તરફ જિલ્લા કક્ષાના ઉચ્ચ અધિકારીઓથી લઈને સામાન્ય નાગરિકો કોઈ દુર્ઘટના ન સર્જાય તે માટે સતર્ક રહેતા હોય છે, ત્યારે બીજી તરફ મોરબી જેવા મહત્વના ઉદ્યોગનગરમાં પરફેક્ટ આયોજન અને યોગ્ય નિરાકરણના અભાવે લોકો પારાવાર પરેશાનીનો ભોગ બની રહ્યા છે.

મોરબી-રાજકોટ માર્ગ પર પડેલા બિહામણા ખાડાઓ અને માર્ગની બિસ્માર હાલત અંગે ‘વાત્સલ્યમ્ સમાચાર’ દ્વારા પ્રજાલક્ષી અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો. આ અહેવાલના પગલે જાગેલા તંત્રએ માર્ગ મરામતની કામગીરી તો શરૂ કરી, પરંતુ તે કામગીરી માત્ર ‘દેખાવ પૂરતી’ જ સાબિત થઈ રહી છે.

જે કામગીરી ગુણવત્તાસભર ડામર પાથરીને કરવાની જરૂર હતી, ત્યાં તંત્ર દ્વારા લોકબોલીમાં કહેવાતી “થૂંકના સાંધા” જેવી નીતિ અપનાવીને માત્ર માટી અને મોરમ નાખીને સંતોષ માની લેવાયો હતો. એટલું જ નહીં, રસ્તાનું યોગ્ય લેવલિંગ પણ કરવામાં આવ્યું ન હતું.

હાલ પરિસ્થિતિ એ છે કે, નાખેલી માટી અને મોરમ પણ રસ્તા પરથી નીકળી ગઈ છે, જેના કારણે રસ્તો ફરીથી હતો ત્યાં ને ત્યાં જ આવીને ઊભો રહી ગયો છે. અસમતલ માર્ગ અને ફરી ખુલ્લા થયેલા ખાડાઓના કારણે વાહનચાલકો પર અકસ્માતનો ભય સતત તોળાઈ રહ્યો છે. મરામત બાદના આ દ્રશ્યો તંત્રની નિષ્ફળતાનું સ્પષ્ટ પ્રતિબિંબ પાડી રહ્યા છે.

ફરી અકસ્માત ઝોન બનવાની ભીતિ: મોરબી-રાજકોટ હાઈવે ભૂતકાળમાં પણ અકસ્માત ઝોન તરીકે ઓળખાતો હતો. તંત્રની આવી વેઠ વાળાતી અને ક્ષણભંગુર કામગીરીથી આ માર્ગ ફરીથી લોહિયાળ અકસ્માત ઝોન બની જાય તેવો ભય વાહનચાલકોમાં સેવાય રહ્યો છે.

હોનારત સર્જાશે તો જવાબદાર કોણ?: આ વ્યસ્ત હાઈવે પરથી દરરોજ હજારો નાના-મોટા વાહનો પસાર થાય છે. જો તંત્રની આ અણઘડ કામગીરીના કારણે કોઈ મોટી ઘટના કે દુર્ઘટના સર્જાશે, તો તેની જવાબદારી કોણ લેશે?

મોરબી-રાજકોટ હાઈવે પરથી પસાર થતા વાહનચાલકો માટે આ રસ્તો હાલ ભારે ચિંતાનો વિષય બન્યો છે. જવાબદાર અધિકારીઓ અને તંત્રવાહકો આ પ્રજાલક્ષી પ્રશ્નને ગંભીરતાથી લે, લોભ-લાલચ કે વેઠ વાળવાની વૃત્તિ છોડીને તત્કાલ યુદ્ધના ધોરણે ડામરથી ગુણવત્તાસભર અને સમસ્યા-મુક્ત માર્ગનું નિર્માણ કરે તે અત્યંત જરૂરી બન્યું છે.

Back to top button
error: Content is protected !!