AHAVADANGGUJARAT

ડાંગ જિલ્લાનાં સાપુતારા પંથકમાં વીજળીનાં કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ વરસ્યો..

ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓની ભીડ જામી..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ગિરિમથક સાપુતારા ખાતે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠતા પ્રવાસીઓની ભીડ જામી..

સામાન્ય રીતે આકરા ઉનાળા અને કાળઝાળ ગરમી માટે જાણીતો મે મહિનો ડાંગ જિલ્લામાં અણધાર્યા કમોસમી વરસાદના કારણે અસામાન્ય રીતે સુખદ બની રહ્યો છે. મે મહિનાની શરૂઆતથી જ વરસી રહેલા કમોસમી વરસાદે થોડા વિરામ બાદ ફરીથી પોતાનો અહેસાસ કરાવ્યો છે,અને મહિનાના અંતમાં પણ છૂટોછવાયો વરસાદી માહોલ અવિરત જોવા મળી રહ્યો છે.સોમવારે રાત્રીનાં અરસામાં વીજળીના કડાકા-ભડાકા સાથે ગુજરાતના એકમાત્ર ગિરિમથક સાપુતારા ખાતે ધોધમાર વરસાદ વરસ્યો હતો.આ કમોસમી વરસાદે બીજા દિવસે પર્યટકો માટે આહ્લાદક વાતાવરણ સર્જ્યું હતુ.વરસાદી માહોલ બાદ સમયાંતરે છવાઈ જતી ધુમ્મસની સફેદ ચાદર સાપુતારાના કુદરતી સૌંદર્યને વધુ આહ્લાદક બનાવી રહી છે.પ્રવાસીઓ આ ધુમ્મસિયા વાતાવરણ વચ્ચે સાપુતારાના અનોખા નજારાનો મનભરીને આસ્વાદ માણી રહ્યા છે. શહેરોના ધમાલિયા અને પ્રદૂષિત વાતાવરણથી દૂર, શાંતિ અને કુદરતી સૌંદર્યમાં સમય વિતાવવા માટે સાપુતારા એક ઉત્તમ વિકલ્પ સાબિત થયુ છે. અણધાર્યા વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો થતા ગિરિમથક સાપુતારા ખાતે આવતા પ્રવાસીઓ ખુશનુમા વાતાવરણનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે.ઉલ્લેખનીય છે કે, મે મહિનો ગુજરાતમાં ગરમીનો પરાકાષ્ઠાનો સમય હોય છે.જોકે, ડાંગ જિલ્લામાં ચાલુ રહેલા કમોસમી વરસાદે આ પરંપરાગત પેટર્નને બદલી નાખી છે. અવારનવાર વરસી રહેલા વરસાદ અને તેના પગલે છવાતી ધુમ્મસને કારણે સાપુતારાનું વાતાવરણ આ મહિનામાં પણ શિમલા કે મનાલી જેવુ પ્રતીત થઈ રહ્યુ છે.આ અણધારી હવામાન પરિસ્થિતિ પ્રવાસીઓ માટે એક અનમોલ ભેટ સમાન બની છે, જેઓ ઉનાળાની રજાઓમાં ઠંડક અને પ્રકૃતિની ગોદમાં શાંતિ શોધી રહ્યા છે.સાપુતારા, જે તેના લીલાછમ પહાડો, મનોહર દ્રશ્યો અને શાંત વાતાવરણ માટે જાણીતું છે, તે હવે કમોસમી વરસાદ અને ધુમ્મસને કારણે વધુ આકર્ષક બન્યુ છે. હોટેલ્સ અને રિસોર્ટ્સ પણ પ્રવાસીઓથી ઉભરાઈ રહ્યા છે. જેના કારણે બખા થઈ જવા પામ્યા છે.કમોસમી વરસાદનાં કારણે સાપુતારાનાં સ્થાનિક અર્થતંત્રને પણ વેગ મળી રહ્યો છે.આ પ્રકારે મે મહિનામાં પણ સાપુતારામાં વરસી રહેલો કમોસમી વરસાદ અને તેના પરિણામે સર્જાયેલુ ખુશનુમા વાતાવરણ, આ ગિરિમથકને પ્રવાસીઓ માટે એક અવિસ્મરણીય અનુભવ પ્રદાન કરી રહ્યુ છે..

Back to top button
error: Content is protected !!