GUJARATRAJKOTRAJKOT CITY / TALUKO

Rajkot: રાજકોટમાં વોટસન મ્યુઝિયમ ખાતે હસ્તકલા સપ્તાહની ઉજવણી નિમિત્તે માટીકલા વર્કશોપ યોજાયો

તા.૩૦/૧૨/૨૦૨૪

વાત્સલ્યમ્ સમાચાર

માટીમાંથી કાચબો-પિછવાઈ બનાવવાનું શીખતી વિદ્યાર્થીનીઓ : ૭૦ લોકોએ માટીની કલાકૃતિઓ નિહાળી

Rajkot: ગુજરાત સરકારના પુરાતત્વ અને સંગ્રહાલય વિભાગ દ્વારા હસ્તકલા પ્રવૃત્તિને ઉતેજન આપવા, કલા પ્રવૃત્તિમાં રસ ઉત્પન્ન કરવા અને પ્રાચીન કલા અને સંસ્કૃતિના વારસારુપ નમુનાઓના સંરક્ષણ પ્રત્યે જાગૃતિ કેળવવાના ઉદેશથી અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહ – ૨૦૨૪ની ઉજવણી નિમિત્તે વિવિધ શૈક્ષણિક સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે.

જેના સંદર્ભે રાજકોટ શહેરમાં આવેલા વોટસન મ્યુઝિયમ દ્વારા તા. ૩૦ ડિસેમ્બરના રોજ મોલ્ડીટ ક્લે કમ્પાઉન્ડ – માટી કલાની સર્જનાત્મક કૃતિઓના પ્રત્યક્ષ નિદર્શન સહ વર્કશોપ યોજાયો હતો. જેમાં ભાવનગરના કલાકાર શ્રી નિરૂપમાબેન ટાંક દ્વારા લોહાણા સમાજ સ્થાપિત મહિલા અધ્યાપન મંદિરની ૫૦ વિદ્યાર્થીનીઓને માટી અને એક્રેલિક ક્લરનો ઉપયોગ કરીને ઢોકળા આર્ટનો કાચબો અને માટીકામની પિછવાઈ બનાવવાનું શીખવવામાં આવ્યું હતું. તેમજ ૨ વિદેશી મુલાકાતીઓ સહીત અંદાજે ૭૦ લોકોએ માટીની કલાકૃતિઓ નિહાળી હતી.

આ તકે વોટસન મ્યુઝિયમના ક્યુરેટરશ્રી સંગીતાબેન રામાનુજએ જણાવ્યું હતું કે પ્રાચીન સમયથી વિવિધ કલાકૃતિઓમાં માટીકલાનું વિશિષ્ટ સ્થાન રહ્યું છે. બાળકો મનગમતી એવી માટીકલા પ્રવૃતિમાં ઓતપ્રોત થઇ જાય છે. બહેનો માટીકલામાંથી વિવિધ સર્જનાત્મક કલાકૃતિઓ જેવી કે જવેલરી, શો પીસ, ભીંતચિત્રો તૈયાર કરી, રોજગારી મેળવીને આત્મનિર્ભર બની શકે છે. આથી, અખિલ ભારતીય હસ્તકલા સપ્તાહની ઉજવણી અંતર્ગત આ માટીકલા વર્કશોપ યોજવામાં આવ્યો હતો.

Back to top button
error: Content is protected !!