GANDHINAGAR:નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના અધ્યક્ષસ્થાને‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન
ગુજરાતની વધુ એક સિદ્ધિ રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’ હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ
નવી દિલ્હી ખાતે રાષ્ટ્રપતિશ્રીના અધ્યક્ષસ્થાને*
‘આદિ કર્મયોગી અભિયાન અંગે નેશનલ કોન્કલેવ’નું આયોજન
અન્ય સિદ્ધિઓ આ અભિયાન અંતર્ગત બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારીની પસંદગી આદિ કર્મયોગી અભિયાનમાં વલસાડને બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે એવોર્ડ બેસ્ટ પર્ફોર્મિંગ ITDAs તરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદને પસંદ કરાયા ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ રાજ્ય કક્ષાના સુપર કોચ-માસ્ટર ટ્રેનર તરીકે ગુજરાતની પસંદગી
આદિ કર્મયોગી અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ
કેન્દ્ર સરકારના આદિજાતિ બાબતોના મંત્રાલયના ઉપક્રમે નવી દિલ્હી ખાતે ભારતના રાષ્ટ્રપતિ શ્રી દ્રોપદી મુર્મુના અધ્યક્ષસ્થાને “આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ”નું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ શ્રી મુર્મુના હસ્તે ‘પ્રધાનમંત્રી જનજાતીય આદિવાસી ન્યાય મહા અભિયાન’-PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં ‘બેસ્ટ પર્ફોર્મિંગ રાજય’ તરીકે ગુજરાતને એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ ગુજરાત સરકાર વતી આદિજાતિ વિકાસ વિભાગના અગ્ર સચિવ શ્રી શાહ મીના હુશેને સ્વીકાર્યો હતો.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આદિજાતિના સર્વાંગી વિકાસ માટે ગુજરાત સરકારે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ગુજરાતમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનનો સફળ અમલ કરવામાં આવી રહ્યો છે. આ અભિયાન હેઠળ સમાવિષ્ટ વહિવટી વિભાગોના સમન્વય અને અથાગ મહેનતના પરિણામે PM-JANMAN હેઠળ સમગ્ર દેશમાં બેસ્ટ પર્ફોર્મિંગ રાજય તરીકે ગુજરાત તેમજ વિવિધ જિલ્લાઓને પ્રોત્સાહિત કરવામાં આવ્યા છે.
આ અભિયાન હેઠળ કેન્દ્ર સરકારે જિલ્લા કક્ષાની કામગીરી ધ્યાને રાખી PM-JANMAN હેઠળ બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે નવસારી જિલ્લાની પસંદગી કરી હતી. જેમાં રાષ્ટ્રપતિશ્રીના હસ્તે નવસારી જિલ્લા કલેકટરશ્રી દ્વારા એવોર્ડનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત ‘આદિ કર્મયોગી અભિયાન’ દરમિયાન વિશિષ્ટ કામગીરી માટે બેસ્ટ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ જિલ્લાની પસંદગી બદલ રાષ્ટ્રપતિશ્રીના હસ્તે વલસાડ જિલ્લા કલેકટરશ્રી દ્વારા એવોર્ડ સ્વીકારવામાં આવ્યો હતો.
આ સાથે કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતમાં PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનના અમલમાં નોંધનીય કામગીરી બદલ તાપી, આદિ કર્મયોગી અભિયાન હેઠળ પસંદ કરેલ સુપર કોચ-સ્ટેટ માસ્ટર ટ્રેનર્સ તરીકે ગુજરાતના ટ્રાયબલ રીસર્ચ ઇન્સ્ટિટ્યુટના ડાયરેક્ટર શ્રી સી.સી. ચૌધરી તેમજ શ્રી આકાશ ભલગામાને પ્રસંશનીય કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યું હતું. જ્યારે બેસ્ટ પર્ફોર્મિંગ ITDAs તરીકે ગુજરાતના છોટા ઉદેપુર અને દાહોદ, ધરતી આબા અભિયાનમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લામાં ડાંગ અને દાહોદનો સમાવેશ થાય છે. આ ઉપરાંત આદિ કર્મયોગી અભિયાનમાં દેશમાં ટોપ પર્ફોર્મિંગ જિલ્લા તરીકે વલસાડ, સુરત, ભરૂચ અને તાપીને એવોર્ડ આપવામાં આવ્યો છે.
નોંધનીય છે કે, નેશનલ કોન્કલેવ દરમિયાન ભારત સરકાર દ્વારા આદિવાસી સમુદાયના સર્વાગી વિકાસ માટે PM-JANMAN, ધરતી આબા જનજાતીય ગ્રામ ઉત્કર્ષ અભિયાન અને આદિ કર્મયોગી અભિયાનની શરૂઆત કરવામાં આવી છે.રાષ્ટ્રપતિશ્રી ઉપરાંત વિવિધ કેન્દ્રીય મંત્રીશ્રીઓની ઉપસ્થિતિમાં આદિ કર્મયોગી અભિયાન અંગેની નેશનલ કોન્કલેવ દરમિયાન આ અભિયાનના સફળ અમલ અંગે ઉત્કૃષ્ઠ કામગીરી કરનાર રાજય અને જિલ્લાઓને બેસ્ટ પર્ફોમન્સ તરીકે રાષ્ટ્રપતિશ્રીના હસ્તે પ્રોત્સાહિત કરી એવોર્ડ એનાયત કરવામાં આવ્યા હતા.
આ કોન્કલેવમાં આદિ કર્મયોગી અભિયાન હેઠળ સમાવિષ્ટ રાજયોના અધિકારીશ્રીઓ, સ્ટેટ માસ્ટર ટ્રેનર, ડિસ્ટ્રીક માસ્ટર ટ્રેનર અને ગ્રામ્ય કક્ષાના આદિ કર્મયોગી સહયોગી અને સાથીઓ ઉપસ્થિત રહ્યા હતા.