HALVAD:હળવદના ચરાડવા મહાકાળી આશ્રમમાં ચોરી કરનાર ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
HALVAD:હળવદના ચરાડવા મહાકાળી આશ્રમમાં ચોરી કરનાર ચાર આરોપીઓને ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા
મોરબીના ચરાડવા મહાકાળી આશ્રમ તથા સુરેંદ્રનગર જિલ્લાના ધાંગધ્રા તથા વસ્તડી મેલડી માતાજીના મંદીરમાં એમ ત્રણ મંદિર ચોરીઓનો ભેદ ઉકેલી ચાર આરોપીને રોકડા રૂપીયા, ચોરીમાં ગયેલ દાનપેટીની રકમ તથા સોના તેમજ ધાતુના દાગીના સહીત કુલ કિ.રૂ. ૨,૯૧,૦૦૫/- ના મુદામાલ સાથે ચાર ઈસમોને મોરબી ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડયા છે.
મળી રહેલ માહિતી મુજબ મોરબી એલ.સી.બી.ને બાતમી મળી હતી કે હળવદમાં ફુલ જોગણી મેલડી માતાના મંદિરની બાજુમાં આવેલ ક્રિષ્નાપાર્કની સામે ખરાબામાં આવેલ મહેશ દેવીપુજકના ઝુપડામાં ચાર શખ્સો હાજર છે અને તેને હળવદ તાલુકાના ચરાડવા ગામે આવેલ મહાકાળી આશ્રમમાં મંદિરમાંથી ચોરી કરેલ છે.
જેથી ત્યાં દરોડો પાડતા ઝૂંપડામાંથી મહેશભાઈ રાજુભાઇ ધંધાણીયા, પરબતભાઈ નાજાભાઈ સરૈયા, પ્રતાપ ત્રિભોવનભાઈ ઉર્ફે તભાભાઈ દેવીપુજક અને ચેતનભાઇ ઉર્ફે ચેતલો પરબત ઉર્ફે પ્રભાત જાગરીયાને પકડી લેવામાં આવ્યા હતા.
આ ચારેયની પ્રાથમિક પૂછપરછ કરતા તેઓએ ચરાડવા નજીક આવેલ મહાકાળી આશ્રમ ખાતે તથા ધ્રાંગધ્રામાં નદીના કાંઠે આવેલ મસાણની મેલડી માતાજીના મંદીરમાં તથા વસ્તડી ખાતે આવેલ સામાકાંઠા વાળા મેલડી માતાજીના મંદીરમાં દાન પેટીમાંથી રોકડા રૂપીયા તથા માતાજીને ચડાવેલ સોના તથા ધાતુના દાગીનાઓની ચોરી કર્યાની કબૂલાત આપી હતી.
પોલીસે રોકડ રૂ. ૪૫,૫૦૫, સોનાના દાગીના કિંમત રૂ.૪૪,૫૦૦ તથા એક કાર મળી રૂ.૨.૯૧ લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ કામગીરીમાં એલસીબી પીઆઈ એમ.પી. પંડયા, પીઆઈ વી.એન. પરમાર, પીએસઆઈ બી.ડી. ભટ્ટ સહિતના રોકાયેલ હતા.